નોટબંધી: નવી નોટોના છાપકામનો ખર્ચ વધીને થયો 800 કરોડ!

19 December, 2018 06:18 PM IST  |  New Delhi

નોટબંધી: નવી નોટોના છાપકામનો ખર્ચ વધીને થયો 800 કરોડ!

નોટબંધી પછી સરકારે નવી 2000 અને 500 રૂપિયાની નોટ તાત્કાલિકમાં છાપવી પડી હતી. (ફાઇલ)

મંગળવારે સંસદને આપવામાં આવેલી જાણકારીમાં સરકારે જણાવ્યું કે 2016-17 દરમિયાન સરકારને નવી નોટોના છાપકામનો કુલ ખર્ચ 709.65 કરોડ રૂપિયા થયો. જોકે, આગામી વર્ષે તેમાં ઘટાડો થયો અને 2017-18માં આ રકમ 409.12 કરોડ રૂપિયા થઈ.

ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર, 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરીને 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો બેન કરી દીધી હતી. ત્યારબાદ સરકારે નવી 2000 અને 500 રૂપિયાની નોટ તાત્કાલિકમાં છાપવી પડી હતી.

રાજ્યસભાને આપવામાં આવેલી લેખિત જાણકારીમાં નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે (નોટબંધી પહેલા) 2015-16માં નોટો છાપવા માટે 340.21 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હતા. નાણામંત્રીએ જણાવ્યું કે '2016-17 દરમિયાન સરકારને નોટોના છાપકામ માટે ક્રમશઃ 790.65 અને 490.12 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા.'

સરકારને પૂછવામાં આવ્યું કે નોટબંધીના કારણે 500 અને 1000 રૂપિયાની નોટોને પાછી લેવા અને તેમને નષ્ટ કરવા તેમજ નવી નોટોના છાપકામ દરમિયાન તિજોરી પર કેટલો બોજ પડ્યો.

જેટલીએ કહ્યું, "આરબીઆઇએ પોતાના ખાતામાં અલગથી નોટબંધી પછી થયેલા નોટોના છાપકામના ખર્ચને દર્શાવ્યો નથી. એસબીઆઇને બાદ કરતા કોઈપણ સરકારી બેંકે નોટબંધી દરમિયાન જાનમાલના નુકસાનની કોઈ ખબર આપી નથી. ફક્ત એસબીઆઇએ જણાવ્યું કે નોટબંધી દરમિયાન તેના ત્રણ કર્મચારી અને એક ગ્રાહકનું મોત થયું."

જેટલીએ કહ્યું કે મૃતકોના પરિવારજનોને આશરે 44 લાખ રૂપિયાથી વધુની રકમ આપવામાં આવી છે, જેમાં ગ્રાહકના પરિવારને આપવામાં આવેલી ત્રણ લાખ રૂપિયાની રકમ સામેલ છે.

અર્થવ્યવસ્થા અને રોજગારની સ્થિતિ પર નોટબંધીના પ્રભાવ વિશે કોઈ સ્ટડી વિશે પૂછવા પર જેટલીએ કહ્યું કે સરકારે અત્યાર સુધી એવો કોઈ સ્ટડી કરાવ્યો નથી.

arun jaitley finance ministry demonetisation