ઈરાન પર વળતા આક્રમણ ‌સંદર્ભે ટ્રમ્પના ઠંડા વલણથી સોના-ચાંદીમાં પીછેહઠ

10 January, 2020 02:18 PM IST  |  Mumbai

ઈરાન પર વળતા આક્રમણ ‌સંદર્ભે ટ્રમ્પના ઠંડા વલણથી સોના-ચાંદીમાં પીછેહઠ

ગોલ્ડ-સિલ્વર

ઈરાન પર વળતા આક્રમણ સંદર્ભે ટ્રમ્પે ઠંડું વલણ અપનાવતાં વિશ્વમાર્કેટમાં સોના-ચાંદીમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો જેને પગલે મુંબઈમાં સોનું ૯૭૦ ઘટીને ૧૦ ગ્રામના ૩૯૮૮૧ અને ચાંદી ૧૪૨૦ ઘટીને કિલોના ૪૬૩૭૫ રૂપિયા રહી હતી.

વિદેશી પ્રવાહો

ઈરાન દ્વારા ઇરાકમાં તહેનાત અમેરિકન સૈનિક પર મિસાઇલ-અટૅક થયા બાદ મિડલ ઈસ્ટમાં ટેન્શન વધ્યું હતું અને એની અસરે બુધવારે વર્લ્ડ માર્કેટમાં સોનું ઊછળીને એક તબક્કે ૧૬૧૦.૯૦ ડૉલર થયું હતું. ઈરાનના મિસાઇલ-અટૅકનો અમેરિકા જડબાતોડ જવાબ આપશે એવી ધારણા વચ્ચે ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાનના મિલિટરી-ઍક્શનમાં અમેરિકન સૈનિકની કોઈ જાનહાનિ થઈ નથી એથી મિલિટરી ઍક્શનનો પ્રત્યુત્તર આપવાની હાલમાં કોઈ જરૂર નથી. ટ્રમ્પના આ આશ્ચર્યજનક નિવેદન બાદ સોનું સડસડાટ નીચે ઊતરી ગયું હતું. ગુરુવારે બપોર સુધીમાં સોનાએ ૧૫૫૦ ડૉલરનું લેવલ તોડ્યું હતું. વળી વર્લ્ડ બૅન્કનું બુલિશ ગ્રોથ પ્રોજેક્શન અને ચીનના વાઇસ પ્રીમિયર દ્વારા અમેરિકા સાથે  ફર્સ્ટ ફેઝના ટ્રેડ ઍગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવાની જાહેરાતની અસરે પણ સોનામાં પીછેહઠ જોવા મળી હતી. સોનું વધેલા ભાવથી ૧૬થી ૧૮ કલાકમાં જ ૬૦ ડૉલર ઘટી ગયું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ચીનનું ઇન્ફલેશન ડિસેમ્બરમાં વધીને ૮ વર્ષની ઊંચાઈએ ૪.૫ ટકાએ પહોંચ્યું હતું જે વિશે માર્કેટની ધારણા ૪.૭ ટકા હતી. ચીનમાં ફૂડ ઇન્ફલેશન ઘટ્યું હતું, પણ નૉન ફુટ ઇન્ફલેશન ડિસેમ્બરમાં ૧.૩ ટકા વધતાં ઓવરઑલ ઇન્ફલેશન વધ્યું હતું. ઇન્ફલેશન વધે ત્યારે સોનામાં હેજિંગ વધે છે. આમ ચીનનું હાયર ઇન્ફલેશન સોનાની તેજીને સપોર્ટ કરી રહ્યું છે, પણ વર્લ્ડ બૅન્કે ગ્લોબલ ગ્રોથ પ્રોજેક્શન સુધાર્યું હતું જે સોનાની તેજી માટે નેગેટિવ હતું. વર્લ્ડ બૅન્કે ગ્લોબલ ગ્રોથ પ્રોજેક્શન ૨૦૨૦ માટે ૨.૫ ટકા, ૨૦૨૧ માટે ૨.૬ ટકા અને ૨૦૨૨ માટે ૨.૭ ટકા મૂક્યું હતું. ૨૦૧૯માં ગ્લોબલ ગ્રોથ ૨.૪ ટકા રહ્યો હતો. વર્લ્ડ બૅન્કે અમેરિકા, યુરો એરિયા અને જપાનનો ગ્રોથ ૨૦૨૦થી ૨૦૨૨ દરમ્યાન ઘટાડ્યો હતો, પણ ભારત સહિતના અનેક એશિયન દેશો, રશિયા, બ્રાઝિલ, આર્જેન્ટિનાના ગ્રોથ પ્રોજેક્શન સુધાર્યાં હતાં. વર્લ્ડ બૅન્કનું ગ્લોબલ ગ્રોથ પ્રોજેક્શન બુલિશ રહેતાં સોનાની પીછેહઠને સપોર્ટ મળ્યો હતો.

ભાવિ રણનીતિ

અમેરિકા-ઈરાન વચ્ચે ટેન્શન હજી યથાવત્ છે, પણ અમેરિકા અને ચીન વચ્ચે આવતા સપ્તાહે ફર્સ્ટ ફેઝનું ટ્રેડ ઍગ્રીમેન્ટ થવાનું નક્કી મનાતું રહ્યું હોવાથી ટ્રેડ-વૉરની અસર સોનાની માર્કેટમાંથી ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે.

અમેરિકા-ઈરાન ટેન્શનથી સોનામાં તેજી થતાં જાન્યુઆરીમાં ઇમ્પોર્ટ ૬૦ ટકા ઘટવાની ધારણા

અમેરિકા-ઈરાન વચ્ચે તનાવ વધતાં સોનાના ભાવ વૈશ્વિક માર્કેટમાં ૭ વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા, જેને કારણે ભારતીય માર્કેટમાં પણ સોના-ચાંદીના ભાવ આસમાની ઊંચાઈએ પહોંચ્યા છે. ૨૦૨૦ના આરંભથી જ સોના-ચાંદીના ભાવ સ્થાનિક માર્કેટમાં સતત વધી રહ્યા છે. સોનાનો ભાવ ૧ જાન્યુઆરીએ મુંબઈમાં ૧૦ ગ્રામ ૩૯,૧૧૧ રૂપિયા હતો જે વધીને ૮ જાન્યુઆરીએ ૪૦,૮૫૧ રૂપિયા થયો હતો. ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના નૅશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે અમેરિકા-ઈરાન વચ્ચે જે રીતે તંગદિલી વધી રહી છે એ જોતાં જિયોપૉલિટિકલ ટેન્શન હજી વધશે અને એની સીધી અસરે સોનામાં વધુ તેજી જોવા મળશે. સોનાની તેજીને કારણે ડિમાન્ડ ઘટતાં એની અસરે ઇમ્પોર્ટ પર પણ થશે અને જાન્યુઆરીમાં સોનાની ઇમ્પોર્ટ ૬૦ ટકા ઘટવાની ધારણા છે.

business news