રિપોર્ટ: વિદેશમાં ભારતીયોએ સંગ્રહ કરેલા બ્લૅક મનીનો આંક છે 490 અબજ ડૉલર

25 June, 2019 11:06 AM IST  |  નવી દિલ્હી

રિપોર્ટ: વિદેશમાં ભારતીયોએ સંગ્રહ કરેલા બ્લૅક મનીનો આંક છે 490 અબજ ડૉલર

બ્લેક મની

ફાઇનૅન્સની સ્થાયી સમિતિએ ભારતીયો દ્વારા દેશમાં તેમ જ દેશની બહાર બિનહિસાબી નાણાં એકઠાં કરવાની પ્રક્રિયાને રોકવા માટે સીધા વેરાને સરળ અને વ્યવહારુ બનાવવાની માગણી સંસદ સમક્ષ મૂકી છે. એનઆઇપીએફપી, એનસીએઈઆર અને એનઆઇએફએમ જેવી ત્રણ ટોચની સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ  વિદેશમાં ભારતીયો દ્વારા ઠલવાયેલાં બિનહિસાબી નાણાં કે બ્લૅક મની ૧૯૮૦થી ૨૦૧૦ દરમ્યાન અંદાજે ૨૧૬.૪૮ અબજ અમેરિકી ડૉલરથી લઈને ૪૯૦ અબજ અમેરિકી ડૉલર હતા. 

ગઈ કાલે સંસદમાં ફાઇનૅન્સ પરની સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયેલા ‘સ્ટેટસ ઑફ અનઅકાઉન્ટેડ ઇન્કમ/વેલ્થ બોથ ઇનસાઇડ ઍન્ડ આઉટસાઇડ ધ કન્ટ્રી : અ ક્રિટિકલ ઍનૅલિસિસ’ નામના અહેવાલમાં જણાવાયું હતું કે આ ત્રણ સંસ્થાઓએ કરેલા અભ્યાસમાં જણવાયું હતું કે સૌથી વધુ બિનહિસાબી નાણાં રિયલ એસ્ટેટ, માઇનિંગ, ફાર્માસ્યુટિકલ્સ, પાનમસાલા, ગુટકા, ટબૅકો, બુલિયન, કૉમોડિટી, ફિલ્મ અને શિક્ષણ ક્ષેત્રે થાય છે.

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાઇનૅન્શિયલ મૅનેજમેન્ટ (એનઆઇએફએમ)ના રિપોર્ટ મુજબ ૧૯૯૦થી ૨૦૦૮ દરમ્યાનના સમયગાળામાં દેશની બહાર જતાં ગેરકાયદે નાણાંનું પ્રમાણ ૯,૪૧,૮૩૭ કરોડ રૂપિયા (અંદાજે ૨૧૬.૪૮ અબજ અમેરિકી ડૉલર) હતું જે અંદાજિત બિનહિસાબી આવકના લગભગ ૧૦ ટકા જેટલું હતું.

આ પણ વાંચો : ઈરાન-અમેરિકાની તંગદિલી, નબળા ડૉલરથી સોનામાં તેજીની આગેકૂચ

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક પૉલિસી ઍન્ડ ફાઇનૅન્સ (એનઆઇપીએફપી)એ જણાવ્યા મુજબ ૧૯૯૭થી ૨૦૦૯ દરમ્યાન દેશની બહાર જઈ રહેલાં બિનહિસારબી નાણાંનું પ્રમાણ જીડીપીના ૦.૨ ટકાથી માંડીને ૭.૪ ટકા જેટલું હતું.

business news