ભારતીય શૅરબજારમાં આવેલી તેજી ચૂંટણીલક્ષી ને વિદેશી રોકાણપ્રવાહને આભારી

01 April, 2019 11:38 AM IST  |  | બ્રોકર-કૉર્નર - દેવેન ચોકસી

ભારતીય શૅરબજારમાં આવેલી તેજી ચૂંટણીલક્ષી ને વિદેશી રોકાણપ્રવાહને આભારી

દલાલ સ્ટ્રીટ

ગયા સપ્તાહે ભારતીય શૅરબજાર સર્વોચ્ચ સપાટીથી જરાક જ દૂર રહ્યું. સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે ૩૮,૬૭૩ અને ૧૧,૬૨૪ બંધ રહ્યા. ગુરુવારે જ ઇન્ડેક્સ છ મહિનાની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ અનુક્રમે ૩,૫૯૪.૫ કરોડ અને ૨,૦૮૦.૨ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે રાષ્ટ્રજોગ સંદેશ આપવાના છે એવું ટ્વિટ કરીને દેશભરમાં ઉત્સુકતા જગાવી હતી. પછી તેમણે કહેલા સમય કરતાં થોડો વિલંબ કરીને મિશન શક્તિ પૂર્ણ થયાની જાહેરાત કરી હતી. આ મિશન હેઠળ ભારતે ઍન્ટિ-સૅટેલાઇટ મિસાઇલ તંત્રજ્ઞાનનો ઉપયોગ કરીને પોતાને અવકાશી મહાસત્તાની પંગતમાં આવી ગયાની જાહેરાત કરી છે. આમ, દેશ હવે અવકાશમાં પણ પોતાનું રક્ષણ કરવા સમર્થ બન્યો છે.

વૈશ્વિક વહેણ

ગયા અઠવાડિયે વૈશ્વિક ઇન્ડેક્સોની કામગીરી નબળી રહી હતી. ગુરુવારે નાસ્ડેક ૨.૨ ટકા ઘટીને ૭૬૬૯ બંધ રહ્યો હતો. અમેરિકામાં એશિયન સ્ટૉક્સને પગલે ઘટાડો થયો હતો. અમેરિકામાં હજી પણ મંદીનું જોખમ હોવાને કારણે રોકાણકારોનું માનસ નબળું છે અને બજારમાં ચંચળતા છે. જોકે, અમેરિકા અને ચીને ફરી વાર વેપારસંબંધી વાટાઘાટો શરૂ કરતાં સપ્તાહાંતે માનસ સુધર્યું હતું.

ક્ષેત્રવાર અંદાજ

બૅન્કિંગ : દેશની એક અગ્રણી ખાનગી બૅન્કમાં સંચાલકની બદલી થઈ જવાને પગલે કામગીરી સુધરી છે. તેની અસર એકંદર બેન્કિંગ ક્ષેત્ર પર થઈ છે. જોકે, નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીના ક્ષેત્રને કારણે થોડી નકારાત્મકતા પ્રવર્તે છે. આ કંપનીઓની ધિરાણપ્રવૃત્તિ નબળી પડી ગઈ છે.

રિઝર્વ બૅન્કે ૧૨મી ફેબ્રુઆરીએ બહાર પાડેલો પરિપત્ર અત્યંત સારો છે. બૅન્કોના ચોપડેથી નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સની સમસ્યા દૂર થાય અને એક દિવસનો ડિફૉલ્ટ થાય તો પણ એ ઍસેટને નૉન-પર્ફોર્મિંગ જાહેર કરી દેવાની જોગવાઈ અતિશય સારી છે. કેન્દ્રીય બૅન્કે પહેલી વાર આવી પહેલ કરી છે અને એ તમામ કરજદારો માટે શંકાની ઘંટડી સમાન છે, કારણ કે અત્યાર સુધી તેઓ સિસ્ટમનો દુરુપયોગ કરતા આવ્યા હતા, પણ હવે એમ નહીં ચાલે. બૅન્કોને આ જોગવાઈથી ઘણો ફાયદો થશે. તેઓ કરજ વસૂલી શકશે. બૅન્કો માટે વર્ષ ૨૦૧૯ અત્યાર સુધી સારું રહ્યું છે, પરંતુ ઘણું સારું રહેશે કે કેમ એ વિશે હજી શંકા છે.

આ પણ વાંચો : અમેરિકામાં નેગેટિવ યીલ્ડ કર્વ વ્યાજદર ઘટાડો લાવશે?

ભાવિ દિશા: અગાઉ પણ ચૂંટણીના સમયે જોવા મળ્યું છે એમ ભારતીય શૅરબજારમાં ચૂંટણી પૂર્વેનો ઉછાળો આવ્યો છે. અહીં એ પણ જણાવવું રહ્યું કે ચૂંટણી પૂર્વે જેટલી તેજી આવે છે તેના કરતાં વધારે વૃદ્ધિ ચૂંટણી પછી થાય છે. બજાર હાલ ઊંચે જવાનું એક મોટું કારણ વિદેશી સંસ્થાકીય રોકાણનો પ્રવાહ પણ છે. છેલ્લા એક વર્ષમાં નબળા રહેલા મિડ કૅપ અને સ્મૉલ કૅપ સ્ટૉક્સમાં ગત મહિનામાં ઉછાળો આવ્યો છે. ગયા મહિનામાં બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો મિડ કૅપ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સમાં અનુક્રમે ૭ અને ૯ ટકાની વૃદ્ધિ થઈ છે. વિદેશી રોકાણપ્રવાહ હવે સતત આવતો રહેવાની ધારણા છે.

(લેખક કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર છે)

sensex bombay stock exchange national stock exchange