કોરોના વાઇરસની સ્થિતિ સુધરી રહી હોવાથી સોનાના ભાવ નરમ

13 February, 2020 11:14 AM IST  |  Mumbai Desk

કોરોના વાઇરસની સ્થિતિ સુધરી રહી હોવાથી સોનાના ભાવ નરમ

કોરોના વાઇરસનો સૌથી ખરાબ સમય પૂર્ણ થયો અને હવે ધીમે ધીમે સ્થિતિ સુધરી રહી હોવાની ચર્ચા વચ્ચે શૅરબજારમાં જોવા મળી રહેલી નવી ખરીદી અને જોખમ લેવાની વૃત્તિ વધી જતાં સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પોવેલે વાઇરસથી જોખમ ઊભા થઈ શકે, અમેરિકન અર્થતંત્ર મજબૂત છે અને અત્યારે વ્યાજદર ઘટાડવા કે વધારવાની જરૂર નથી એવો સંકેત મંગળવારે આવતા અમેરિકન ડૉલર વધ્યો હતો જેના કારણે પણ સોના અને ચાંદીના ભાવમાં દબાણ જોવા મળ્યું હતું.
જોકે કોરોના વાઇરસના કારણે ક્રૂડની માગ ઘટશે, કેટલીક કંપની અને સેક્ટરમાં પુરવઠો અટકી શકે, ઉત્પાદન પર અસર પડી શકે એવી ચર્ચાઓ પણ જોવા મળી રહી હોવાથી ભાવમાં તીવ્ર ઘટાડો થયો નથી.
વૈશ્વિક બજારમાં હાજર સોનું ૦.૧૪ ટકા કે ૨.૧૬ ઘટી ૧૫૬૫.૭૩ ડૉલર અને કૉમેકસ એપ્રિલ વાયદો ૧.૩૫ ડૉલર ઘટી ૧૫૬૮.૭૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર હતો. હાજર ચાંદી ૦.૪૪ ટકા કે ૮ સેન્ટ ઘટી ૧૭.૫૭ ડૉલર અને માર્ચ વાયદો ૦.૩૪ ટકા કે ૫ સેન્ટ ઘટી ૧૭.૫૩૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતા.
સોનાની હાજર બજારમાં નીરસ વાતાવરણ હતું. મુંબઈ ખાતે ભાવ ૧૦ વધી ૪૧,૮૦૦ અને અમદાવાદ ખાતે ૪૧,૮૪૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ બંધ આવ્યા હતા. સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૦,૪૩૧ ખૂલી ઉપરમાં ૪૦,૪૭૦ અને નીચામાં ૪૦,૩૦૬ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨ ઘટીને ૪૦,૪૦૮ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૪ વધીને ૮ ગ્રામદીઠ ૩૨,૨૮૬ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૦૦૦ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ ૩ વધીને બંધમાં ૪૦,૩૫૬ રૂપિયાના ભાવ રહ્યા હતા.
ચાંદીમાં મુંબઈ હાજર ૩૪૫ ઘટી ૪૬,૯૪૦ અને અમદાવાદ ખાતે ૩૫૦ ઘટી ૪૬,૯૫૦ રૂપિયા પ્રતિ કિલો બંધ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૫,૬૯૩ રૂપિયા ખૂલી ઉપરમાં ૪૫,૬૯૯ અને નીચામાં ૪૫,૪૦૬ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૪૨ ઘટીને ૪૫,૬૨૨ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૩૭ ઘટીને ૪૫,૬૪૦ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી ૪૫ ઘટીને ૪૫,૬૪૨ રૂપિયા બંધ રહ્યા હતા.
ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો
શૅરબજારમાં જોવા મળેલી વૃદ્ધિ સામે બજાર બંધ થયા પછી જાહેર થનારા દેશના ફુગાવા અને ઔદ્યોગિક ઉત્પાદનના આંક અગાઉ ડૉલર સામે રૂપિયો નબળો બંધ આવ્યો હતો. ક્રૂડ ઑઇલમાં વધી રહેલા ભાવ, વિદેશી નાણાપ્રવાહ બહાર જવાનું શરૂ થઈ શકે એવો ડર અને અમેરિકન ડૉલર મજબૂત થઈ રહ્યો હોવાથી પણ ડૉલર સામે રૂપિયામાં આજે નરમ વાતાવરણ જોવા મળી રહ્યું હતું. આજે રૂપિયો ૭૧.૨૧ અને અને ૭૧.૪૦ની સપાટી વચ્ચે અથડાઈ ડૉલર સામે છ પૈસા ઘટી ૭૧.૩૪ની સપાટીએ બંધ આવ્યો હતો.

business news