બજારની વિક્રમી સપાટીએ સોનાના ભાવમાં સાંકડી વધ-ઘટ :ચીન સાથે સંધિ પર નજર

20 November, 2019 10:05 AM IST  |  Mumbai

બજારની વિક્રમી સપાટીએ સોનાના ભાવમાં સાંકડી વધ-ઘટ :ચીન સાથે સંધિ પર નજર

ગોલ્ડ

અમેરિકા અને ચીનની ટ્રેડ-વૉરના સમાચાર પર સતત નજર રાખીને સોનાના ભાવ સાંકડી વધ-ઘટ વચ્ચે જોવા મળી રહ્યા છે. અમેરિકાના અર્થતંત્રના આંકડાઓની આજે બજાર પર અસર જોવા નથી મળી રહી. મકાનવેચાણના આંકડા ધારણા કરતાં નબળાં આવ્યાં હતાં, પણ નવા બાંધકામની પરમિટના આંકડા ધારણા કરતાં વધારે હોવાથી બજારમાં એની પણ કોઈ અસર નથી. બીજી તરફ શૅરબજાર સતત વધી રહ્યું છે એટલે જોખમ લેવા રોકાણકારો તૈયાર જોવા મળી રહ્યા છે.

સોનાના ભાવ ત્રણ મહિનાની નીચી સપાટીની નજીક છે, પણ એ પછી ભાવમાં જબરી મક્કમતા જોવા મળી રહી છે. આ દર્શાવે છે કે જ્યારે અન્ય ઍસેટ ક્લાસમાં વિક્રમી સપાટી જોવા મળતી હોય ત્યારે સામાન્ય રીતે સોનામાં વેચાણ જોવા મળવું જોઈએ. બજારમાં મોટી વૃદ્ધિ કે ઘટાડો હવે ચીન સાથે વ્યાપાર-સંધિ થાય છે કે નહીં એના આધારે જ આવે એવું લાગી રહ્યું છે.

એક તરફ અમેરિકા અને ચીન વચ્ચે પ્રથમ તબક્કાની સંધિ વિશે કોઈ સત્તાવાર અહેવાલ મળી રહ્યા નથી ત્યારે અમેરિકાએ પોતાના દેશની કંપનીઓને ચીન સાથે બિઝનેસ કરવાની મુદત વધુ ૯૦ દિવસ વધારી આપી છે. આ સ્થિતિમાં સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હતો. શૅરબજારમાં સતત વિક્રમી સપાટી જોવા મળી રહી છે. બૉન્ડના યીલ્ડ વધી રહ્યા છે એનાથી સોનાના ભાવ વધતા અટકી ગયા છે, પણ ઘટાડો પણ નથી જોવા મળી રહ્યો.

વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં આજે સાંકડી વધ-ઘટ જોવા મળી રહી છે. ભાવ ૧૪૭૧.૬ની બંધ સપાટી સામે વધ ૧૪૭૩.૯ થયા બાદ ઘટીને ૧૪૬૮.૯ થયા બાદ અત્યારે ૧૪૬૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ન્યુ યૉર્ક વાયદો અત્યારે ૨.૩૫ ડૉલર ઘટી ૧૪૬૯.૫૫ અને ચાંદી વાયદો ૧૭.૦૦૩ની સપાટી પર સ્થિર છે.

ભારતની બજારમાં આજે સોનાના ભાવમાં વધારો થયો હતો. મુંબઈમાં હાજર સોનું ૧૬૫ વધી ૩૯,૩૮૦ રૂપિયા ૧૦ ગ્રામના અને અમદાવાદમાં ૧૬૦ વધી ૩૯,૪૦૦ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૮,૨૩૦ ખૂલી, ઉપરમાં ૩૮,૨૩૦ અને નીચામાં ૩૭,૯૬૫ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૩૦ ઘટીને ૩૭,૯૯૯ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૮૭ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૦૫૯૪ અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે બે રૂપિયા ઘટીને ૧ ગ્રામદીઠ ૩૮૯૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૧૧ ઘટીને બંધમાં ૩૮૦૧૭ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈ હાજર ચાંદી ૭૫૦ વધી ૪૬,૦૫૦ અને અમદાવાદમાં ૬૮૦ વધી ૪૬,૧૬૦ રૂપિયા પ્રતિ કિલો બંધ આવ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૪,૫૪૫ ખૂલી, ઉપરમાં ૪૪,૯૬૦ અને નીચામાં ૪૪,૫૪૫ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૧ ઘટીને ૪૪,૬૬૪ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૧૬ ઘટીને ૪૪૬૮૬ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૧૦ ઘટીને ૪૪,૬૮૬ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર સામે રૂપિયો વધ્યો

સ્થાનિક અને વિદેશી બજારમાં કોઈ મહત્ત્વના સમાચારના અભાવે સાંકડી વધ-ઘટ બાદ ડૉલર સામે રૂપિયો મજબૂત સપાટીએ બંધ આવ્યો હતો. ડૉલર આજે ૭૧.૬૮ અને ૭૨ની સપાટી વચ્ચે અથડાયો હતો. સવારે ડૉલર સામે રૂપિયો ૭૧.૯૭ની નબળી સપાટી પર ખૂલ્યો હતો અને પછી સતત વધીને બંધ આવ્યો હતો. મંગળવારે ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસા વધી ૭૧.૭૧ની સપાટીએ બંધ રહ્યો હતો.

business news