ઉત્પાદન ઘટશે એવી આશાએ ક્રૂડ ઑઇલના ભાવમાં વૃદ્ધિ જોવા મળી

06 December, 2019 11:29 AM IST  |  Mumbai

ઉત્પાદન ઘટશે એવી આશાએ ક્રૂડ ઑઇલના ભાવમાં વૃદ્ધિ જોવા મળી

ક્રૂડ ઑઇલ

ક્રૂડ ઑઇલના ભાવમાં ગઈ કાલે વૃદ્ધિ જોવા મળી રહી હતી. એક તરફ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉર અટકે અને પ્રથમ તબક્કાની સંધિ થઈ રહી હોવાના અહેવાલ છે અને બીજી તરફ ગઈ કાલથી શરૂ થયેલી ઓપેક રાષ્ટ્રોની બેઠકમાં વર્તમાન ઉત્પાદનકાપ કરતાં વધારે કાપ મૂકવામાં આવે એવી વાતો ચાલી રહી છે.

આજે બ્રેન્ટ ક્રૂડ વાયદો એક ટકો વધી ૬૩.૬૩ ડૉલર અને ન્યુ યૉર્ક ખાતે વેસ્ટર્ન ટૅક્સસ ૦.૫૮ ટકા વધી ૫૮.૭૭ ડૉલર પ્રતિ બેરલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક ભાવના કારણે ભારતમાં પણ ભાવ વધવા જોઈએ, પણ રૂપિયો ડૉલર સામે મજબૂત થતાં સ્થાનિક ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અહી, ક્રૂડ તેલ ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ બેરલદીઠ ૪૧૬૭ ખૂલી ઉપરમાં ૪૧૮૪ અને નીચામાં ૪૧૪૯ રૂપિયા બોલાઈ પ્રથમ સત્રના અંતે ૧૨ ઘટીને ૪૧૭૨ રૂપિયા બંધ રહ્યો હતો, જ્યારે નૅચરલ ગૅસ ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨.૭ વધીને બંધમાં ૧૭૪ રૂપિયા રહ્યો હતો.

ઓપેક રાષ્ટ્રના આઠ સભ્યો આજે વધુ ચાર લાખ બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઑઇલનું ઉત્પાદન ઘટાડવા અને અગાઉના ૧૨૦ લાખ બેરલ પ્રતિ દિવસની ૨૦૧૭ની સહમતી જૂન ૨૦૨૦ સુધી લંબાવે એવી શક્યતા છે. વિયેના ખાતે રાષ્ટ્રોની બેઠક છે. શુકવારે ઓપેક અને સાથી રાષ્ટ્ર રશિયા પણ આ મામલે ચર્ચા કરે એવી શક્યતા છે. વૈશ્વિક મંદીના કારણે ક્રૂડ ઑઇલની માગ ઘટી ગઈ છે અને ટ્રેડ-વૉરના કારણે માગ કરતાં પુરવઠો ૨૦૨૦માં વધે એવી શક્યતા છે. વળી, અમેરિકાની સતત વધી રહેલી નિકાસના કારણે ઓપેકનો વિશ્વબજારમાં હિસ્સો પણ ઘટ્યો છે.

ભારત પોતાની જરૂરિયાતનું ૮૦ ટકા જેટલું ક્રૂડ ઑઇલ આયાત કરે છે. ક્રુડ ઑઇલના ભાવ વધે તો ભારતના ધીમા પડી રહેલા અર્થતંત્ર માટે વધુ એક ચિંતા ઊભી થશે. ક્રૂડ ઑઇલના ભાવના કારણે ભારતમાં ફુગાવો વધી શકે છે. ઊંચા ભાવના કારણે વ્યાપાર ખાધ વધી શકે છે અને એના કારણે રૂપિયો પણ ડૉલર સામે નબળો પડી શકે છે.

business news