ક્રૂડ ઑઈલ : વિક્રમી કડાકા પછી વિક્રમી તેજી, ચાર દિવસમાં ૭૦ ટકા વધ્યું

25 April, 2020 03:03 PM IST  |  Mumbai Desk

ક્રૂડ ઑઈલ : વિક્રમી કડાકા પછી વિક્રમી તેજી, ચાર દિવસમાં ૭૦ ટકા વધ્યું

પ્રતીકાત્મક તસવીર

મંગળવારે ક્રૂડ ઑઈલના ભાવમાં અમેરિકન વેરાઇટીના ભાવમાં જે ઐતિહાસિક ઘટના બની અને એ પછી જાણે દુનિયામાં ક્રૂડનો યુગ સમાપ્ત થઈ જશે એવી ચર્ચા હતી એની સામે એટલી જ ઝડપથી ક્રૂડ ઑઈલના ભાવ વધી રહ્યા છે. અમેરિકન ક્રૂડ ઑઈલના ભાવ છેલ્લા ચાર દિવસમાં ૭૦ ટકા જેટલા વધી ગયા છે જે એક પ્રકારનો વિક્રમ છે. એવી જ રીતે લંડનમાં બ્રેન્ટ ક્રૂડ પણ ૧૯ ટકા જેટલું વધી ગયું છે. ભાવમાં આટલા જંગી ઉછાળા પછી પણ ક્રૂડ ઑઈલ સાપ્તાહિક રીતે ઘટી રહ્યો છે. છેલ્લા નવ સપ્તાહમાંથી આઠમી વખત ભાવ ઘટીને બંધ આવશે. બજારમાં ક્રૂડ ઑઈલ વધી રહ્યું હોવા છતાં મંગળવારના કડાકાના કારણે આ સપ્તાહમાં બ્રેન્ટ વાયદો ૨૭ ટકા જેટલો અને વેસ્ટર્ન ટેક્સાસ વાયદો ૧૪ ટકા જેટલો ઘટીને બંધ આવે તેવી શક્યતા છે. બજારમાં હજુ પણ માગ કરતાં પુરવઠો વધારે છે. છેલ્લા ૪૮ કલાકમાં એવી કોઈ સ્થિતિ બદલાઈ નથી કે ક્રૂડના સ્ટોરેજની સમસ્યાનો પણ હલ મળી ગયો હોય. આમ છતાં બજારમાં એવી આશા છે કે અમેરિકામાં ક્રૂડ ઑઈલ ઉત્પાદકો મે મહિના સુધી  રાહ જોયા વગર તાકીદે ઉત્પાદન ઘટાડી રહ્યા છે, ઉત્પાદન કાપ મૂકવા મજબૂર થયા છે. આથી પુરવઠો ઓછો થશે એવી આશાએ ભાવ વધી રહ્યા છે. આ લખાય છે ત્યારે વેસ્ટર્ન ટેક્સાસ એટલે કે અમેરિકન ક્રૂડ ઑઈલનો જૂન વાયદો ૪.૧૨ ટકા કે ૬૮ સેન્ટ વધી ૧૭.૧૭ અને લંડન ખાતે બ્રેન્ટ ક્રૂડ ૧.૩૧ ટકા કે ૨૮ સેન્ટ વધી ૨૧.૬૧ ડૉલર પ્રતિ બેરલની સપાટી ઉપર છે. 

 

ક્રૂડનું ભવિષ્ય શું?
અમેરિકમાં હાઈડ્રોલિક ફ્રેક દ્વારા ક્રૂડનું જે કૂવામાં ઉત્પાદન થઈ રહ્યું છે તે ઘટવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારે ૩૦૦ જેટલાં કૂવાઓમાં આ રીતે કામ ચાલુ છે જે જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચેના કુલ કૂવાઓમાં ઉત્પાદન સામે ૬૦ ટકા ઓછું છે. આના કારણે બજારમાં પુરવઠો ઓછો આવશે અને એટલે ભાવ વધી રહ્યા છે. કોરોના વાઇરસના કારણે દૈનિક ૩ કરોડ બેરલની માગ ઘટી છે. મે મહિનાથી સાઉદી અરેબિયા, રશિયા, અમેરિકા અને ઓપેક રાષ્ટ્રોએ દૈનિક ૯૭ લાખ બેરલનું ઉત્પાદન ઘટાડવાની જાહેરાત કરી છે. એટલે જૂન મહિનાનો વાયદો પૂરો થશે અને ડિલિવરીનો સમય આવશે ત્યારે ફરી એક વખત સ્ટોરેજની તંગી જોવા મળશે અને તેના કારણે ભાવ ઘટી શકે છે એવી કેટલાક એનલિસ્ટ ચેતવણી આપી રહ્યા છે, પણ સામે એવા લોકો પણ છે કે જે માને છે કે ક્રૂડ ઑઈલના ભાવ ફરી ૧૦૦ ડૉલર થઈ જશે. આ આગાહી અનુસાર ભાવ ક્યારે આટલા ઊંચા જશે તેનો સમયગાળો નક્કી નથી પણ એમનું માનવું છે કે અમેરિકામાં શેલ ગૅસનું ઉત્પાદન લગભગ બંધ થઈ ગયું છે. આમાંનાં કેટલાંક ઉત્પાદન કેન્દ્રો હવે ક્યારેય ચાલુ થશે નહીં અને જ્યાં ચાલુ થવાની શક્યતા છે એને ફરી કામ શરૂ કરતાં વર્ષો લાગી જશે. શેલ ક્રૂડનું ઉત્પાદન ક્રૂડ ઑઈલના ઉત્પાદન કરતાં ઘણું મોંઘું છે. જો ક્રૂડ ઑઈલનો ભાવ ૪૦ ડૉલર પ્રતિ બેરલથી નીચે રહે તો શેલ ક્રૂડ વેચવું ઉત્પાદક માટે નુકસાનકારક છે. એટલે વર્તમાન ભાવે શેલ ક્રૂડનું ઉત્પાદન સંપૂર્ણ બંધ કરી દેવું પડી શકે છે. અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એજન્સી અનુસાર વર્ષ ૨૦૧૯માં અમેરિકાના કુલ ક્રૂડ ઉત્પાદનમાં ૬૩ ટકા એટલે કે ૭૭ લાખ બેરલ પ્રતિ દિન ક્રૂડ ઑઈલ શેલ ક્રૂડ ઑઈલ હતું.

business news