ફ્લિપકાર્ટ-ઍમેઝૉન સામે રીટેલ વેપારીઓની ફરિયાદની તપાસ કરવા સરકાર સહમત

16 October, 2019 10:19 AM IST  |  નવી દિલ્હી

ફ્લિપકાર્ટ-ઍમેઝૉન સામે રીટેલ વેપારીઓની ફરિયાદની તપાસ કરવા સરકાર સહમત

ફ્લિપકાર્ટ-ઍમેઝૉન

દેશમાં ઑનલાઇન રીટેલ કંપનીઓ ગ્રાહકોને ભારે વળતર આપીને કેન્દ્ર સરકારની વિદેશી મૂડીરોકાણની નીતિ અને નિયમોનું ઉલ્લંઘન કરી રહી હોવાની કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સની ફરિયાદ છે. આ ફરિયાદ વિશષ દેશનું વાણિજ્ય મંત્રાલય તપાસ કરશે એવું સૂત્રોએ જણાવ્યું છે. દરમ્યાન જોધપુર હાઈ કોર્ટમાં આ સંબંધી એક કેસમાં કોર્ટે કેન્દ્ર સરકારને વેપારીઓની ફરિયાદ વિશે બે સપ્તાહમાં જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 

ભારત સરકારે ફેબ્રુઆરીમાં ઈ-કૉમર્સ ક્ષેત્રે નિયમો બદલાવીને ડિસ્કાઉન્ટ અને સ્થાનિક ખરીદીનાં ધોરણ બદલાવ્યાં હતાં. સરકારના આ પગલાથી ઍમેઝૉન અને ફ્લિપકાર્ટ નારાજ થયાં અને અમેરિકન સરકારે પણ સત્તાવાર રીતે વિરોધ પ્રગટ કર્યો છે. બન્ને કંપનીઓ પોતે નિયમો પાળી રહી હોવાનું રટણ કરી રહી છે, પણ વેપારીઓ કહે છે કે કંપનીઓ એમાં છીંડાં શોધીને કામ કરી રહી છે.

વેપારીઓની ફરિયાદ

વેપારીઓની ફરિયાદ છે કે કંપનીઓ પોતાની જંગી નાણાકીય તાકાતનો ઉપયોગ કરીને વેપારીઓ પાસેથી ખરીદી કરતી વખતે નિયમોનું ઉલ્લંઘન કરે છે અને ગ્રાહકોને ભારે ડિસ્કાઉન્ટ, કેટલાક કિસ્સામાં ૫૦ ટકા સુધી પણ વળતર આપે છે. કૉન્ફેડરેશને તો કેન્દ્રના વાણિજ્ય મંત્રી પ‌િયૂષ ગોયલને પત્ર પાઠવીને કંપનીઓના ઑડિટ કરવાની માગણી પણ કરી છે.

ઈ-કૉમર્સ કંપનીઓમાં સ્થાનિક ખરીદી સમયે પોતાનું કમિશન બાદ કરી આપે છે. ગ્રાહકો વધારે વળતર મળી રહ્યું હોવાથી ઑનલાઇન ખરીદી કરી રહ્યા છે. ગ્રાહકોને વધુ વળતર આપવા માટે આ ઈ-કૉમર્સ કંપનીઓ જ્યાંથી ખરીદી કરે છે એને વળતર પોતાના ખિસ્સામાંથી ચૂકવે છે એવો પણ કૉન્ફેડરેશનનો આરોપ છે. કેટલાક કિસ્સામાં કંપની આવા લોકોને અડધોઅડધ હિસ્સો વળતરમાંથી ચૂકવી આપે છે.

ગત સપ્તાહે કેન્દ્રીય પ્રધાનની બેઠક બાદ વેપારી મંડળ અને ઍમેઝૉન અને ફ્લિપકાર્ટના અધિકારીઓ વચ્ચે પણ બેઠક થઈ હતી. કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સનો દાવો છે કે દેશભરના ૭ કરોડ જેટલા રીટેલ વેપારીઓ તેમની સાથે જોડયેલા છે અને ગ્રાહકો ખરીદી ઑનલાઇન કરી રહ્યા હોવાથી તેમણે નુકસાન વેઠવું પડે છે.

આ પણ વાંચો : કોઈ પણ ફન્ડામેન્ટલ્સ ટેકાના અભાવે વૈશ્વિક બજારમાં સોનામાં ઘસારો

જોધપુર કોર્ટમાં કેસ

ગયા સપ્તાહે કૉન્ફેડરેશન અને મારવાડ વેપારી મંડળે જોધપુર હાઈ કોર્ટમાં કેસ દાખલ કરીને આ સંદર્ભે તપાસ કરવા માટે સરકારને આદેશ આપવા માટેની માગણી કરવામાં આવી છે. વેપારી મંડળ ઇચ્છે છે કે સમગ્ર મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ તપાસ કરે. મંગળવારે સુનાવણી બાદ કેન્દ્ર સરકાર, ફ્લિપકાર્ટ અને ઍમેઝૉનને બે સપ્તાહમાં જવાબ આપવા અને વેપારીઓએ કરેલી વિવિધ ફરિયાદ વિશે શું પગલાં લેવામાં આવ્યાં એની લેખિત જાણ કરવા માટે નિર્દેશ આપ્યો છે.

amazon flipkart business news