માર્ચ સુધીમાં ઍર ઇન્ડિયા-BPCLના વેચાણની પ્રક્રિયા પૂર્ણ થશે : સીતારમણ

18 November, 2019 12:48 PM IST  |  New Delhi

માર્ચ સુધીમાં ઍર ઇન્ડિયા-BPCLના વેચાણની પ્રક્રિયા પૂર્ણ થશે : સીતારમણ

નિર્મલા સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે સરકાર ઇચ્છે છે કે માર્ચ સુધી ઍર ઇન્ડિયા અને ઑઇલ રિફાઇનરી ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ની વેચાણપ્રક્રિયા પૂરી કરવામાં આવે. નિર્મલા સીતારમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આગામી વર્ષની શરૂઆતમાં આ બન્ને કામ પૂરાં થઈ જવાની આશા છે. આ બન્ને કંપનીઓના વેચાણથી સરકારને આ નાણાકીય વર્ષમાં એક લાખ કરોડ રૂપિયાનો લાભ થશે.

સીતારમણે જણાવ્યું હતું કે ઍર ઇન્ડિયાની વેચાણપ્રક્રિયા શરૂ થતાં પહેલાં જ રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ગયા વર્ષે રોકાણકારોમાં ઍર ઇન્ડિયાને ખરીદવામાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો નહોતો એથી કંપનીની વેચાણની પ્રક્રિયા આગામી વર્ષે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલના નાણાકીય વર્ષમાં ટૅક્સ-કલેક્શનમાં થયેલા ઘટાડાને જોતાં સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ અને વ્યૂહાત્મક હિસ્સાના વેચાણ મારફત આવક પ્રાપ્ત કરવા માગે છે.

નાણાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આર્થિક સુસ્તીનો સામનો કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યાં છે અને અનેક ક્ષેત્રોને હવે સુસ્તીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યાં છે. અનેક ઉદ્યોગોના માલિકોને જણાવવામાં આવ્યું છે કે તેઓ તેમના પાકા સરવૈયામાં સુધારા કરે અને એમાંથી કેટલાક નવા રોકાણની તૈયારી કરી રહ્યા છે.

નિર્મલા સીતારમણે ટૅક્સ-કલેક્શન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે અમને આશા છે કે કેટલાંક ક્ષેત્રોમાં જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ) ક્લેક્શન વધશે. આ ઉપરાંત સુધારાનાં પગલાંથી પણ ટૅક્સ-ક્લેક્શનમાં વધારો થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે એસ્સાર સ્ટીલ પર જે નિર્ણય લીધો એનાથી સારો સુધારો જોવા મળ્યો છે અને આગામી ત્રિમાસિકમાં આની અસર બૅન્કોનાં પાકાં સરવૈયાં પર જોવા મળશે. તહેવારો દરમ્યાન બૅન્કોએ ૧.૮ લાખ કરોડ રૂપિયાની લોન આપી છે.

business news air india