વૈશ્વિક અર્થતંત્રના આકાશમાં અંધારું વધુ ઘેરું બનતું જાય છે : વર્લ્ડ બૅન

11 January, 2019 08:58 AM IST  | 

વૈશ્વિક અર્થતંત્રના આકાશમાં અંધારું વધુ ઘેરું બનતું જાય છે : વર્લ્ડ બૅન

વર્લ્ડ બૅન્ક

વર્લ્ડ બૅન્કે વૈશ્વિક વિકાસદર પાછલા વર્ષના 3 ટકાની તુલનાએ સહેજ ઘટીને 2.9 ટકા રહેવાની ધારણા મૂકી છે અને એના ટોચના અધિકારીઓમાંના એકે એ સ્થિતિને એમ કહીને વર્ણવી હતી કે વૈશ્વિક અર્થતંત્રના આકાશમાં અંધારું વધુ ઘેરું બનતું જાય છે.

વિશ્વનો વિકાસ મંદ થઈ રહ્યો છે અને જોખમો વધી રહ્યાં છે. અમે માનીએ છીએ કે વિશ્વ અર્થતંત્ર પરના આકાશમાં અંધારું પથરાઈ રહ્યું છે એમ વર્લ્ડ બૅન્ક પ્રોસ્પેક્ટસ ગ્રુપ ડિરેક્ટર અયહાન કોસેએ ગ્લોબલ ઇકૉનૉમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટના અનાવરણ પ્રસંગે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે ઇન્ટરનૅશનલ વેપાર અને મૅન્યુફૅક્ચરિંગ કામકાજ ઘટ્યાં છે, વેપારમાં તંગદિલી વધી છે અને કેટલીક મોટી ઊભરતી બજારોએ નોંધપાત્ર નાણાભીડનો અનુભવ કર્યો છે.

વર્લ્ડ બૅન્કે એમ કહ્યું છે કે વિકસિત દેશોનો વિકાસદર આ વર્ષે ઘટીને બે ટકા થવાની સંભાવના છે. મંદ નિકાસમાગ, ધિરાણનો વધતો ખર્ચ અને નીતિ સંબંધિત સતત રહેતી અનિશ્ચિતતાની અસર ઊભરતાં અને વિકાસશીલ રાષ્ટ્રોનાં અર્થતંત્રોના ભાવિ પર દબાણ લાવશે. આ જૂથનાં રાષ્ટ્રોનો વિકાસદર આ વર્ષે અપેક્ષા કરતાં નબળો એટલે કે 4.2 ટકાની સ્થિર સપાટીએ રહેશે.

આ પણ વાંચો : નાના વેપારીઓને મળી મોટી રાહતઃ 40 લાખ સુધીના ટર્નઑવરને GSTમાંથી મુક્તિ

ઉપર જણાવેલા અંતરાયોને પગલે ઊભરતી બજારો અને વિકાસશીલ અર્થતંત્રોએ વિકાસની ઝડપ ગુમાવી છે. ઘટાડાનાં જોખમો તીવ્ર બન્યાં છે, જેમાં નાણાકીય બજારોની અનિશ્ચિત વધઘટ અને વેપારવિવાદોનો સમાવેશ થાય છે. ઊભરતી અને વિકાસશીલ બજારો, ખાસ કરીને નીચી આવક ધરાવતાં અર્થતંત્રોમાં ડેટનાં જોખમો વધ્યાં છે. વધતા જતા ધિરાણખર્ચને પગલે મૂડીનો પ્રવાહ મંદ પડી શકે છે અને એને કારણે ઘણી ઊભરતી બજારો અને વિકાસશીલ બજારોના કામકાજને અસર થઈ શકે છે.

world bank news