સોનાના ભાવ આઠ સપ્તાહની ઊંચી સપાટીએ : ભારતમાં 40,000 રૂપિયાને પાર

28 December, 2019 02:36 PM IST  |  Mumbai

સોનાના ભાવ આઠ સપ્તાહની ઊંચી સપાટીએ : ભારતમાં 40,000 રૂપિયાને પાર

ગોલ્ડ

સોનાના ભાવમાં તેજીમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉર વિશે અનિશ્ચિતતા અને આગામી વર્ષે માગ વધી શકે છે એવી ધારણાએ સોનું સાત સપ્તાહની ઊંચી સપાટીએ છે. સતત ત્રણ દિવસથી સોનાના ભાવ વધી રહ્યા છે અને વૈશ્વિક બજારમાં આજે ચોથા દિવસે પણ ભાવ મક્કમ છે. શૅરબજાર વિક્રમી સપાટીએ છે અને હવે રોકાણકારો એમાં નફો બુક કરશે એવી ધારણા અને અમેરિકા તથા ચીન વચ્ચે જેના પર હસ્તાક્ષર નથી થયા એવી પ્રથમ તબક્કાની વ્યાપાર-સંધિ પર શંકાને કારણે સતત સોનાના ભાવ ઊંચી સપાટીએ છે.

ભારતીય બજારમાં સોનાના ભાવમાં નબળા રૂપિયા અને વૈશ્વિક બજારના ઊંચા ભાવને કારણે ભાવ ૪૦,૦૦૦ રૂપિયાની સપાટી પાર કરી ગયા હતા. બીજી તરફ ચાંદીમાં ઊંચા મથાળે વેચવાલીને કારણે થોડો ભાવઘટાડો જોવા મળ્યો હતો.

વૈશ્વિક બજારમાં સોનું ગુરુવારે ૧૦ ડૉલર વધી ૧૫૧૦.૬ ડૉલર પ્રતિ ઔંસ બંધ આવ્યું હતું. સતત ત્રણ દિવસથી સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. આજે ભાવ એ સપાટીએ ટકી રહ્યા છે. ન્યુ યૉર્ક ખાતે સોનું ફેબ્રુઆરી વાયદો ૦.૧૨ ટકા કે ૧.૭૫ ડૉલર વધી ૧૫૧૬.૧૫ ડૉલર અને ચાંદી જોકે ૦.૨૯ ટકા ઘટી ૧૭.૯૩૮ ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે.

મુંબઈમાં સોનું ૧૬૦ વધી ૪૦,૦૫૦ રૂપિયા અને અમદાવાદમાં ૪૦,૧૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૮૯૩૦ ખૂલી, ઉપરમાં ૩૮૯૮૦ અને નીચામાં ૩૮૭૮૭ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૪૩ વધીને ૩૮૯૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૮ વધીને ૮ ગ્રામદીઠ ૩૧૦૮૦ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૪૧ વધીને ૧ ગ્રામદીઠ ૩૮૭૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૫ વધીને બંધમાં ૩૮૭૯૨ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈમાં હાજર ચાંદી ૨૫૦ ઘટીને ૪૭,૬૪૦ અને અમદાવાદમાં ૨૨૦ ૪૭,૬૯૦ રૂપિયા પ્રતિ એક કિલો રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૬૮૬૧ ખૂલી, ઉપરમાં ૪૬૯૨૯ અને નીચામાં ૪૬૪૮૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૯૦ ઘટીને ૪૬૭૩૩ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૯૨ ઘટીને ૪૬૭૪૫ અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૮૨ ઘટીને ૪૬૭૫૧ રૂપિયા બંધ રહ્યા હતા.

રૂપિયો ત્રણ સપ્તાહનીનીચી સપાટીએ

ડૉલર સામે રૂપિયામાં ઘસારો ચાલુ રહ્યો છે. ક્રૂડ ઑઇલના ભાવ સતત વધી રહ્યા હોવાથી અને ભારતનો આર્થિક વિકાસ નબળો હોવાથી રૂપિયો ઘટી રહ્યો છે. આજે ડૉલર સામે રૂપિયો મક્કમ ૭૧.૨૬ની સપાટીએ ખૂલી વધીને ૭૧.૧૯ થયો હતો અને પછી એ ઘટીને ૭૧.૩૫ની સપાટીએ બંધ આવ્યો છે જે ડૉલર સામે એની ત્રણ સપ્તાહની નીચી સપાટી છે. આજે ડૉલર સામે રૂપિયો ચાર પૈસા ઘટીને બંધ આવ્યો છે.

business news