સરકારી બૅન્કોના મર્જરને કારણે કોઈનો રોજગાર નહીં છીનવાય : નાણાપ્રધાન

05 January, 2019 09:43 AM IST  | 

સરકારી બૅન્કોના મર્જરને કારણે કોઈનો રોજગાર નહીં છીનવાય : નાણાપ્રધાન

નાણાં પ્રધાન અરૂણ જેટલી

જાહેર ક્ષેત્રની બૅન્કોના મર્જરને કારણે કોઈનો રોજગાર નહીં જાય એવી ધરપત નાણાપ્રધાન અરુણ જેટલીએ આપી છે. નોંધનીય છે કે હાલમાં કેન્દ્રીય પ્રધાનમંડળે વિજયા બૅન્ક અને દેના બૅન્કને બૅન્ક ઑફ બરોડા સાથે ભેળવી દેવા માટે મંજૂરી આપી છે. જેટલીએ કહ્યું હતું કે આ મર્જરને પગલે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા જેવી મોટી બૅન્ક તૈયાર થશે. વળી ધિરાણનો દર પણ ઘટશે.

લોકસભામાં પ્રશ્નકાળ દરમ્યાન તેમણે કહ્યું હતું કે કુલ ૨૧ સરકારી બૅન્કોમાંથી ૧૧ને પ્રૉમ્પ્ટ કરેક્ટિવ ઍક્શન હેઠળ લાવવામાં આવી છે. જે બૅન્કોની નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ વધારે હોય તેમને આ ઍક્શન હેઠળ લાવવામાં આવે છે.

એક પૂરક સવાલના જવાબમાં નાણાપ્રધાને કહ્યું હતું કે હવે નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સનું પ્રમાણ પણ ઘટવા લાગશે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા તથા અન્ય સરકારી બૅન્કો કામકાજી નફો કરી રહી છે. તેમની ખોટ નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સને કારણે છે.

આ પણ વાંચોઃનાણામંત્રાલયે GSTની ઇનપુટ ક્રેડિટનો લાભ માર્ચ 2019 સુધી ક્લેમ કરવાની પરવાનગી આપી

સરકારી બૅન્કોને વધુ મૂડી આપવાની બાબતે પ્રધાને જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં ૩૧ ડિસેમ્બર સુધીમાં ૫૧,૫૩૩ કરોડ રૂપિયાની મૂડી આપવામાં આવી છે. આ સમગ્ર વર્ષ માટે ૬૫,૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

arun jaitley finance ministry