કૉમ્પોઝિશન ડીલર્સ ગ્રાહકોને GST ચાર્જ કરી શકે નહીં

15 January, 2019 11:11 AM IST  | 

કૉમ્પોઝિશન ડીલર્સ ગ્રાહકોને GST ચાર્જ કરી શકે નહીં

પ્રતીકાત્મક તસવીર

ગ્રાહકોને રાહત થાય એવું એક વધુ પગલું ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના મામલે ભરાઈ રહ્યું છે. સરકારે કૉમ્પોઝિશન ડીલર્સ અને સર્વિસ પ્રોવાઇડર્સને સૂચના આપી છે, જે મુજબ તેમણે ફરજિયાત તેમના ઇન્વૉઇસમાં પોતાનું GST રજિસ્ટ્રેશન દર્શાવવું પડશે અને બાયર્સ પાસેથી તેઓ GST ચાર્જ કરતા નથી એવું સ્પક્ટ કરવું પડશે. આને પગલે કૉમ્પોઝિશન સ્કીમ હેઠળ આવતા ડીલર્સ પર રોક આવશે. તેઓ અન્યથા બાયર્સ પાસેથી GST વસૂલ કરે છે, પરંતુ સરકારને જમા કરાવતા નથી.

રેવન્યુ વિભાગ આ વિષયમાં જાગ્રતિ ઝુંબેશ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે, જેમાં ગ્રાહકોને કૉમ્પોઝિશન ડીલર્સ વિશે જાણકારી અપાશે કે તેઓ GST ચાર્જ કરી શકતા નથી. GST કૉમ્પોઝિશન સ્કીમ હેઠળ ડીલર્સ માત્ર એક ટકો GST ભરે છે. તેમને ઊંચા સ્લૅબમાંથી મુક્તિ અપાઈ છે. પરિણામે તેમને ખરીદદાર ગ્રાહકો પર GST ચાર્જ કરવાની છૂટ નથી. એમ છતાં અમુક ડીલર્સ GST ચાર્જ કરે છે અને સરકારને જમા પણ કરાવતા નથી. સરકારે આ બાબતની ગંભીર નોંધ લીધી છે.

આ પણ વાંચો : ક્રૂડ ઊછળતાં રૂપિયાની તેજીને બ્રેક : યુઆનમાં શાનદાર કમબૅક

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ ઍન્ડ કસ્ટમ્સ દ્વારા હવે એવી દરખાસ્ત વિચારાઈ રહી છે કે કૉમ્પોઝિશન ડીલર્સે તેમના ઇન્વૉઇસમાં પોતે GST રજિસ્ટર્ડ છે એવું ફરજિયાત દર્શાવવું પડશે અને તેમણે ગ્રાહકોને GST ચાર્જ કરવાની આવશ્યકતા નથી.