દેશના પૅન કાર્ડધારકોમાં રિટર્ન ફાઇલ કરવામાં ગુજરાત અવ્વલ

11 July, 2019 11:18 AM IST  |  નવી દિલ્હી

દેશના પૅન કાર્ડધારકોમાં રિટર્ન ફાઇલ કરવામાં ગુજરાત અવ્વલ

પૅન કાર્ડ

ભારત સરકાર સતત એવા પ્રયત્ન કરી રહી છે કે દેશમાં પૅન કાર્ડ હોય તે બધા જ આવકવેરાનું રિટર્ન ફાઇલ કરે, પરંતુ જુલાઈ ૨૦૧૯ના રોજ ઉપલબ્ધ આંકડા અનુસાર દેશના ૪૬.૧૦ કરોડ પૅન કાર્ડ ધરાવતા લોકોમાંથી માત્ર ૧૩.૭૦ ટકા કે ૬.૩૧ કરોડ લોકોએ જ પોતાનું રિટર્ન ફાઇલ કર્યું હતું. 

જોકે, આવકવેરાનું રિટર્ન ફાઇલ કરનારનું વધારે પ્રમાણ અને એનાથી કરની આવક સાથે સીધો સંબંધ પણ નથી. દેશની આવકવેરાની કુલ આવકમાં સૌથી મોટો હિસ્સો ધરાવતાં ટોચનાં પાંચ રાજ્યોમાં ગુજરાતમાંથી ૨૪.૩૫ ટકા પૅન કાર્ડધારકોએ રિટર્ન ફાઇલ કર્યાં છે, પણ એની સામે રાજ્યની કરની આવક આ પાંચ રાજ્યોમાં સૌથી છેલ્લા ક્રમે આવે છે. ગુજરાતની કુલ કરની આવક ૪૯,૦૨૧.૬૯ કરોડ રૂપિયા છે એમ નાણાપ્રધાને રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું. માત્ર કરની આવક જ નહીં, પણ રિટર્ન ફાઇલ કરનાર દરેક લોકોએ ચૂકવેલા સરેરાશ કરની આવક ગુજરાત રાજ્યમાં માત્ર ૭૮,૭૧૮ રૂપિયાની છે જે આ પાંચ રાજ્યોમાં સૌથી ઓછી છે.

બીજી તરફ, દિલ્હીમાં ૨૨.૨૨ ટકા પૅન કાર્ડ હોય એવા લોકોએ આવકવેરાનું રિટર્ન ફાઇલ કર્યું છે. દિલ્હી રાજ્યમાંથી કેન્દ્ર સરકારને આવકવેરાની ૧,૬૬,૪૦૫.૪૦ કરોડ રૂપિયાની કરની આવક થઈ છે અને કુલ આવકમાં એનો બીજો નંબર આવે છે. જોકે, દિલ્હીમાં સરેરાશ કરની આવક ૪,૭૯,૪૬૨ રૂપિયા છે અને એ સરેરાશ વેરાની આવકની દૃષ્ટિએ દેશમાં પ્રથમ ક્રમે છે.

આ પણ વાંચો : શરૂઆતના કારોબારમાં તેજી, સેન્સેક્સમાં 150થી વધારે અંકોની તેજી

દેશની આર્થિક રાજધાની મુંબઈના કારણે તેમ જ ઉદ્યોગની દૃષ્ટિએ પણ દેશમાં અવ્વલ ક્રમે આવતા મહારાષ્ટ્રમાં કુલ પૅન કાર્ડધારકોમાંથી માત્ર ૧૫.૯૮ ટકા કે ૧,૦૦,૨૭,૪૨૭ લોકોએ આવકવેરાનું રિટર્ન ફાઇલ કર્યું છે અને રાજ્યમાંથી ૪,૨૫,૩૯૦.૮૦ કરોડ રૂપિયાની આવક સરકારને થઈ છે. સમગ્ર દેશમાં આવકવેરો ભરવામાં મહારાષ્ટ્ર રાજ્ય અવ્વલ છે પણ સરેરશ કરની આવકની દૃષ્ટિએ ૪,૨૪,૨૨૭ રૂપિયા સાથે તે બીજા ક્રમે છે.

business news gujarat