અમેરિકા-ઈરાન વચ્ચે તનાવ વધતાં સોનું અને ક્રૂડ ઊછળ્યાં : શૅરોમાં કરેક્શન

06 January, 2020 03:36 PM IST  |  Mumbai Desk | biren vakil

અમેરિકા-ઈરાન વચ્ચે તનાવ વધતાં સોનું અને ક્રૂડ ઊછળ્યાં : શૅરોમાં કરેક્શન

અમેરિકાના ડ્રોન હુમલામાં ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતના સમાચારોથી સોનામાં ગાંડી તેજી આવીને ભાવ ૪૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ક્રૂડ ૫.૫ ટકા વધીને ૪૬૦૦ થઈ ગયું હતું. બ્રેન્ટ ક્રૂડ ૭૦ ડૉલર વટાવી ગયું હતું. ન્યુ યૉર્ક સોનું ૧૫૫૦ ડૉલર થયું હતું. રૂપિયો ૭૧.૮૦ થઈ ગયો હતો. માત્ર આઠ સેશનમાં રૂપિયો ૭૦.૫૩થી ઘટીને ૭૧.૮૦ થયો છે. વરસના આરંભે બૅન્ક ઑફ ચીને રિઝર્વ રેશિયો ૫૦ બેસિસ પૉઇન્ટ ઘટાડ્યાના અહેવાલોએ શૅરબજાર અને સોનું તેજ હતાં, પણ ઈરાની કમાન્ડર સુલેમાનીના મોતનો બદલો લેવા ઈરાને ધમકી આપતાં બજારોમાં ગભરાટ ફેલાયો હતો. ઈરાન અમેરિકા પર સીધો હવાઈ હુમલો કરી શકે એવી સ્થિતિમાં નથી, પણ હોર્મુઝની ખાડીમાં નીકળતાં ઑઇલ-ટૅન્કરો પર અટૅક કરીને કે ગલ્ફના તેલપુરવઠાને ખોરવી શકવા સક્ષમ છે. ઈરાન સાથે ચીન અને રશિયાની તાકાત ભળી જાય તો મધ્ય પૂર્વનાં સમ‌ીકરણો બદલાઈ જાય. ઈરાનના ટોચના કમાન્ડરની હત્યા ગલ્ફના રાજકારણ માટે મોટો ભૂકંપ છે અને એના કેવા પ્રત્યાઘાતો આવે એની આગાહી હાલમાં કવેળાની ગણાય. ઇમ્પિચમેન્ટથી ઘેરાયેલા ટ્રમ્પે લોકોનું ધ્યાન ભટકાવવા હુમલો કરાવ્યો છે કે પછી અમેરિકા હવે ઈરાન સામે લડી લેવા માગે છે અને એ રીતે ટ્રમ્પ જ્યોર્જ બુશના માર્ગે જઈ યુદ્ધના જોરે ચૂંટણી જીતી જવા માગે છે એવી અલગ-અલગ થિયરી ચાલે છે. ઈરાનની સાથોસાથ નૉર્થ કોરિયા પણ ફરી મેદાનમાં આવ્યું છે. તાજેતરમાં બે મિસાઇલ પરીક્ષણ કર્યાં પછી કિમ જોંગ ફરી ન્યુક બ્લૅકમેઇલિંગના મૂડમાં છે. અમે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે સોના માટે વરસનો આરંભ તેજીનો દેખાય છે. રૂપિયાની વાત કરીએ તો રૂપિયામાં તેજી-મંદીની રેન્જ મોટી થતી જાય છે. એક તબક્કે રૂપિયાએ ૭૨.૨૪થી ૭૦.૫૩ સુધી એકધારી તેજી બતાવી, પણ પછી રૂપિયો ફરી ૭૧.૮૦ થઈ ગયો છે અને ચાલુ સપ્તાહે ૭૨ની સપાટી વટાવી જવાની શક્યતા છે. 

વૈશ્વિક બજારોની વાત કરીએ તો અખાતી તંગદિલી વધતાં યેનમાં ઉછાળો હતો. યેન ૧૦૯.૫૦થી વધીને ૧૦૭.૮૦ થયો હતો. યુરોમાં પણ સુધારો હતો. યુરો ૧.૧૧૮૦ થયો હતો. પાઉન્ડમાં ૧.૩૩૦૦ જેવો તકલાદી ઉછાળો આવી ભાવ ફરી ૧.૩૦૫૦ થઈ ગયા હતા. ઇમર્જિંગ બજારોમાં એકંદરે અપબીટ મૂડ છે. ચીને રિઝર્વ રેશિયો કટ કરી સ્ટિમ્યુલસ આપતાં બજારમાં ૧૧૫ અબજ ડૉલર જેટલી વધારાની લિક્વિડિટી આવશે. યુઆન પણ વધ્યો છે. ચીની શૅરબજારમાં સુધારો છે. ટેક્નિકલી ડૉલર સામે રૂપિયાની રેન્જ ૭૦.૯૩-૭૧.૮૭ છે. જો ૭૧.૮૭ ઉપર બંધ આવે તો આગળ પર ૭૨.૨૦, ૭૨.૪૪ અને ૭૨.૮૦ આવશે. હાલપૂરતું ૭૧.૩૭ અને ૭૧.૧૭ સપોર્ટ છે. યુરોની રેન્જ ૧.૧૦૩૦-૧.૧૪૦૫ છે. યુરોમાં ચાર્ટ તેજીના છે. પાઉન્ડમાં હવે તેજીનાં વળતાં પાણી દેખાય છે. જોકે રૂપિયા સામે પાઉન્ડ મજબૂત દેખાય છે. ડૉલરની નરમાઈની રૂપિયા પર મંદીની અસર પડી શકે. રાજકોષિય ખાધનો વધારો પણ રૂપિયા માટે નરમાઈકારક કારણ છે. ઇમર્જિંગ બજારોમાં બ્રાઝિલ, ઇન્ડો રૂપિયો અને સાઉથ આફ્રિકન રેન્ડ મજબૂત રહ્યા છે. યુઆન પણ ૭.૧૮થી વધીને ૬.૯૬ થયો છે. અમેરિકા અને ચીન વચ્ચેની વેપાર સમજૂતીમાં સહીસિકકા ૧૫ જાન્યુઆરીએ થવાની અપેક્ષા છે. જો ઈરાનનું ગ્રહણ ન નડે તો!

business news