Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ક્રૂડ ઊછળતાં રૂપિયાની તેજીને બ્રેક : યુઆનમાં શાનદાર કમબૅક

ક્રૂડ ઊછળતાં રૂપિયાની તેજીને બ્રેક : યુઆનમાં શાનદાર કમબૅક

14 January, 2019 09:55 AM IST |
Biren Vakil | vakilbiren@gmail.com

ક્રૂડ ઊછળતાં રૂપિયાની તેજીને બ્રેક : યુઆનમાં શાનદાર કમબૅક

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કરન્સી-કૉર્નર 

ક્રૂડ ઑઇલમાં ૩૩ ડૉલરની સળંગ મંદી પછી ૧૧ ડૉલરની એકધારી પ્રત્યાઘાતી તેજી અચંબિત કરે એવી રહી છે. ક્રૂડ ઑઇલ ૭૬ ડૉલરથી તૂટીને ૪૨ ડૉલર થયા પછી ૧૧ દિવસમાં ૧૧ ડૉલર વધીને ૫૩ ડૉલર થયું છે. ક્રૂડ વધતાં રૂપિયાની તેજીને બ્રેક લાગી છે. સ્થાનિક બજારમાં MCX જાન્યુઆરી ક્રૂડ ૨૯૯૭થી ઊછળીને ૩૭૬૪ થઈ ૩૬૫૦ બંધ હતું. ક્રૂડ તેલનો માલબોજો બજારને ૪૦ ડૉલર નીચે લઈ જશે એવી ધારણા એક જ વીકમાં બૅકફાયર થઈ, કારણ કે સાઉદી અરેબિયાએ ક્રૂડ તેલના ઉત્પાદનમાં મોટો કાપ કર્યો છે અને એમાં પણ અમેરિકાને ટાર્ગેટ કરાયું છે. ફેબ્રુઆરીમાં સાઉદીથી અમેરિકા જતાં તેલ-શિપમેન્ટ ૩૦ વર્ષની નીચી સપાટીએ હશે અને ભાવ પણ ઊંચા હશે. ઓપેક અને રશિયાએ જાન્યુઆરી મીટિંગમાં ૧.૨ કરોડ બૅરલ જેવો મોટો દૈનિક ઉત્પાદનકાપ મૂક્યો એની અસર ધાર્યા કરતાં વહેલી દેખાઈ છે અને એનું એક કારણ ઈરાનમાંથી પણ ઉત્પાદનનો ઘટાડો અને આગામી મહિનામાં ઈરાન પર સૅન્ક્શન લાગવાની સંભાવના ગણી શકાય. વેનેઝુએલામાંથી સપ્લાયમાં વધુ કાપની સંભાવના છે. ટેક્નિકલી ક્રૂડની તેજી પ્રત્યાઘાતી ઉછાળો જ દેખાય છે. નજીકની રેન્જ ૩૪૦૫-૩૮૮૦ ગણાય. નાઇમેકસ રેન્જ ૪૭-૫૪ ગણાય.



કરન્સી બજારોની વાત કરી તો અમેરિકામાં શટડાઉન લંબાતાં અને ચીન-અમેરિકા વચ્ચેની વેપારીમંત્રણામાં કોઈ નીવેડો ન આવતાં અને નાણાનીતિ, કૉમોડિટી બજારોની અફરાતફરી અને ચીનમાં ઔદ્યોગિક મંદી અને હાઉસિંગ બજારોમાં પણ મંદીના સંકેતોથી બધાં જ બજારોને વર્ટિગો થઈ ગયો છે. શૅરબજારથી માંડી સોનું, રૂપિયો, યુરો ભમરડાની જેમ ગોળ- ગોળ ફરે છે. અપવાદરૂપે યુઆનમાં જબ્બર ઉછાળો આવ્યો છે અને ડૉલર નબળો પડ્યો છે એ જોતાં ટ્રેડ-ડીલ હાથવેંતમાં છે એવી ટ્રમ્પની ડંફાસો પોકળ લાગે છે.


ક્રૂડની મંદીએ રૂપિયાને ૬૯.૨૩ સુધી જવા મદદ કરી, પણ પછી ક્રૂડ ઊછળતાં રૂપિયો નરમ થઈને ૭૦.૪૮ બંધ રહ્યો છે. રૂપિયાની રેન્જ ૬૯.૪૮-૭૧.૧૫ છે. ટેક્નિકલી રૂપિયો રેન્જબાઉન્ડ છે. ૭૧.૧૫ ઉપર ત્રણ દિવસ બંધ રહે તો નવી રેન્જ ૭૦.૮૫-૭૨.૨૮ અને ૬૯.૮૨ નીચે બંધ રહે તો નવી રેન્જ ૬૮.૮૦-૭૦.૧૫ રહેશે. ઓવરઑલ રેન્જ ૬૭.૭૭-૭૩ રહેશે. આગામી છ મહિનામાં ચૂંટણી, ટ્રેડ-વૉર, શટડાઉન, યુરોપની સંસદીય ચૂંટણી, ટ્રમ્પ સામે ઇમ્પીચમેન્ટના પેંતરા જેવી અનેક ઘટનાઓ લાઇન-અપ છે. ચીનમાં ઔદ્યોગિક મંદી વકરતી જાય છે. યુરોપમાં જર્મની અને ફ્રાન્સ પણ મંદીમાં સરતાં હોનાવા સંકેત છે, પણ ભારત માટે સૌથી મોટો ઝાટકો ઔદ્યોગિક ઉત્પાદનના ઇન્ડેક્સે આપ્યો છે. ઇન્ડેક્સ ૮.૫ ટકાથી તૂટીને ૦.૫ ટકા થઈ ગયો છે. વપરાશી મંદી ઉપરથી નીચે ઘેરી વળી છે એ જમીન પર દેખાતું હતું, પણ હવે આંકડામાં પણ દેખાય છે. શૅરબજારને શેનો હરખ છે એ એક કોયડો છે, બાકી દીવા પાછળ અંધારું તો ઊડીને આંખે વળગે એવું છે.

વિશ્વબજારમાં અમેરિકી શટડાઉનને બાવીસ દિવસ થતાં અમેરિકાના ઇતિહાસનું મોટામાં મોટું શટડાઉન થયું છે. અમેરિકી પ્રમુખ બૉર્ડર-વૉલને મામલે નમતું જોખવાને બદલે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની ધમકી આપે છે. વિશ્વની શ્રેષ્ઠ લોકશાહી હોવાનો ઢંઢેરો પીટતા અમેરિકાને માત્ર એક નેતાએ હાઇજેક કરી લીધું છે. ટ્વીટ કરીને પોતાના સંરક્ષણપ્રધાનને પાણીચું પકડાવતા પ્રમુખના હાથમાં અણુબૉમ્બની સૂટકેસ છે. વિશ્વ કેટલું સલામત છે એ પણ વિચારવું જોઈએ. દરમ્યાન ડૉલર ઇન્ડેકસ નરમ પડતો જાય છે. યુરો ટકેલો છે.


આ પણ વાંચો : મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓમાં રોકાણનો આ ઉત્તમ સમય શા માટે છે?

વેપારીમંત્રણાની વાત કરીએ તો મંત્રણા બે દિવસને બદલે ત્રણ દિવસ ચાલી. અમેરિકાએ કહ્યું કે ખૂબ સારી મંત્રણા થઈ, ડીલ હાથવેંતમાં છે. ચીને કહ્યું કે અમે વિગતવાર નિવેદન વેબસાઇટમાં મૂકીશું, પણ ચીને ટૂંકાણમાં માત્ર એટલું કહ્યું કે અમે અમેરિકાથી મોટા પ્રમાણમાં ખેતપેદાશો લઈશું, એ સિવાય કશું જ નહીં. આગામી મહિને ચીની ડેલિગેશન અમેરિકા જશે. ચીનની દાનત યુદ્ધ લંબાવીને અમેરિકાને થકવવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

14 January, 2019 09:55 AM IST | | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK