માત્ર કેન્દ્રની નહીં રાજ્યોની ખાધ પણ વધશે

28 September, 2019 12:08 PM IST  |  મુંબઈ

માત્ર કેન્દ્રની નહીં રાજ્યોની ખાધ પણ વધશે

ફિચ રેટિંંગ્સ

મુંબઈ : દેશની આર્થિક ગતિ તેજ કરવા માટે કેન્દ્ર સરકારે વિવિધ પગલાંની જાહેરાત કરી છે. સૌથી મોટી જાહેરાત ગત શુક્રવારે કરવામાં આવી હતી જેમાં દેશમાં કૉર્પોરેટ ટૅક્સ ઘટાડવામાં આવ્યો હતો. આ ઘટાડા પછી કેન્દ્ર સરકારની કરની આવકમાં ૧,૪૫,૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થશે એવું ખુદ નાણાપ્રધાને જાહેરાત કરતી વેળાએ જણાવ્યું હતું. જોકે, તેમણે દેશની કરની આવક, નાણાખાધ અને સરકારી ખર્ચના અંદાજ નહીં જ ઘટાડવામાં આવે એવી સ્પષ્ટતા પણ કરી છે. 

જોકે, ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચના મતે દેશની નાણાખાધ બજેટમાં અંદાજ ૩.૩ કરતાં જીડીપીના ૩.૭ ટકા રહે તેવી શક્યતા છે. ફિચ વધુમાં જણાવે છે કે એકંદર ખાધ એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્નેની ખાધ મળી જીડીપીના ૭.૫ ટકા જેટલી રહે તેવી શક્યતા છે.
ફિચ જણાવે છે કે આ પગલાંથી દેશને મધ્યમ અને લાંબાગાળામાં ફાયદો થશે, વિકાસદર વધશે અને રોકાણ પણ વધશે, પરંતુ નજીકના ભવિષ્યમાં ખાધ વધવાની શક્યતા છે. માત્ર કેન્દ્ર સરકારની કરની આવક જ નહીં પણ રાજ્યોની આવક પણ
ઘટશે. દેશમાં કેન્દ્ર સરકાર જેટલો કર ઉઘરાવે છે તેમાંથી લગભગ ત્રીજો ભાગ રાજ્યોને વહેંચવામાં આવે છે. કેન્દ્રની આવક ઘટે તો રાજ્યોને વહેંચણી પણ ઘટી જશે, એમ ફિચ ઉમેરે છે.
જો ફિચનો આઠ ટકાનો અંદાજ સાચો પડે તો છેલ્લાં છ વર્ષમાં ભારતમાં સૌથી ઊંચી ખાધ આવી શકે છે. છેલ્લે માર્ચ ૨૦૧૨માં દેશની કુલ ખાધ ૮ ટકા હતી. આ પછી નાણાકીય ૨૦૧૯-૨૦માં ખાધ વધીને ૭.૫ ટકા થઈ શકે છે એવું ફિચ માને છે.

business news