ફેડરલ રિઝર્વે 2008 પછી પ્રથમ વાર વ્યાજના દર ઘટાડ્યા

05 August, 2019 11:00 AM IST  |  મુંબઈ | અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

ફેડરલ રિઝર્વે 2008 પછી પ્રથમ વાર વ્યાજના દર ઘટાડ્યા

આરબીઆઈ

અર્થતંત્રની મુશ્કેલીઓ દિવસે દિવસે વધતી જાય છે. ઔદ્યોગિક ઉત્પાદનના ઈન્ડેક્ષમાં જેનો ૪૦ ટકા હિસ્સો છે એવા કૉર સેક્ટરનો જૂન મહિનાના વધારાનો ૦.૨ ટકાનો દર (જૂન ૨૦૧૮માં આ દર ૭.૮ ટકાનો અને મે ૨૦૧૯માં આ દર ૪.૩ ટકાનો હતો) ૪૪ મહિનાનો નીચો દર છે. આ કૉર સેક્ટરમાં ઔદ્યોગિક ઉત્પાદન માટે ચાવીરૂપ એવા આઠ ઉદ્યોગો - કૉલ, રિફાઈનરી પ્રોડક્ટસ, ક્રૂડ ઑઈલ, સિમેન્ટ, સ્ટીલ, કુદરતી ગૅસ, ઈલેક્ટ્રિસીટી અને ફર્ટિલાઈઝરનો સમાવેશ થાય છે. આ કૉર સેક્ટરના એપ્રિલ-જૂન ૨૦૧૯ના ક્વૉર્ટરનો વધારાનો ૩.૫ ટકાનો દર પણ ગયા વરસના તુલનાત્મક ૫.૫ ટકાના દર કરતાં નીચો છે.

આ આંકડાઓ સરકારના વેપાર અને ઉદ્યોગ ખાતાના છે. આ નબળા દેખાવનું પ્રતિબિંબ ગણતરીના દિવસોમાં જાહેર કરાનાર જૂન મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાઓમાં પણ પડવાનું.

આ તો માત્ર એક ક્ષેત્રની વાત થઈ. દર મહિને કરાતા એક આધારભૂત સર્વેના ૧૬ આર્થિક પેરામીટર્સના જૂન મહિનાનાં તારણો નોંધવા જેવા છે. ૧૬માંના ૮ પેરામીટર્સના રીડિંગ પાંચ વરસની સરેરાશ કરતાં નીચા છે (પાંચ વરસની સરેરાશ સાથે સરખાવીએ એટલે એ આંકડાઓની વિશ્વસનિયતા વધી જાય). છ પેરામીટર્સના રીડિંગ પાંચ વરસની સરેરાશ કરતાં ઊંચા છે અને બેના રીડિંગ પાંચ વરસની સરેરાશ પ્રમાણેના છે. આ આંકડાઓને ગંભીરતાથી લેવા પડે, કારણ કે દર એક બે મહિને વધુ ને વધુ પેરામીટર્સના રીડિંગ બગડતા જાય છે એટલે કે પાંચ વરસની સરેરાશથી નીચા ઊતરતા જાય છે.

કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (સીએડી) એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં ઘટીને જીડીપીના ૦.૭ ટકા (જાન્યુ.-માર્ચ ક્વૉર્ટરમાં ૨.૬ ટકા) થવા છતાં ૧૬ પેરામીટર્સના ઓવરઓલ રીડિંગમાં કોઈ સુધારો નોંધાયો નથી. સીએડીના ઘટાડાનું મુખ્ય કારણ વેપારખાધનો ઘટાડો અને વિદેશી પોર્ટફોલિયો રોકાણનો વધારો છે.

વેપારખાધના ઘટાડાનું મુખ્ય કારણ નિકાસોના ઘટાડા કરતાં આયાતોનો મોટો ઘટાડો જે અર્થતંત્રમાં માગનો અભાવ દર્શાવે છે. ક્રૂડ ઑઈલના આંતરરાષ્ટ્રીય બજારના ભાવોએ આપણા આયાતબિલના ઘટાડામાં થોડી મદદ કરી એ સાચું, પણ તે સાથે ટ્રાન્સપોર્ટ ઈક્વિપમેન્ટ અને મશીનરી તથા ખાતરની આયાતોમાં પણ ઘટાડો થયો જે અર્થતંત્રમાંની નબળી માગ અને ધીમા મૂડીરોકાણ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

કન્ઝ્યુમર ઈકોનૉમીના મુખ્ય ચાર ઈન્ડિકેટસ- - પેસેન્જર વેહિકલ્સ, ટ્રેક્ટર્સ અને ટૂ-વ્હિલરનાં વેચાણ અને દેશમાં કરાતી વિમાનયાત્રા (ડોમેસ્ટિક અૅર પેસેન્જર્સ)ના આંકડાઓમાં પાંચ મહિનાથી સળંગ ઘટાડો થઈ રહ્યો છે.

રેલવે દ્વારા કરાતી માલસામાનની હેરફેર (ફ્રેઈટ ટ્રાફિક)ના જૂન મહિનાના આંકડા પાંચ વરસની સરેરાશ કરતાં નીચા છે. પરચેઝિંગ મૅનેજર્સ ઈન્ડેક્ષ (પીએમઆઈ)ના આંકડા પાંચ વરસની સરેરાશ સાથે સુસંગત છે. બૅન્કો દ્વારા અપાતી નૉન-ક્રૂડ ક્રેડિટ (ધિરાણ) ના આંકડા હાલના અર્થતંત્રના નિરાશાપ્રેરક ચિત્ર વચ્ચે કાંઈક આશા જન્માવે તેવા ગણાય, પણ અર્થતંત્રમાં માગનો અભાવ અને એનબીએફસી ક્ષેત્રનો તણાવ બૅન્ક ક્રેડિટના અત્યારે સારા દેખાતા આંકડાઓને ગમે ત્યારે બગાડી શકે. ઑટો સેક્ટરના હાલહવાલના સંદર્ભમાં બૅન્કો નૉન ક્રૂડ ક્રેડિટ ક્ષેત્રે સાવધાની વર્તે એવા અણસાર પણ મળી રહ્યા છે.

ક્રૂડના વધી રહેલ ભાવોને કારણે જુલાઈ-સપ્ટેમ્બરના ક્વૉર્ટરમાં આયાતોના વધારા સાથે વેપારખાધ વધે પણ ખરી. વૈશ્વિક અર્થતંત્રના સ્લો-ડાઉનને કારણે નિકાસોનો મોટો વધારો શક્ય ન પણ બને. એ સંજોગોમાં પણ વેપારખાધ ઓર વધતી જાય.

ફેડરલ રિઝર્વે પણ ગયે અઠવાડિયે બજારોની ધારણા પ્રમાણે વ્યાજના દરમાં અપેક્ષિત એવો ૨૫ બેઝીસ પૉઈન્ટનો ઘટાડો કર્યો છે જે ૨૦૦૮ની વિશ્વની નાણાકીય અને આર્થિક કટોકટી પછીનો દસકાનો પહેલો ઘટાડો છે. ફેડરલ રિઝર્વે જરૂર પ્રમાણે ભવિષ્યમાં આ દર ફરી ઘટી શકે એવો નિર્દેશ આપ્યો છે. જો કે આ ઘટાડો વ્યાજના દરના ઘટાડાની સાઇકલની શરૂઆત ન ગણાય એવા તેમના નિવેદનને કારણે અમેરિકાના સ્ટૉક માર્કેટમાં વધારો થવાને બદલે એકથી બે ટકાનો ઘટાડો થયો છે.

ભારતને લાગેવળગે છે ત્યાં સુધી ૨૦૧૯-૨૦ના અંદાજપત્રની રજૂઆત પછી વિદેશી પોર્ટફૉલિયો રોકાણકારોએ જુલાઈ મહિને ૧૨,૪૦૦ કરોડ રૂપિયા (લગભગ બે બિલ્યન ડૉલર)નું મૂડીરોકાણ પાછું ખેંચ્યું છે. પરિણામ આપણી નજર સામે છે. અંદાજપત્રની રજૂઆત પછી જુલાઈનાં છેલ્લાં ત્રણ અઠવાડિયાંમાં સેન્સેક્સમાં લગભગ ૨૫૦૦ પૉઈન્ટનો (છ ટકાથી પણ વધુ) ઘટાડો થયો છે, જે છેલ્લા ૧૭ વરસનો સેન્સેક્સનો જુલાઈનો સૌથી ખરાબ દેખાવ છે.

આપણે ગમે તેટલી મોટી વાતો કરતાં હોઈએ તો પણ હકીકત એ છે કે આપણા સ્ટૉક માર્કેટને વિદેશી રોકાણકારો જ ચલાવે છે. જ્યારે પણ એમના મૂડીરોકાણનો બજારમાંથી કે કોઈ ચોક્કસ કંપનીના સ્ટૉકમાંથી આઉટફ્લો ચાલુ થાય ત્યારે બજારની કે તે ચોક્કસ કંપનીના સ્ટૉકની શું હાલત થાય છે એનો ફરી એકવાર સ્ટૉક માર્કેટના છૂટક રોકાણકારોને અનુભવ થયો છે. વિદેશી મૂડીરોકાણ પગ કરી જાય ત્યારે આપણી ફાઈનાન્શીઅલ ઈન્સ્ટિટ્યુશન્સ ખરીદી કરીને આપણા બજારોને ચલાવી શકતી નથી.

જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિનામાં ૧૧ બિલ્યન ડૉલર (લગભગ ૭૯,૦૦૦ કરોડ રૂપિયા)ના નેટ મૂડીરોકાણ પછી જુલાઈ મહિને એક મહિનામાં વિદેશી મૂડીરોકાણકારો બે બિલ્યન ડૉલર પાછા ખેંચી ગયા છે. તે પહેલાં ફેબ્રુઆરીથી જૂન સુધી સતત પાંચ મહિના તેમનું મૂડીરોકાણ આપણી બજારોમાં ચાલુ રહ્યું.

દરમ્યાન દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઈનાન્સ કંપની એચડીએફસી, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા અને પંજાબ નૅશનલ બૅન્કે તેના ધિરાણના દરોમાં નજીવો ઘટાડો કર્યો છે. એસબીઆઈએ ડિપોઝિટ પરના વ્યાજના દર પણ ઘટાડયા છે. ઉપરાંત ફેડરલ રિઝર્વે પણ વ્યાજના દર ઘટાડયા છે એટલે રિઝર્વ બૅન્ક ચાલુ અઠવાડિયે જાહેર કરાનાર મૉનેટરી પૉલિસીમાં વ્યાજના દર ઘટાડે એવી શક્યતા વધી છે. સ્ટૉક માર્કેટની અનિશ્ચિતતા અને રોકાણના વધેલા જોખમને કારણે રોકાણકારો ફરી એક વાર બૅન્કો, ખાસ કરીને જાહેર ક્ષેત્રની બૅન્કોની ફિક્સ ડિપૉઝિટના રોકાણભણી વળ્યા છે.

આપણું અર્થતંત્ર ૨૦૨૪ સુધીમાં પાંચ ટ્રિલ્યન ડૉલરનું થાય એ માટે ૩૦૦ બિલ્યન ડૉલર આસપાસની આપણી નિકાસો વધીને એક ટ્રિલ્યન ડૉલર (૧૦૦૦ બિલ્યન ડૉલર)ની થવી જોઈએ. આ લક્ષ્યાંક સહેલાઈથી આંબી શકાય એમ નથી. આસિઆન દેશો સાથેના વેપાર કરારમાં આ દેશોમાંથી કરાતી ડયુટી-ફ્રી આયાતો અને આયાતો પરની નીચી ડયુટીને કારણે આપણે ૨૦૧૮-૧૯માં ૨૬,૦૦૦ કરોડ રૂપિયાની આવક ગુમાવી છે. આવી સસ્તી આયાતોને કારણે મૅક ઇન ઇન્ડિયાના સ્લોગનની સફળતા પણ જોખમાય.

આજે જરૂર છે ચીજવસ્તુઓની કિંમતોના અને ટ્રાન્સપોર્ટ કૉસ્ટ સહિતની લોજિસ્ટિક્સ કૉસ્ટના ઘટાડા દ્વારા નિકાસોની હરીફશક્તિ વધારીને સ્લોડાઉન ભણી ધકેલાતા વિશ્વના વેપારબજારમાં આપણી નિકાસો ટકાવી રાખવાની. કૉમર્સ ડિપાર્ટમેન્ટે ૧૫૦ જેટલી ચીજવસ્તુઓને જુદી તારવી છે જે અમેરિકા દ્વારા ચીન ખાતે થતી નિકાસોનું સ્થાન લઈ શકે.

આમ નિકાસોના વધારા દ્વારા અનેક ફાયદા થઈ શકે : આપણું મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર એક્ટિવ બને, વેપારખાધ અને સીએડી ઘટે અને રૂપિયાની બાહ્ય કિંમતની વોલેટાલીટી ઘટે. એમ થાય તો વિશ્વના વિકસતા દેશોમાં ઘટી રહેલ વ્યાજના દરના વલણને કારણે આપણું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ અને એફઆઈઆઈ) વધે જે સ્ટૉક માર્કેટને પણ ટકાવી રાખે. આજે વિશ્વની નિકાસોમાં આપણો હિસ્સો બે ટકાથી પણ ઓછો છે તે વધીને પાંચ ટકાનો થાય તે નફામાં.

છેલ્લે મળતા સમાચાર પ્રમાણે અગ્રગણ્ય પાંચ કંપનીઓ (જેનો પેસેન્જર વેહીકલ્સના માર્કેટમાં ૮૫ ટકા હિસ્સો છે) ના પેસેન્જર વેહિકલ્સના જુલાઈ મહિનાનાં વેચાણમાં ૩૧ ટકા જેટલો મોટો ઘટાડો થયો છે. આ રીતે પેસેન્જર વેહિકલ્સનાં વેચાણમાં સતત નવમા મહિને ઘટાડો ચાલુ રહ્યો છે. ફેડ દ્વારા કરાયેલ વ્યાજના દરના ઘટાડાને વ્યાજદરના ઘટાડાની સાઇકલની શરૂઆત ગણવાની ભૂલ ન કરવી એવી ફેડના ચૅરમૅનની સ્પષ્ટતાએ ભારતના સ્ટૉક માર્કેટને ખળભળાવી દીધા છે.

સરકારના ઈરાદાઓ ગમે તેટલા સારા હોય પણ મૂડીરોકાણકારના સ્વપ્ન સાકાર કરવા અને સફળ કંપનીની સ્થાપના કરવી એ ભારતમાં મોટો પડકાર છે. પૉલિસી મેકર્સના નેક ઈરાદા અને વાસ્તવિકતામાં જે રીતે પોલિસીઓનો અમલ થાય છે એ બે વચ્ચે મોટો ગેપ છે. સીએજીના જીએસટીના અમલના ઓડિટ પરના ગયે અઠવાડિયે પેશ કરાયેલ સર્વ પ્રથમ રિપોર્ટ પ્રમાણે જીએસટીનો અમલ ધારણા કે પ્લાન પ્રમાણે થઈ રહ્યો નથી તે તારણ ચોંકાવનારું છે. તેના અમલમાં નજરે ચડેલ ત્રુટિઓ અનેક સમસ્યાઓ ઊભી કરે છે. ઈન્સોલ્વન્સી અને બૅન્કરપ્ટસી કૉડનો ઉદ્દેશ મુશ્કેલી અનુભવી રહેલ ઉદ્યોગધંધાને ઍક્ઝિટ ‚રૂટ પૂરો પાડવાનો હતો અને તે દ્વારા છૂટી થયેલ મૂડી સુપેરે વિક્સી શકે એવા ઉદ્યોગધંધાને પૂરી પાડવાનો હતો. આ બાબતે બધા હિસ્સેદારોનો વાસ્તવિક અનુભવ નિરાશાજનક છે.

સ્ટાર્ટ-અપ હોય કે ધંધાના જામેલ યુનિટ કે કંપની હોય, ધંધા માટેની જરૂરી કાનૂની વિધિઓ પૂરી કરવામાં તેમને અમર્યાદિત સમય અને શક્તિ ખરચવા પડે છે એ એક હકીકત છે. ૉ

આ પણ વાંચો : બજેટ બાદના એક મહિનામાં શૅરબજાર ક્યાંથી ક્યાં પહોંચી ગયું?

સરકાર આ અંગે સમયસર પગલાં લે અને પેપર ઉપર જે કાયદાઓ કે નિયમો છે તેનો વાસ્તવિક રીતે અમલ થાય તેવું ધંધાને અનુકૂળ વાતાવરણ ઊભું કરે તો જ વૈશ્વક સ્લો-ડાઉનનો સામનો કરી ભારતના ઉદ્યોગધંધાઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં કામિયાબ નિવડશે.

reserve bank of india business news