ભારતમાં સોનું નવી ઐતિહાસિક સપાટીએ, વૈશ્વિક ભાવ ૭ વર્ષને પાર

21 February, 2020 01:07 PM IST  |  Mumbai Desk

ભારતમાં સોનું નવી ઐતિહાસિક સપાટીએ, વૈશ્વિક ભાવ ૭ વર્ષને પાર

કોરોના વાઇરસમાં ગુરુવારે આજે એક દિવસમાં નવા દરદીઓની સંખ્યામાં સૌથી ઓછો વધારો થયો હતો, પરંતુ ચીન સિવાય અન્ય દેશોમાં નવા દરદીઓની સંખ્યા વધી રહી હોવાથી સોનાના ભાવ ૭ વર્ષની નવી ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા. ભારતમાં સોનાના ભાવ વધુ એક વખત ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે. હાજર સોનું પ્રથમ વખત ૪૩,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ કરતાં મોંઘું થયું છે. વાઇરસની અસર ખાળવા માટે ફેબ્રુઆરી મહિનામાં બીજી વખત ચીને વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી હતી જેના કારણે ભાવમાં વધારે પકડ આવી હતી.
અમેરિકામાં કોમેક્સ ખાતે એપ્રિલ વાયદો ૧૬૨૦.૭૫ની સપાટીએ છે જે માર્ચ ૨૦૧૩ પછીની સૌથી ઊંચી સપાટી છે. હાજરમાં પણ સોનું ૧૬૧૭.૪૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. પેલેડિયમના ભાવ બુધવારે નવી સર્વકાલીન ઊંચી સપાટી સામે ગઈ કાલે વધારે ૧.૬ ટકા વધી ૨૬૧૩.૮ ડૉલર પ્રતિ ઔંસ પહોંચ્યા હતા. ચાંદી એક મહિનાની ઊંચી સપાટીની નજીક ૧૮.૩૨ ડૉલર પ્રતિ ઔંસ પર છે. વૈશ્વિક બજારમાં સોનાના હાજરના ભાવ વર્ષ ૨૦૧૯ના છેલ્લા દિવસે ૧૫૧૭ ડૉલર હતા જે છ ટકા જેટલા વધી ગયા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે તંગદિલી અને પછી ચીનના કોરોના વાઇરસના કારણે આર્થિક મંદી આવશે એવી દહેશતથી સોના તરફ સલામતી માટે રોકાણ જોવા મળી રહ્યું છે. વાઇરસના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર સંકટ આવી પડ્યું છે અને ચીનની જેમ અન્ય દેશોએ પણ વ્યાજદર ઘટાડવા પડશે, પુષ્કળ નાણાપ્રવાહિતા કરવી પડશે એવી ધારણાએ વ્યાજ સાથે નહીં જોડાયેલી આ ઍસેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
ડૉલરના ભાવ અઢી વર્ષની ઊંચી સપાટીએ હોવા છતાં સોનું સતત વધી રહ્યું છે. સામાન્ય રીતે ડૉલર મજબુત થાય તો એની પડતર અન્ય ચલણમાં મોંઘ‌ી બનતી હોવાથી એની માગ ઘટશે એવી ધારણાએ તેજીને બ્રેક લાગે છે.
ભારતમાં નવી ઐતિહાસિક સપાટી
ગુરુવારે ભારતમાં મુંબઈ હાજર સોનું ૨૨૫ વધી ૪૩,૦૨૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૪૩,૧૦૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સર્વકાલીન ઊંચી સપાટી પર જોવા મળી રહ્યું છે. ભારતમાં સોનાના ભાવ કૅલેન્ડર વર્ષ ૨૦૧૯ના અંત પછી ૬.૮ ટકા અને ચાંદીના ભાવ ૩.૧૯ ટકા જેટલા વધ્યા છે. ભારતમાં ભાવવૃદ્ધિ મુખ્યત્વે વૈશ્વિક ભાવમાં વૃદ્ધિ અને ડૉલર સામે નબળા રૂપિયા આધારિત છે. અન્યથા ભારતમાં ઊંચા ભાવે ઘરેણાંની માગ ઘટી રહી છે. અગાઉ સપ્ટેમ્બરમાં પણ ભારતમાં સોનાના ભાવ ૪૨,૮૦૦ રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. મુંબઈ હાજર ચાંદી આજે ૪૫ વધી ૪૯,૦૯૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૭૫ વધી ૪૯,૧૨૦ રૂપિયા પ્રતિ એક કિલોના ભાવે છે.
ડૉલર ઇન્ડેક્સ અઢી વર્ષની ઊંચી સપાટીએ
અમેરિકન ડૉલર આજે ૧૦૦ની સપાટીની નજીક પહોંચ્યો છે જે મે ૨૦૧૭ પછીની સૌથી ઊંચી સપાટી છે. ટેક્નિકલ રીતે જો આ સપાટી તૂટે તો એમાં હજી પણ વધારો થઈ શકે છે. ચાલુ વર્ષે ડૉલરના ભાવમાં અન્ય ચલણો સામે સૌથી વધુ ઉછાળો આવ્યો છે. અત્યારે ડૉલર સામે યુરો ૦.૧૩૨ ટકા ઘટેલો છે, યેન સામે ડૉલર ૦.૫૬ ટકા મજબૂત છે, પાઉન્ડ ૦.૪૭ ટકા ઘટ્યો છે. ડૉલર ઇન્ડેક્સ ૯૯.૭૮૭ની સપાટીએ છે જે ૦.૧૯ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. એશિયામાં દરેક ચલણો સામે ડૉલર મજબૂત હતો. કોરોના વાઇરસની અસરથી દક્ષિણ કોરિયા અને સિંગાપોરમાં અસરો વધી રહી હોવાથી બન્ને દેશનાં ચલણો પણ ડૉલર સામે ગબડ્યાં હતાં. કોરિયાનો વોન એક ટકો ઘટી છ મહિનાના નીચા સ્તરે જ્યારે સિંગાપોર ડૉલર પણ એક ટકો ઘટી ત્રણ વર્ષના નીચા સ્તરે જોવા મળી રહ્યો છે.
રૂપિયો એક મહિનાની નીચી સપાટીએ
વૈશ્વિક બજારમાં વધી રહેલા ડૉલર, ક્રૂડના વધી રહેલા ભાવ અને ભારતીય શૅરબજારમાં ઘટાડાના કારણે ડા.લર સામે રૂપિયો આજે એક મહિનાની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. કોરોના વાઇરસના કારણે અને એના વધી રહેલા વ્યાપથી જોખમી અસ્કયામતો અને ચલણોમાં વેચવાલી જોવા મળી રહી છે. ગઈ કાલે રૂપિયો ૭૧.૭૫ની નબળી સપાટીએ ખૂલી ૭૧.૮૦ થઈ દિવસના અંતે ૧૦ પૈસા ઘટી ૭૧.૬૪ની સપાટીએ બંધ આવ્યો હતો. આ જાન્યુઆરી ૮ પછીની સૌથી નીચી સપાટી છે. સાપ્તાહિક ધોરણે રૂપિયામાં ૩૩ પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે.

business news