સમજદારી સાથે લીધેલા નાણાકીય નિર્ણયો ક્યારેય પસ્તાવાનું કારણ બનતા નથી

10 February, 2020 05:25 PM IST  |  Mumbai Desk | Khyati Mashroo - vasaani

સમજદારી સાથે લીધેલા નાણાકીય નિર્ણયો ક્યારેય પસ્તાવાનું કારણ બનતા નથી

છેલ્લા કેટલાય દિવસોથી આપણે દેશમાં અનેક ઠેકાણે સીએએ એટલે કે સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટના વિરોધમાં થઈ રહેલાં તોફાનો અને પ્રદર્શનો વિશે અખબારોમાં અને ન્યુઝ ચૅનલો પર અહેવાલો જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થીઓ, બુદ્ધિજીવીઓ અને ફિલ્મી-કલાકારો પણ એમાં જોડાયા છે. તેઓ ભારતીય બંધારણના આમુખનાં ખોટાં ચિત્રોથી માંડીને ભારતના ખોટા નકશાનાં ચિત્રો સોશ્યલ મીડિયા પર શૅર કરી રહ્યા છે. આ મુદ્દો એટલો ચગી ગયો કે વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેવા બદલ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’નો બહિષ્કાર કરવાની હાકલ પણ થઈ ગઈ.
સીએએ ઉપરાંત એનઆરસી એટલે કે નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સની પણ વાત થઈ રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે સીએએ અને એનઆરસીને લીધે હાલના ભારતીય નાગરિકોની નાગરિકતા પણ છીનવાઈ જશે. ખરી રીતે સીએએ અને એનઆરસી બન્ને અલગ વસ્તુઓ છે અને દેશના સાચા નાગરિકોએ એનાથી ગભરાવાની જરાપણ જરૂર નથી. આ સાવ સાદી વાત હોવા છતાં એના વિરોધમાં જાણે વંટોળ ઊઠ્યો છે.
આપણે નાણાકીય વિષયની વાત કરતાં-કરતાં આ રાજકીય મુદ્દો ક્યાં ઉખેળ્યો એવું તમે વિચારવા લાગ્યા હશો, પરંતુ આપણે આ નિમિત્તે નાણાકીય બાબતમાં એક મહત્ત્વપૂર્ણ બોધપાઠ લેવાનો હોવાથી એના વિશે વાત થઈ રહી છે.
આપણે શરૂઆતમાં કહ્યું એમ તોફાનો તો અમુક જ જગ્યાએ થયાં છે, પરંતુ આપણને સમાચારોના માધ્યમથી જ એની જાણ થાય છે. સમાચારોમાં ઘણી વખત પૂર્વગ્રહયુક્ત મુદ્દાઓ ફેલાવવામાં આવે છે જેને પગલે લોકોને હકીકતની ખબર પડતી નથી. ‘વા વાયો ને નળિયું ખસ્યું’ ઉક્તિની જેમ જ લોકોમાં નાનીઅમથી બાબતે ઊહાપોહ મચી જાય છે. નાણાકીય બાબતોમાં પણ આવું થતું હોવાનો મારો અનુભવ હોવાથી મેં સીએએનો પ્રશ્ન છેડ્યો છે.
ઘણા રોકાણકારો સમાચારો વાંચીને વ્યથિત થઈ જાય છે અને ખોટા નાણાકીય નિર્ણયો લઈ લે છે. એ સમાચારો પૂર્વગ્રહયુક્ત હોઈ શકે છે, કોઈકે પૈસા આપીને છપાવ્યા હોઈ શકે છે અથવા તો રજનું ગજ કરનારા હોઈ શકે છે. આવી સ્થિતિમાં જો એના આધારે કોઈ નિર્ણય લેવામાં આવે તો ચોક્કસપણે એ નિર્ણય ખોટો ઠરે.
મારો અનુભવ એમ પણ કહે છે કે શૅરબજાર જ્યારે તૂટવા લાગે છે ત્યારે ઘણા સમજુ રોકાણકારો પણ ગભરાઈ જતા હોય છે. એવામાં જો બજાર વિશે ચાલતી ગપસપને સાચી માનીને નિર્ણય લેવાય તો એ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ જ રીતે અમુક શૅર લેવાની અને અમુક વેચવાની ટિપ્સ પણ લોકોને ગેરમાર્ગે દોરતી હોય છે. આથી એના પર પણ વિશ્વાસ મૂકવો જોઈએ નહીં. એક સારો રોકાણકાર ટિપ્સ, અફવાઓ, અટકળોના આધારે નિર્ણય લેતો નથી.
બજારનો સ્વભાવ જ ઉપર-નીચે થવાનો છે. રોકાણકારે એના વિશે ચિંતિત થઈ જવાને બદલે પોતાના લાંબા ગાળાના લક્ષ્ય પર નજર ટેકવીને રહેવું જોઈએ. ટૂંકા ગાળામાં આવતી ઊથલપાથલો કે કામચલાઉ સ્થિતિને નજરઅંદાજ કરવી જોઈએ.
રોકાણકારોને કહેવાનું કે લાંબા ગાળા માટે રોકાણ કર્યું હોય તો બજાર પર રોજિંદા ધોરણે નજર રાખવાનું છોડી દેવું જોઈએ. રોકાણકારે રોકાણનાં તમામ સાધનોને સમજી લીધા બાદ જ તેમની પસંદગી કરવી અને સમયાંતરે રોકાણોની સમીક્ષા કરવી. રોજેરોજ સમીક્ષા કરવાનું ઘાતક ઠરી શકે છે. રોકાણ ટૂંકા ગાળાનું છે કે લાંબા ગાળાનું એ નક્કી કરી લીધા બાદ એને અનુરૂપ વર્તન રાખવું. નાણાકીય હોય કે બીજા કોઈ હોય, પૂરતી સમજદારી સાથે લીધેલા નાણાકીય નિર્ણયો ક્યારેય પસ્તાવાનું કારણ બનતા નથી.

business news