DHFL વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ, મ્યુચ્યુઅલ ફંડને માઠી અસર થશે

06 June, 2019 01:30 PM IST  |  મુંબઈ

DHFL વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ, મ્યુચ્યુઅલ ફંડને માઠી અસર થશે

DHFL

નૉન બૅન્કિંગ ફાઇનાન્સ કંપની દિવાન હાઉસિંગ (ડીએચએફએલ) પોતના દેવાં ઉપર રૂ. ૯૬૦ કરોડનું વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ ગઈ છે. આ કંપનીએ આગામી સાત દિવસમાં વ્યાજ ચૂકવી આપીશું એવી જાહેરાત પણ કરી છે, પરંતુ વિલંબિત ચુકવણીના કારણે તેની અસર મ્યુચ્યુઅલ ફંડ ઉપર પડશે એવી બજારની આશંકા છે.

૩૦ એપ્રિલના આંકડાઓ અનુસાર મ્યુચ્યુઅલ ફંડની વિવિધ ૧૬૫ સ્કીમનું  રૂ. ૫૩૩૬ કરોડનું રોકાણ ડીએચએફએલમાં છે જેમાં બધી જ એસેટ મેનેજમેન્ટ કંપનીઓનો સમાવેશ થાય છે. લગભગ ૧૦૬ સ્કીમ એવી છે કે જેનું ડીએચએફએલમાં રોકાણ પોતાની કુલ અસ્ક્યામતના પાંચ ટકા કરતાં વધારે છે. સૌથી વધારે રોકાણ જૂથના જ મ્યુચ્યુઅલ ફંડ ડીએચએફએલ પ્રીમેરિકાની મિડિયમ ટર્મ સ્કીમ અને ફ્લોટિંગ રેટ સ્કીમનું છે. મિડિયમ ટર્મ સ્કીમનું રોકાણ ૩૭.૪૨ ટકા અને ફ્લોટિંગ રેટ ફંડનું રોકાણ ૩૧.૯૪ ટકા છે. આ ઉપરાંત પ્રીમેરિકાની ર્શોટ ટર્મ મેચ્યુરિટી ફંડનું ૩૦.૪૭ ટકા, ટાટા કોર્પોરેટનું ૨૮.૨૧ ટકા અને જેએમ ઇક્વિટી હાઈબ્રીડનું ૨૪.૬૧ ટકા રોકાણ છે.

ક્રિસિલ દ્વારા તા.૧૧ મેના રોજ ડીએચએફએલના રૂ. ૮૫૦ કરોડનાં દેવાંનું ક્રેડિટ રેટિંગ ઘટાડવામાં આવ્યું હતું. આ પછી કેર રેટિંગ દ્વારા રૂ. ૧.૧૦ લાખ કરોડનું દેવું પણ પસ્તી (જંક રેટિંગ) જાહેર કરવામાં આવ્યું હતું.

જો ડીએચએફએલ ચુકવણું કરવામાં વિલંબ કરે તો નિયમ અનુસાર મ્યુચ્યુઅલ ફંડે પોતાનું રોકાણ ૧૦૦ ટકા કે ૭૫ ટકા માંડી વાળવું પડશે. ઑક્ટોબર ૨૦૧૮માં ડીએચએફએલનું એક રૂ. ૩૫૦ કરોડનું ડેટ પેપર બજારમાં વેચવામાં નિષ્ફળતા મળતાં કંપનીની નાણાકીય સ્થિતિ ખરાબ હોવાની વાતો બજારમાં વહેતી થઇ હતી. આ પછી ડીએચએફએલ ઉપર કે ન્યૂઝ પોર્ટલ દ્વારા પોતાની જ કંપનીઓને લોન આપી હોવાની અને મની લોન્ડરિંગ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કંપનીએ મે મહિનામાં નવી ડિપોઝિટ રોકાણકારો પાસેથી નહીં લેવાનો અને મુદ્દત પહેલાં ડિપોઝિટ પરત નહીં કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : નાણાકીય વર્ષ 2019’20માં ભારતનો વિકાસ દર 7.5 ટકા રહેશે

ડીએચએફએલ પોતાના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસને વેચવાનો પ્રયત્ન કરી રહી છે જેથી દેવું ઘટાડી શકે પરંતુ હજી કોઈ સફળતા મળી નથી. આ દરમ્યાન ડીએચએફએલની નબળી નાણાકીય સ્થિતિની અન્ય નાણકીય સંસ્થા અને મ્યુચ્યુઅલ ફંડ ઉપર માઠી અસર થઇ રહી છે.

business news