સોનાના ભાવમાં નીચા મથાળે થોડી ખરીદી, સ્ટિમ્યુલસની બજારને રાહ

11 September, 2019 03:35 PM IST  |  મુંબઈ | બુલિયન વૉચ

સોનાના ભાવમાં નીચા મથાળે થોડી ખરીદી, સ્ટિમ્યુલસની બજારને રાહ

ગોલ્ડ

વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ૧૫૦૦ ડૉલરની સપાટી આસપાસ ટકી રહેવા સતત પ્રયત્નમાં છે. એક તરફ ડૉલર મજબૂત થઈ રહ્યો છે, શૅરબજારમાં વિક્રમી સ્તર તરફ ખરીદી પુનઃ શરૂ થઈ છે એટલે સોનાના ભાવમાં ઉછાળા માટે તેજીનું નવું કારણ જોઈએ છે. ન્યુ યૉર્ક ખાતે કૉમેક્સ ડિસેમ્બર વાયદો અત્યારે ૧૫૦૪.૭૫ ડૉલર પ્રતિ ઔંસ છે જે ૬ ડૉલર નીચે છે અને ચાંદીનો વાયદો ૧૮.૧૩૭ની સપાટીએ છે. વ્યાજના દર ઘટે અથવા ભૌગોલિક જોખમમાં કોઈ નવું પરિમાણ આવે તો ભાવમાં તેજી જોવા મળી શકે છે.

હાજર બજારમાં સોમવારે સોનાનો ભાવ ૧૦ ડૉલર ઘટી ગયો હતો અને સોનું ૧૪૯૬.૪૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યું હતું. મંગળવારે ભાવ એક તબક્કે ઘટીને ૧૪૮૮.૧૫ ડૉલરની સપાટીએ, છેલ્લા એક મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. અત્યારે હાજરમાં સોનું ૧૪૯૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.

તેજી માટે વ્યાજદર ઘટવાનો આશાવાદ

બજારમાં અત્યારે વ્યાજના દર ઘટે અને એને કારણે સોનામાં રોકાણ આકર્ષક બને એના પર નજર છે. ગુરુવારે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની બેઠકમાં વ્યાજનો દર ઘટે એવી આશા છે અને આગામી સપ્તાહે ફેડરલ રિઝર્વની બેઠકમાં પણ વ્યાજદર ઘટે એવી આશા રાખવામાં આવી રહી છે. ચીને પોતાની બૅન્કોમાં રિઝર્વ રેશિયો સોમવારે જ ઘટાડી દીધો છે અને વિદેશી રોકાણ વધારે ઝડપથી આવે એ માટે મંગળવારે શૅર અને બૉન્ડમાં મર્યાદા હટાવી લેવામાં આવી છે. વ્યાજદર ઘટે તો સોના જેવી વ્યાજ સાથે નહીં જોડાયેલી અસ્કયામતો વધારે આકર્ષક બને છે અને એને કારણે ભાવમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. જોકે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વૉરની મડાગાંઠ ઉકેલવા માટે મંત્રણાની જાહેરાત પછી સોનાનો ભાવ ૬૦ ડૉલર કે ચાર ટકા જેટલો ઘટી ગયો છે.

ભારતમાં ગોલ્ડ ઈટીએફ રોકાણ ૬ વર્ષની ઊંચી સપાટીએ

સોનાના વધી રહેલા ભાવમાં વિશ્વની બજારમાં એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઈટીએફ)ની વિક્રમી ખરીદી જવાબદાર છે ત્યારે ભારતમાં પણ રોકાણકારો આવા ફન્ડ્સમાં રોકાણ માટે દોડી રહ્યા છે. ઑગસ્ટ મહિનાના અંતે ભારતમાં ગોલ્ડ ઈટીએફ ફન્ડ્સમાં નવા ૧૪૫ કરોડ રૂપિયાની રકમ રોકાઈ છે જે ડિસેમ્બર ૨૦૧૨ પછી એક જ મહિનામાં આવેલી સૌથી મોટી રકમ છે. નવેમ્બર ૨૦૧૯ પછી પ્રથમ વખત ઈટીએફ ફન્ડ્સ દ્વારા સોનાની ખરીદી વેચાણ કરતાં વધારે આવી છે. ભારતમાં અત્યારે કુલ ૧૨ ગોલ્ડ ઈટીએફ ફન્ડ્સ છે જેમની પાસે કુલ અસ્કયામત ૫૭૯૯ કરોડ રૂપિયા પહોંચી છે. જુલાઈમાં ભારત સરકારે બજેટ થકી સોના પર આયાત-ડ્યુટી વધારી એ પછી સ્થાનિક ભાવ ૨૩ ટકા જેટલા વધીને ઇતિહાસની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા છે, જ્યારે વૈશ્વિક બજારમાં ભાવ ૬ વર્ષની ઊંચી સપાટીએ હતા.

ઑગસ્ટમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડમાં રોકાણ ૬ અબજ ડૉલર વધ્યું હતું અને એમાં વૉલ્યુમ ૧૨૨ ટન વધીને ૨૭૩૩ ટન છે એવું ગયા સપ્તાહે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જાહેર કર્યું હતું. કાઉન્સિલના અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં સૌથી વધુ વૉલ્યુમ ૨૦૧૨ના અંત ભાગમાં ૨૭૯૧ ટન જોવા મળ્યું હતું અને અત્યારની સપાટીથી એ વિક્રમી સપાટી માત્ર બે ટકા કે ૫૯ ટન જ દૂર છે. એ સમયે સોનાનો ભાવ ૧૬૬૫ ડૉલર પ્રતિ ઔંસ હતો જે વર્તમાન સપાટી કરતાં નવ ટકા જેટલો વધારે હતો. ઑગસ્ટ મહિનામાં ઉત્તર અમેરિકાના ઈટીએફ ફન્ડમાં ૭૮ ટન કે ૮ અબજ ડૉલર, યુરોપનાં ફન્ડ્સમાં ૩૩ ટન કે ૧.૭ અબજ ડૉલર, એશિયામાં ૯ ટન કે ૪૬.૮ કરોડ ડૉલર અને અન્ય પ્રદેશમાં બે ટન કે ૮ કરોડ ડૉલરનું વધારાનું રોકાણ જોવા મળ્યું છે.

આ પણ વાંચો : જ્વેલરી ઉદ્યોગમાં મંદીનો માર, 55 લાખ કર્મચારીઓ પર સંકટ

કૅલેન્ડર વર્ષ ૨૦૧૯માં ઑગસ્ટ સુધીમાં ગોલ્ડ ઈટીએફમાં રોકાણ ૧૦.૪ ટકા વધ્યું છે અને કુલ વધારાનું રોકાણ ૨૯૨ ટન કે ૧૪ અબજ ડૉલર જેટલું વધ્યું છે.

business news