ઇરાન મુદ્દે અમેરિકાની ગુલાંટથી સોના-ચાંદીના ભાવમાં ઊથલપાથલ વધી

11 January, 2020 12:02 PM IST  |  Mumbai Desk

ઇરાન મુદ્દે અમેરિકાની ગુલાંટથી સોના-ચાંદીના ભાવમાં ઊથલપાથલ વધી

અમેરિકાની હાઉસ ઑફ રિપ્રેઝન્ટેન્ટિવે ટ્રમ્પની ઈરાન પર અટૅક કરવાની સત્તા પર નિયંત્રણ મૂકતાં સોનું-ચાંદી ગગડી ગયાં હતાં, પણ ઈરાન પર આર્થિક પ્રતિબંધોની લગામ વધતાં નીચા મથાળે સોના-ચાંદીમાં લેવાલી નીકળતાં ભાવ સુધર્યા હતા. સોનું વર્લ્ડ માર્કેટમાં ઘટીને ૧૫૩૯.૭૮ ડૉલર થયા બાદ વધીને શુક્રવારે સાંજે ૧૫૫૦ થયું હતું. મુંબઈ માર્કેટમાં સોનું શુક્રવારે સવારે ઘટીને ૩૯,૭૯૮ રૂપિયા થયું હતું જે સાંજે વધુ ઘટીને ૩૮,૭૬૦ થયું હતું. ગુરુવારના બંધ ભાવની સરખામણીમાં સોનું ૧૨૧ રૂપિયા ઘટ્યું હતું અને ચાંદી ૧૯૫ ઘટીને ૪૬,૧૮૦ રૂપિયા રહી હતી. 

વિદેશી પ્રવાહો
અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેન્ટિવે નવું રેઝોલ્યુશન પાસ કરીને ટ્રમ્પને ઈરાન સામે મિલિટરી ઍક્શન લેતાં રોકતાં મિડલ ઈસ્ટમાં ટેન્શન ઘટ્યું હતું. જોકે ટ્રમ્પે ઈરાન પર વધુ આર્થિક પ્રતિબંધ લાદીને દબાણ વધાર્યું હતું. અમેરિકન હાઉસ ઑફ રિપ્રેઝન્ટેન્ટિવના સ્પીકર નેન્સી પિલોસીએ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ પાવર પર ઠંડું પાણી રેડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જેને કારણે ટ્રમ્પને ઈરાન માટે મિલિટરી ઍક્શન લેવામાં પીછેહઠ કરવી પડી હતી. વળી ચીન અને અમેરિકા વચ્ચે ૧૫ જાન્યુઆરીએ ફર્સ્ટ ફેઝના ટ્રેડ ઍગ્રીમેન્ટ થવાનું નક્કી મનાવા લાગતાં સમગ્ર વિશ્વનું ઇકૉનૉમિક ચિત્ર સુધરવાની આશા જાગી હતી. આમ આ બન્ને કારણોને લઈને સોનું ગુરુવારે ઓવરનાઇટ ઘટીને ૧૫૩૯.૭૮ ડૉલર થયું હતું, પણ શુક્રવારે ઈરાન પર નવા આર્થિક પ્રતિબંધ આવતાં સોનામાં નીચા મથાળે નવી લેવાલી શરૂ થતાં સોનું ફરી વધીને ૧૫૫૦ ડૉલર નજીક પહોંચ્યું હતું.
ઇકૉનૉમિક ફૅક્ટર
અમેરિકાનાં અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ વીતેલા સપ્તાહ દરમ્યાન સતત ચોથા સપ્તાહે ઘટ્યા હતા અને વીતેલા સપ્તાહ દરમ્યાન ૯૦૦૦ ઘટ્યાં હતાં. અમેરિકાના સ્ટ્રૉન્ગ જૉબડેટા, ચીન સાથે ટ્રેડ ઍગ્રીમેન્ટ ૧૫ જાન્યુઆરીએ થવાની જાહેરાત અને મિડલ ઈસ્ટમાં ટેન્શન હળવું થતાં અમેરિકન સ્ટૉક ઇન્ડેક્સ નવી ઊંચાઈએ પહોંચ્યા હતા, જેને કારણે સોના પર ગુરુવારે ઓવરનાઇટ દબાણ વધ્યું હતું. જોકે જપાનના તમામ ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં વૈશ્વિક મંદીનો ભય હજી જોઈએ એટલો ઓછો થયો નથી જે સોનામાં દરેક ઘટાડે નવી ખરીદીનું આકર્ષણ વધારે છે. જપાનનો કો-ઇન્સિડન્ટ ઇકૉનૉમિક ઇન્ડિકેટર ઇન્ડેક્સ નવેમ્બરમાં ઘટીને ૭ વર્ષના તળિયે ૯૫.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑક્ટોબરમાં ૯૫.૩ પૉઇન્ટ હતો. જપાનનું હાઉસહોલ્ડ સ્પેન્ડિંગ ઑક્ટોબરમાં બે ટકા ઘટ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૫.૧ ટકા ઘટ્યું હતું, પણ માર્કેટની ધારણા ૨.૫ ટકા વધારાની હતી.
ભાવિ રણનીતિ
મિડલ ઈસ્ટમાં ટેન્શન ઘટતાં સોનું ઝડપથી ઘટતાં હવે નવી તેજીના સંજોગ નબળા પડી રહ્યા છે. ટેક્નિકલ ઍનલિસ્ટો સોનામાં ૧૨૪૦ ડૉલરની સપાટીને મજબૂત રેઝિસ્ટન્સ ગણી રહ્યા છે. જો આ લેવલ તૂટશે તો સોનું ઝડપથી ઘટીને ૧૫૨૦ ડૉલર થશે એવી ધારણા છે.

business news iran united states of america