આગામી છ મહિનામાં વધુ 3-4 બૅન્ક રિઝર્વ બૅન્કનાં પગલાંથી મુક્ત થશે

26 February, 2019 11:17 AM IST  | 

આગામી છ મહિનામાં વધુ 3-4 બૅન્ક રિઝર્વ બૅન્કનાં પગલાંથી મુક્ત થશે

રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા

આગામી છથી આઠ મહિનામાં વધુ ત્રણથી ચાર બૅન્ક રિઝર્વ બૅન્કના પ્રૉમ્પ્ટ કરેક્ટિવ ઍક્શન અંકુશ હેઠળથી બહાર આવી જવાની આશા છે. નાણાં ખાતાએ આ આશા વ્યકત કરી છે. તાજેતરમાં સરકારે ૪૮,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમની મૂડીસહાય જાહેર કરતાં કૉર્પોરેશન બૅન્ક અને અલાહાબાદ બૅન્ક અંકુશમાંથી મુક્ત થવાની શક્યતા વહેલી છે. બે બૅન્કોને તો આગામી અમુક સપ્તાહમાં જ અંકુશ હેઠળથી હટાવી દેવાશે.

લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશને હસ્તગત કર્યા બાદ IDBI બૅન્કની કામગીરી પણ સુધરી રહી હોવાથી રિઝર્વ બૅન્ક એને પણ સપ્ટેમ્બર સુધીમાં અંકુશમાંથી મુક્ત કરે એવી ધારણા પણ છે.

આ પણ વાંચો : કાંદાની મંદી રોકવા નાફેડ 25,000 ટનની ખરીદી કરશે

ત્રણ બૅન્કોના મર્જરનો અમલ પહેલી એપ્રિલથી : ૧૧ માર્ચ રેકૉર્ડ-ડેટ

વિજયા બૅન્ક અને દેના બૅન્કનું બૅન્ક ઑફ બરોડા સાથેનું મર્જર એપ્રિલથી અમલમાં આવી જશે. બૅન્ક ઑફ બરોડાના બોર્ડે આ મર્જર સામે દેના બૅન્ક અને વિજયા બૅન્કના શૅરધારકોને બૅન્ક ઑફ બરોડાના શૅર ફાળવવા માટે ૧૧ માર્ચને રેકૉર્ડ-ડેટ નિયત કરી છે. આ અમૅલ્ગમેશન સ્કીમ હેઠળ વિજયા બૅન્કના શૅરધારકોને તેમના ૧૦૦૦ શેર સામે બૅન્ક ઑફ બરોડાના ૪૦૨ શૅર મળશે, જ્યારે દેના બૅન્કના શૅરધારકોને ૧૦૦૦ શૅરો સામે બૅન્ક ઑફ બરોડાના ૧૧૦ શૅર મળશે. આ મર્જરના પગલે બૅન્ક ઑફ બરોડા દેશની ત્રીજી સૌથી મોટી બૅન્ક બની જશે. અત્યારે પ્રથમ ક્રમે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અને બીજા ક્રમે ICICI બૅન્ક છે.

reserve bank of india