વ્યાપાર સંધિ થશે એવી આશાએ ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રત્યાઘાતી ઉછાળો

05 December, 2019 11:01 AM IST  |  Mumbai

વ્યાપાર સંધિ થશે એવી આશાએ ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રત્યાઘાતી ઉછાળો

ક્રૂડ ઓઈલ

ક્રૂડ ઓઈલના ભાવ વધી શકે એવા એક સાથે ત્રણ કારણોનો બજારમાં ટેકો મળી રહ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના મંગળવારના ચીન સાથે વ્યાપાર સંધિ અટકી પડે એવા નિવેદન સામે ગઈ કાલે એવા અહેવાલ આવ્યા છે કે વોશિંગ્ટન અને બીજિંગ બન્ને દેશ પ્રથમ તબક્કાની સંધિની એકદમ નજીક છે. આવી જ રીતે અમેરિકામાં ક્રૂડ ઓઈલનો સ્ટોકમાં ધારણા કરતા બમણો ઘટાડો જોવા મળ્યો હતો અને ગુરુવારની બેઠકમાં ઓપેક અને અન્ય રાષ્ટ્રો વધુ ઉત્પાદન કાપ ઉપર સહમતિ તરફ આગળ વધી રહ્યા છે.

આ ત્રણ સમાચારના પગલે આજે ક્રૂડ ઓઈલના ભાવ બધો જ ઘટાડો પચાવી વધી ગયા છે. ન્યૂયોર્ક ખાતે વેસ્ટર્ન ટેક્સાસ ક્રૂડ વાયદો ૧.૮૦ટકા ઉછળી ૫૭.૧૧ ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ વાયદો ૨.૦૨ ટકા વધી ૬૨.૦૫ ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યા છે.

ગુરુવારે ઓપેક રાષ્ટ્રોની બેઠક થવાની છે જેમાં ઓપેકના દેશો ઉત્પાદન કાપ વધારવા અને તેની મુદ્દત વધારવા અંગે ચર્ચા કરશે. ગુરુવારની બેઠક બાદ શુક્રવારે ઓપેકના સબ્ય નહી પણ વિશ્વમાં ક્રુડના બીજા નંબરના નિકાસકાર રશિયા સાથે બેઠક થશે. ઈરાંકે એવી જાહેરાત કરી હતી કે દેશો વચ્ચે ચાર લાખ બેરલ પ્રતિદિનનો વધારાનો કાપ મુકવા માટે સહમતી બની રહી છે. અત્યારે ઓપેક અને સાથી રાષ્ટ્રો ૧૨૦ લાખ બેરલ પ્રતિદિન ઉત્પાદન માર્ચ સુધી ઘટાડવા માટે સહમતી ધરાવે છે.

દરમિયાન, અમેરિકામાં ક્રૂડ ઓઈલનો સ્ટોક ૧૭૦ લાખ બેરલ ઘટશે એવી ધારણા સામે ૩૭૦ લાખ બેરલ ઘટીને આવ્યો હતો. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ઘટે એટલે ઉત્પાદન ઘટ્યું અથવાનો નવી ખરીદી નીકળી શકે એવી આશા રાખી શકાય. બીજી તરફ, ચીન અને અમેરિકાના ટ્રેડ વોરના કારણે ૨૦૨૦માં પણ ક્રૂડની માગ કરતા પુરવઠો વધી શકે એવી ધારણા ગઈ કાલે બજારમાં હતી. આજના સમાચાર અનુસાર બન્ને દેશ વચ્ચે મંત્રણા છેલ્લા તબક્કામાં છે અને સંધિ થઇ શકે એવી ધારણા વધી ગઈ છે એટલે પણ માંગ વૃદ્ધિની ધારણા રાખવામાં આવી રહી છે.

ભારતમાં આજે, ક્રૂડ તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૦૪૮ ખૂલી, ઉપરમાં રૂ.૪૦૯૦ અને નીચામાં રૂ.૪૦૪૧ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૬ વધીને રૂ.૪૦૭૫ બંધ રહ્યો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭.૨ ઘટીને બંધમાં રૂ.૧૭૨.૫ રહ્યો હતો.

business news