ટ્રેડ-વૉર અને એશિયામાં આર્થિક ગતિવિધિ મંદ છતાં ભારતમાં સોનું મક્કમ

02 November, 2019 02:07 PM IST  |  મુંબઈ ડેસ્ક

ટ્રેડ-વૉર અને એશિયામાં આર્થિક ગતિવિધિ મંદ છતાં ભારતમાં સોનું મક્કમ

બુલિયન વૉચ

મુંબઈ: અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉર ખતમ કરવા માટેની સંધિ કાયમી નહીં હોય અને લાંબા ગાળાની વ્યાપાર-સમજૂતી માટે સમય લાગી શકે છે એવા સોનાની તેજીને પ્રોત્સાહન આપતા પરિબળ પછી સોનું ગુરુવારે ૧૫૦૦ ડૉલરની સપાટી પાર કરી ગયું હતું. શુક્રવારે એશિયા અને અન્ય બજારમાં આર્થિક ગતિવિધિ નબળી પડી રહી હોવાના સંકેત પછી પણ ઉપલા મથાળે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. એશિયન ટ્રેડિંગમાં સોનું ઘટ્યા પછી અમેરિકામાં રોજગારીના આંકડા ધારણા કરતાં વધારે મજબૂત આવતા સોનું વધારે ઘટ્યું હતું. જોકે, ભારતમાં મુંબઈ ખાતે સોનું ૪૦,૦૦૦ રૂપિયાની સપાટી પાર કરવામાં સફળ રહ્યું હતું.
અમેરિકામાં બ્યુરો ઑફ લેબર સ્ટેટેસ્ટીક્સના આંકડા અનુસાર ૯૦,૦૦૦ નવી રોજગારીના અંદાજ સામે ૧,૨૮,૦૦૦ નવી નોકરીઓનું સર્જન થયું હતું જે દર્શાવે છે કે અમેરિકામાં હજી પણ આર્થિક ગતિવિધિ ધારણા કરતાં વધારે મક્કમ છે અને તે ફેડરલ રિઝર્વને વ્યાજદરનો ઘટાડો નહીં કરવા માટે વધુ એક કારણ આપે છે.
આર્થિક રીતે ગતિવિધિ મંદ રહે તે સોના જેવી વ્યાજ સાથે નહીં જોડાયેલી અને સલામત ગણાતી અસ્ક્યામત માટે સારી બાબત છે. હૉંગકૉંગમાં પ્રદર્શનના કારણે અર્થતંત્ર ૩.૨ ટકાના દરે ઘટ્યું હતું. ચીનમાં પર્ચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સમાં સતત છ મહિનાથી જોવા મળી રહેલો ઘટાડો ઑક્ટોબરમાં પણ ચાલુ રહ્યો હતો. જપાનમાં પણ મૅન્યુફૅકચરિંગ ઇન્ડેક્સ ત્રણ વર્ષમાં સૌથી નબળો આવ્યો હતો. દક્ષિણ કોરિયામાં નિકાસ વાર્ષિક દોરને ચાર વર્ષમાં સૌથી મોટો ઘટાડો દર્શાવે છે. આમ છતાં, ઊંચા મથાળે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેજી ચાલુ રહે એ માટે ૧૫૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી મહત્ત્વની છે અને લાગી રહ્યું છે કે આજે તે તૂટી શકે છે.
વૈશ્વિક સોનાના ભાવ ગુરુવારે ૧૪૯૫.૩ ડૉલર સામે વધી ૧૫૧૨.૨ ડૉલર પ્રતિ ઔંસ બંધ આવ્યા હતા. ન્યુ યૉર્ક ડિસેમ્બર વાયદો ગુરુવારે ૧૫૧૪.૮ ડૉલર બંધ આવ્યો હતો જે આજે ઘટી ૧૫૧૦.૫૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ચાંદીનો વાયદો આગલા બંધ ૧૮.૦૬૭ સામે ૧૭.૯૯૭ ડૉલર પ્રતિ ઔંસ છે. બન્નેના ભાવમાં આજે આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે.
મુંબઈ હાજર સોનું ૭૫ વધી ૪૦,૨૨૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૬૦ વધી ૩૯,૯૬૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૮,૫૦૦ ખૂલી ઉપરમાં ૩૮,૫૪૬ અને નીચામાં ૩૮૪૨૦ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૧૨૫ ઘટીને ૩૮,૪૫૩ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૫૨ રૂપિયા ઘટીને ૮ ગ્રામદીઠ ૩૦,૬૭૮ અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૬ વધીને ૧ ગ્રામદીઠ ૩૮૯૬ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૬૪ ઘટીને બંધમાં ૩૮,૬૭૮ રૂપિયાના ભાવ રહ્યા હતા.
ચાંદીમાં મુંબઈ ખાતે ભાવ ૯૦ વધી ૪૮,૩૦૦ અને અમદાવાદ ખાતે ૪૮,૧૮૦ રૂપિયા રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૬,૭૨૫ ખૂલી ઉપરમાં ૪૬,૮૨૦ અને નીચામાં ૪૬,૫૭૫ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૧૫ ઘટીને ૪૬,૬૪૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. ૧૦૭ ઘટીને ૪૬,૬૬૩ અને ચાંદી-માઈક્રો નવેમ્બર ૧૦૮ ઘટીને ૪૬,૬૬૫ રૂપિયા બંધ રહ્યા હતા.
ડૉલર સામે રૂપિયો મજબૂત
ભારતીય ચલણ રૂપિયો ડૉલર સામે આજે મજબૂતી સાથે બંધ આવ્યો હતો, કારણ કે વિદેશી સંસ્થાઓએ ભારતીય શૅરબજારમાં છેલ્લા એક સપ્તાહમાં સતત ડૉલર ઠાલવ્યા હતા. બીજી તરફ ડૉલર વૈશ્વિક બજારમાં સ્થિર હતો. ડૉલર સામે રૂપિયો આજે ૭૦.૯૬ની સપાટીએ નબળો ખૂલ્યો હતો અને વધારે ઘટી ૭૦.૯૮ થયો હતો, પણ પછી સતત ડૉલરના વેચાણના કારણે તે વધી ૭૦.૮૧ની સપાટીએ બંધ આવ્યો હતો જે આગલા બંધ કરતાં ૧૧ પૈસાની મજબૂતી દર્શાવે છે. જોકે, સાપ્તાહિક ધોરણે રૂપિયો ડૉલર સામે ૯ પૈસા નબળો બંધ આવ્યો છે.

business news