જુલાઈ–સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ઘરેણાંની માગ 16 ટકા ઘટી

06 November, 2019 12:06 PM IST  |  Mumbai

જુલાઈ–સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ઘરેણાંની માગ 16 ટકા ઘટી

ઘરેણાં

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા ગઈ કાલે વૈશ્વિક સ્તરે સોનાની માગ અને પુરવઠાના જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગળાનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર વૈશ્વિક સોનાની માગ ત્રણ ટકા વધી હતી, પણ વૃદ્ધિ માટે ઘરેણાં, સોનાનાં બિસ્કિટ, સિક્કાની માગ નહીં, પણ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) અને વિશ્વની મધ્યસ્થ બૅન્કોએ ચળકતી ધાતુની કરેલી ખરીદી જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર વિશ્વમાં ઈટીએફ ફંડ્સની ખરીદી જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ૨૫૮ ટન વધી ૨૮૫૫ ટન પહોંચી હતી. આ ઉપરાંત સેન્ટ્રલ બૅન્ક દ્વારા પણ ૧૫૬ ટન સોનું ખરીદવામાં આવ્યું હતું અને કૅલેન્ડર વર્ષ ૨૦૧૯ના પ્રથમ નવ મહિનામાં બૅન્કોએ ૫૪૭.૫ ટન સોનું ખરીદ્યું છે. આ સિવાય સોનાની માગમાં ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વભરમાં ઘરેણાંની માગ ૧૬ ટકા જેટલી ઘટી હતી, જ્યારે સોનાનાં બિસ્કિટ, સિક્કાની માગમાં ૫૦ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. ઊંચા ભાવના કારણે રોકાણકારોએ વધારે સોનું ખરીદવાના બદલે હાથ ઉપરની ધાતુ વેચી નફો બાંધ્યો હોય એવું લાગી રહ્યું છે.

વિશ્વમાં સોનાના વપરાશમાં ચીન અને ભારત સૌથી મોટી બજાર છે. ચીનમાં ઘરેણાંની માગ ૧૨ ટકા ઘટી ૧૫૬.૨ ટન અને ભારતમાં ૩૨ ટકા જેટલી ઘટી ૧૦૧.૬ ટન રહી હોવાનું કાઉન્સિલે જણાવ્યું હતું. ભારતમાં સોનાનો ઊંચો ભાવ રહેતા બિસ્કિટ અને સિક્કાની માગ ૩૫ ટકા જેટલી ઘટી ૨૨.૩ ટન રહી હતી. યુરોપમાં માગ છેલ્લાં ૧૧ વર્ષના સૌથી નીચા સ્તર ૧૦૫.૫ ટન (ઑક્ટોબર ૨૦૧૮થી સપ્ટેમ્બર ૨૦૧૯) રહી હતી.

વધેલા ભાવથી લોકોએ જૂનું સોનું વેચવા કાઢ્યું

ભારત અને વિશ્વના અન્ય દેશોમાં સોનાનો ભાવ ઊંચો રહેતાં જૂન મહિનાથી જ જૂનું સોનું વેચી નફો બાંધવાની વૃત્તિ જોવા મળી હતી. વૈશ્વિક બાજરમાં આ રીતે રિસાઇકલ કરવામાં આવેલાં સોનાનું પ્રમાણ સપ્ટેમ્બર ૨૦૧૮ના અંતે ૩૨૦.૬ ટન સામે ૧૦ ટકા વધી ૩૫૩.૭ ટન રહ્યું હતું. ભારતમાં રિસાઇકલ સોનાનો પુરવઠો ગયા વર્ષે ૨૩ ટન હતો જે આ વર્ષે વધીને ૩૬.૫ ટન રહ્યો છે. કૅલેન્ડર વર્ષ ૨૦૧૮ના પ્રથમ નવ મહિનામાં ભારતીયોએ કુલ ૬૭.૧ ટન સોનું વેચ્યું હતું જે આ વર્ષે નવ મહિનામાં વધીને ૯૦.૫ ટન રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સતત ચાર મહિનાથી ભારતમાં સોનાની આયાત ઘટી રહી છે. ઑક્ટોબરમાં ભારતમાં આયાત માત્ર ૩૮ ટન રહી છે જે ગયા વર્ષની સરખામણીએ ૩૩ ટકાનો ઘટાડો દર્શાવે છે. ઑક્ટોબર ૨૦૧૮માં ભારતની આયાત ૫૭ ટન હતી. ભારત વિશ્વમાં સોનાના વપરાશકર દેશોમાં ચીન પછી બીજા ક્રમે આવે છે અને ભારતની આયાત ઘટે તો એની વિશ્વ બજાર ઉપર પણ અસર જોવા મળે છે

business news