ગુરુવારની GST કાઉન્સિલની બેઠકમાં ચર્ચા: નાના વર્ગને મોટી રાહત

08 January, 2019 08:18 AM IST  | 

ગુરુવારની GST કાઉન્સિલની બેઠકમાં ચર્ચા: નાના વર્ગને મોટી રાહત

ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ

સાર્વત્રિક ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર તરફથી વિભિન્ન વર્ગને રાહત આપવાની શરૂઆત થઈ ગઈ છે. હજી થોડો વખત પહેલાં GSTના દરોમાં રાહત જાહેર કર્યા બાદ હવે સરકાર નાના વેપારીઓને GSTમાંથી મુક્તિ આપવાની સક્રિય વિચારણા કરી રહી છે.

આ ગુરુવારે અર્થાત ૧૦ જાન્યુઆરીએ મળનારી GST કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવાય એવી શક્યતા છે.

અત્યારે ૨૦ લાખ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવનારને GSTમાંથી મુક્તિ છે, જે હવે પછી પચાસ લાખ રૂપિયા સુધીના ટર્નઓવરને અપાય એવી આશા બંધાઈ છે.

મર્યાદા વિશે વિભિન્ન મત

મેમ્બર્સ ઑફ ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની એક બેઠક તાજેતરમાં મળી હતી, જેમાં આ વિશે ચર્ચા થઈ હતી. જોકે આ માટેની મર્યાદા વિશે મતભેદ છે. એમ છતાં મોટા ભાગના સભ્યો આ લિમિટ પચાસ લાખ રૂપિયા સુધી લઈ જવા માટે સંમત હોવાનું જાણવા મળે છે. આ ગ્રુપના વડા રાજય કક્ષાના નાણાપ્રધાન શિવપ્રતાપ શુક્લ છે.

બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ મોદી અને આ ગ્રુપના સભ્ય કહે છે કે મોટા ભાગના સભ્યો આ લિમિટ વધારવા માટે રાજી છે. નાણાખાતાએ આ લિમિટ વધારીને ૭૫ લાખ રૂપિયા સુધી કરવાની ભલામણ કરી હતી, જેની સામે બિહારે પચાસ લાખ રૂપિયા અને દિલ્હીએ ચાલીસ લાખ રૂપિયાની ભલામણ કરી હતી.

ફલૅટ GST

ગ્રુપ ઑફ મિનિસ્ટર્સે એ ચર્ચા પણ કરી હતી કે પચાસ લાખથી સાઠ લાખ રૂપિયા સુધીના બિઝનેસ પર વરસે ફ્લૅટ પાંચ હજાર રૂપિયા GST લેવામાં આવે અને ત્યાર બાદ ૬૦ લાખથી ૭૫ લાખ રૂપિયા સુધીના બિઝનેસ પર ૧૦,૦૦૦નો GST ચાર્જ કરાય. સ્ટેટ સ્પેસિફિક કલૅમિટીસ (દુર્ઘટના)ની સેસરૂપે માલ અને સર્વિસિસના મૂલ્ય પર એક ટકાનો જ સેસ હોવો જોઈએ એવું પણ બેઠકમાં ચર્ચાયું હતું. કેરળને અત્યારે બે વરસ માટે કલૅમિટીસ સેસ લેવાની છૂટ આપવી જોઈએ એવો મત વ્યક્ત થયો હતો.

આ પણ વાંચો : NSEL કેસમાં પવન પલટાયો: કાર્યવાહી બ્રોકરો તરફ વળી

કમ્પોઝિશન સ્કીમની મર્યાદા

GST રજિસ્ટ્રેશન માટેની મર્યાદા પચાસ લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ, એટલે કે આ રકમની નીચે ટર્નઓવર ધરાવનારને નોંધણીમાંથી મુક્તિ આપવી જોઈએ. કમ્પોઝિશન ડીલર માટેની મર્યાદા દોઢ કરોડ રૂપિયા સુધીની કરવી જોઈએ તેમ જ કમ્પોઝિશન ડીલરને કર ભરવાનું દર ક્વૉર્ટરમાં હોવું જોઈએ, જયારે રિટર્ન ફાઇલ કરવાની જોગવાઈ વાર્ષિક રાખવી જોઈએ.

goods and services tax news