ગુજરાતનું જામનગર ફરી એક વાર દેશનું સૌથી મોટું વિદેશી મૂડીરોકાણ લાવશે

13 August, 2019 02:12 PM IST  |  મુંબઈ

ગુજરાતનું જામનગર ફરી એક વાર દેશનું સૌથી મોટું વિદેશી મૂડીરોકાણ લાવશે

કરન્સી

ગુજરાત રાજ્યનું જામનગર ફરી એક વાર દેશમાં, એક જ સોદામાં સૌથી વધુ ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (સીધું વિદેશી મૂડીરોકાણ) લાવી રહ્યું છે. ઑગસ્ટ ૨૦૧૭માં એસ્સાર જૂથની રિફાઇનરીમાં રોઝનેફ્ટ અને અન્ય રોકાણકારોએ ૧૩ અબજ ડૉલરનો કરાર કરી રુઈયા જૂથ પાસેથી કંપની ખરીદી લીધી હતી. આજે ખાનગી ક્ષેત્રની દેશની સૌથી મોટી કંપની રિલાયન્સે સાઉદી અરેબિયાની અરામ્કો સાથે ૧૫ અબજ ડૉલરમાં કરાર કર્યો છે.

સાઉદી અરામ્કો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વચ્ચે રિલાયન્સના રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ્સ અને ઈંધણના વેચાણ-વ્યવસાયને સમાવતા ઑઇલ ટૂ કેમિકલ્સ (ઓ2સી) ડિવિઝનમાં પ્રસ્તાવિત રોકાણ સાથે સંબંધિત નૉન-બાઇન્ડિંગ લેટર ઑફ ઇન્ટેન્ટ પર સંમત થઈ હતી. સાઉદી અરામ્કોનો સંભવિત ૨૦ ટકા હિસ્સો રિલાયન્સના ઑઇલ ટૂ કેમિકલ ડિવિઝનના ૭૫ અબજ ડૉલરના મૂલ્ય પર આધારિત છે એટલે કે લગભગ ૧૫ અબજ ડૉલર (૧,૦૫,૦૦૦ રૂપિયા)નું રોકાણ થશે જે ભારતમાં સીધા વિદેશી મોટા રોકાણનો સૌથી મોટો સોદો છે.

અરામ્કો માત્ર ઑઇલ ઍન્ડ ગૅસ જ નહીં, દરેક ક્ષેત્રમાં કાર્યરત વિશ્વની સૌથી મોટી કંપની છે જ્યારે રિલાયન્સ એક જ સ્થળે કાર્યરત વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ધરાવે છે. છેલ્લાં ૨૫ વર્ષથી કાર્યરત રિલાયન્સની રિફાઇનરીમાં અરામ્કો ક્રૂડ ઑઇલનું અત્યારે પણ વેચાણ કરે છે, પરંતુ આ હિસ્સો ખરીદ્યા પછી દૈનિક ૫,૦૦,૦૦૦ બૅરલ ક્રૂડ ઑઇલ પણ લાંબા ગાળા માટે પૂરું પાડશે, એવી જાહેરાત રિલાયન્સની વાર્ષિક સાધારણ સભામાં ચૅરમૅન મુકેશ અંબાણીએ
કરી હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘હું દુનિયામાં સૌથી મોટા બિઝનેસ એન્ટરપ્રાઇઝમાંની એક સાઉદી અરામ્કોને અમારા ઑઇલ ટૂ કેમિકલ્સ ડિવિઝનમાં સંભવિત રોકાણકાર તરીકે આવકારીને ખુશ છું. અમે સાઉદી અરામ્કો સાથે લાંબા ગાળાના ક્રૂડ ઑઇલ સંબંધ ધરાવીએ છીએ અને અમે આ રોકાણ સાથે બન્ને વચ્ચેના સંબંધોને વધારે ગાઢ બનાવીશું. સાઉદી અરામ્કોનું રોકાણ અમારી ઍસેટ અને કામગીરી તેમ જ ભારતની સંભવિતતાની ગુણવત્તાનો મજબૂત પુરાવો છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં જ એસ્સાર જૂથની ઑઇલ રિફાઇનરીનો સંપૂર્ણ હિસ્સો રશિયાના રોઝનેફ્ટ અને અન્ય રોકાણકારોએ ૧૩ અબજ ડૉલર (૮૬,૧૦૦ કરોડ રૂપિયા)માં ઑગસ્ટ ૨૦૧૭માં સોદો પૂર્ણ કર્યો હતો. એ સમયે એ દેશનું સૌથી મોટું વિદેશી મૂડીરોકાણ હતું. જોકે રિફાઇનરી, એનું લોકેશન જામનગર, વિદેશી મૂડીરોકાણ સિવાય જોકે સોદામાં તફાવત પણ છે. દેવા હેઠળ દબાયેલા રુઈયા જૂથે સંપૂર્ણ હિસ્સો વેચી દીધો હતો,જ્યારે રિલાયન્સ માત્ર ૨૦ ટકા હિસ્સો જ વેચી રહી છે.

આ પણ વાંચો : 10 વર્ષમાં બની જશો કરોડપતિ, આ છે સહેલી રીત

ગયા સપ્તાહે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના પેટ્રોલિયમ રીટેલ નેટવર્ક માટે બીપી સાથે સંયુક્ત સાહસની જાહેરાત કરી હતી. દેશભરમાં રિલાયન્સના પેટ્રોલ પમ્પમાં વધારે ગ્રાહકલક્ષી સેવા આપવા માટે તેમ જ ભવિષ્યમાં વીજળીથી ચાલતી કારના ચાર્જિંગ સ્ટેશન માટેની સવલત આ સંયુક્ત સાહસમાં ઊભી થવાની છે. રિલાયન્સનો હિસ્સો આ નવી કંપનીમાં ૫૧ ટકા અને બીપીનો હિસ્સો ૪૯ રહેશે જેનાથી પણ રિલાયન્સ જૂથને ૭૦૦૦ કરોડ રૂપિયાની રકમ મળવાની છે. અરામ્કો સાથેના કરારમાં આ સંયુક્ત સાહસનો સમાવેશ થશે એમ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું.

business news