ક્રિસિલે જીડીપી ગ્રોથ ઘટાડીને 5.1 ટકા જાહેર કર્યો

03 December, 2019 11:10 AM IST  |  New Delhi

ક્રિસિલે જીડીપી ગ્રોથ ઘટાડીને 5.1 ટકા જાહેર કર્યો

ક્રિસિલ

ભારતીય અર્થતંત્ર ઉપર આર્થિક મંદીનો ઓછાયો દિવસ ને દિવસે ઘેરાઈ રહ્યો છે અને સ્થિતિ દિવસે-દિવસે વિકટ થઈ રહી હોય એવા સંકેત મળી રહ્યા છે. હવે રેટિંગ એજન્સી ક્રિસિલે પણ નાણાં વર્ષ ૨૦૨૦ માટેના ભારતના આર્થિક વિકાસદરમાં ઝડપી ઘટાડો કર્યો છે. રેટિંગ એજન્સીએ ચાલુ નાણા વર્ષ માટે ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ ઝડપથી ઘટાડીને ૫.૧ ટકા જાહેર કર્યો છે, જ્યારે ક્રિસિલે અગાઉ ૬.૨ ટકાના વિકાસદરની આગાહી કરી હતી.

આગામી પાંચમી ડિસેમ્બરે રિઝર્વ બૅન્કની ધિરાણનીતિની જાહેરાત પૂર્વે આ અહેવાલ મળ્યા છે. આગામી ગુરુવારે રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટી વ્યાજદરની સમીક્ષા કરવા માટે બેઠક કરશે. ક્રિસિલ દ્વારા ભારતના વિકાસદરમાં કરાયેલો ઘટાડો એ જૅપનીઝ બ્રોકરેજ નોમુરા દ્વારા આગાહી કરાયેલા ૪.૭ ટકા પછીનો સૌથી નીચો દર છે. નોંધનીય છે કે તાજેતરમાં સરકાર દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર ક્વૉર્ટરનો જીડીપી ગ્રોથ ૪.૫ ટકા જાહેર કરવામાં આવ્યો છે જે છેલ્લાં છ વર્ષનો સૌથી નીચો વિકાસદર છે. આ સાથે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના પ્રથમ છ મહિનામાં ભારતનો વિકાસદર ૪.૭૫ ટકા નોંધાયો છે.

ક્રિસિલે કહ્યું કે બીજા છમાસિક ગાળામાં ભારતનો વિકાસદર ૫.૫ ટકા રહેશે જે પ્રથમ છમાસિક ગાળામાં ૪.૭૫ ટકા નોંધાયો છે.

business news