અમેરિકા–ચીનના ટ્રેડ-વૉરની સમજૂતી વચ્ચે સોનાના ભાવમાં ભારે અથડામણ

15 November, 2019 11:47 AM IST  |  Mumbai

અમેરિકા–ચીનના ટ્રેડ-વૉરની સમજૂતી વચ્ચે સોનાના ભાવમાં ભારે અથડામણ

ગોલ્ડ

સોનાની બજારમાં અત્યારે સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનું ત્રણ મહિનાની નીચી સપાટીએથી અમેરિકા અને ચીન વચ્ચે વેપાર-સમજૂતી વિશેની અનિશ્ચિતતા પર અત્યારે મક્કમ ટકી રહ્યા છે. ૧૫ ડિસેમ્બરે નવા ટૅરિફ અમલમાં આવે એ પહેલાં બન્ને દેશ કોઈ સમજૂતી કરે છે કે નહીં એના પર બજારની નજર ટકી રહી છે. ટ્રેડ-વૉર આગળ વધશે એવા કોઈ સમાચારથી અચાનક બજારમાં ઉછાળો અત્યારે તો જણાતો નથી, કારણ કે સોનાની માગ અને પુરવઠામાં ઊંચા ભાવે માગ ઘટી રહી હોવાના સ્પષ્ટ સંકેત છે. આર્થિક મંદી વિશે ચીન, જપાન અને જર્મનીના સમાચારથી બજારમાં મક્કમતા જોવા મળી રહી છે, પણ ઉછાળો જણાતો નથી. 

વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું ૧૪૬૩.૬ ડૉલરની સપાટીએ બુધવારે બંધ હતું અને આજે વધીને ૧૪૬૯.૫ થઈ અત્યારે ૧૪૬૯.૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ન્યુ યૉર્કમાં કૉમેક્સ ગોલ્ડ ડિસેમ્બર વાયદો ૬.૪૫ ડૉલર કે ૦.૪૪ ટકા વધીને ૧૪૬૯.૭૫ની સપાટીએ હતો, જ્યારે ચાંદીનો વાયદો ૦.૩૮ ટકા વધીને ૧૬.૯૭૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ હતો.

ઊઘડતી બજારે ડૉલર સામે રૂપિયો નબળો પડતાં અને વૈશ્વિક બજારમાં મક્કમ ભાવને કારણે સોનાના ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી, પણ દિવસના અંતે હાજરમાં સોનું માત્ર ૧૦ વધીને મુંબઈ ખાતે ૩૯,૪૯૦ અને અમદાવાદ ખાતે ૩૯,૫૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ બંધ આવ્યું હતું. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૮૦૬૦ ખૂલી, ઉપરમાં ૩૮૨૧૧ અને નીચામાં ૩૮૦૫૯ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૫૫ વધીને ૩૮૧૫૨ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૬ વધીને ૮ ગ્રામદીઠ ૩૦૬૭૨ અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩ વધીને ૧ ગ્રામદીઠ ૩૮૮૧ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૮ વધીને બંધમાં ૩૮૧૫૫ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈ હાજર ચાંદી ૧૫૦ વધી ૪૬,૦૩૦ અને અમદાવાદ ખાતે ૪૬,૧૪૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ આવી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૪૬૧૦ રૂપિયા ખૂલી, ઉપરમાં ૪૪૮૮૮ અને નીચામાં ૪૪૫૧૨ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૨૬ વધીને ૪૪૭૬૦ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૨૨૮ વધીને ૪૪૭૭૪ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૨૩૧ રૂપિયા વધીને ૪૪૭૭૫ રૂપિયા બંધ રહ્યા હતા.

આર્થિક મંદીના સંકેત

ચીનમાં ઑક્ટોબર મહિનામાં ઔદ્યોગિક વૃદ્ધિદર માત્ર ૪.૭ ટકા આવ્યો હતો. બજારમાં અપેક્ષા ૫.૪ ટકાની હતી. જપાનમાં આર્થિક વિકાસદર એક વર્ષમાં સૌથી નીચો રહ્યો છે. જુલાઈથી સપ્ટેમ્બરના ગાળામાં વિકાસ માત્ર ૦.૨ ટકા રહ્યો છે. બજારમાં અપેક્ષા ૦.૮ ટકાની હતી. જર્મનીમાં વિકાસદર અપેક્ષા કરતાં વધુ ૦.૧ ટકા રહ્યો હતો. સોનાની તેજી માટે આર્થિક વિકાસ દર ઘટે, વ્યાજના દર ઘટે એ જરૂરી છે જેથી રોકાણકારો જોખમી અસ્કયામતો છોડીને સલામત સોનાની ખરીદી કરે.

ઈટીએફમાં પણ વેચાણ શરૂ

ધીમું પડી રહેલું વૈશ્વિક અર્થતંત્ર, અમેરિકામાં ઘટી રહેલા બૉન્ડના યીલ્ડ, અમેરિકા અને ચીન વચ્ચે વણસી રહેલી ટ્રેડ-વૉર અને ઘટી રહેલા વ્યાજદરને કારણે સપ્ટેમ્બરના મધ્ય ભાગ સુધી સોનાના ભાવમાં વૈશ્વિક સ્તરે ઉછાળો આવ્યો હતો. જોકે અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર-સમજૂતી વિશે ચર્ચા શરૂ થવાની જાહેરાત સાથે જ ભાવ હવે ઘટી રહ્યા છે અને ત્રણ મહિનાની નીચી સપાટી સુધી પહોંચી ગયા છે. આની સાથે ચીન અને ભારત જેવા સોનાના બે સૌથી મોટા વપરાશકર દેશોમાં જ્વેલરી, બિસ્કિટ અને કૉઇન્સની માગ સતત ઘટી રહી છે, પરંતુ, એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઈટીએફ)ની ખરીદી સતત ચાલુ રહી હતી. ઈટીએફની કુલ અસ્કયામતો સૌથી ઊંચા સ્તરે પહોંચી હતી. જોકે હવે એવું લાગી રહ્યું છે કે એમાં પણ રોકાણકારો નફો બાંધી રહ્યા છે.
વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઈટીએફ એસપીડીઆરમાં ગયા શુક્રવારના સપ્તાહમાં ૬૨.૦૭ કરોડ ડૉલર લોકોએ ઉપાડી લીધા છે જે એક જ સપ્તાહમાં બે વર્ષનો સૌથી મોટો ઉપાડ છે. વૈશ્વિક સોનાનો ભાવ સપ્ટેમ્બરમાં ૬ વર્ષની ઊંચી સપાટીથી હવે ૬ ટકા જેટલો ઘટી ગયો છે.

આ પણ વાંચો : ક્રેડિટ રેટિંગમાં ઘટાડા પછી હવે મૂડીઝે ભારતનો આર્થિક વૃદ્ધિદર પણ ઘટાડ્યો

નીચલા સ્તરેથી રૂપિયો વધ્યો

ભારતીય ચલણ રૂપિયો બુધવારના બંધ ૭૨.૦૯ની સામે આજે વધીને બંધ આવ્યો હતો. દિવસના પ્રારંભે અન્ય એશિયાઈ ચલણ સાથે ભારતીય રૂપિયો પણ ડૉલર સામે નબળો પડી ગયો હતો. સવારે ૭૨.૦૫ ખૂલી રૂપિયો ઘટીને ૭૨.૨૪ની દિવસની નીચલી સપાટીએ જોવા મળ્યો હતો. એ પછી બજારમાં ડૉલરની જોરદાર વેચવાલી અને રૂપિયાની ખરીદીને કારણે દિવસના અંતે એ ૭૧.૯૭ની સપાટીએ બંધ આવ્યો હતો, જે ૧૨ પૈસાનો ઉછાળો દર્શાવે છે.

business news