બૅન્કિંગ અને ફાઇનૅન્સક્ષેત્રના ટેકે ઇન્ડેક્સ હેવીવેઇટમાં આગઝરતી તેજી

10 October, 2020 01:50 PM IST  |  Mumbai | Mumbai correspondent

બૅન્કિંગ અને ફાઇનૅન્સક્ષેત્રના ટેકે ઇન્ડેક્સ હેવીવેઇટમાં આગઝરતી તેજી

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક બજારમાં તેજી, સ્થાનિક રીતે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બજારમાં લિક્વિડિટી જળવાઈ રહે એવા પગલાંની જાહેરાત કરતાં અને બૉન્ડના યીલ્ડ ઘટે એ માટે પૉલિસીમાં ફેરફાર કરવાની સાથે ગઈ કાલે બૅન્કિંગ અને ફાઇનૅન્સ કંપનીઓની ખરીદી સાથે શૅરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. નવેમ્બર ૨૦૧૯ પછી પ્રથમ વખત બજારમાં સતત સાત દિવસ સુધી તેજીનો દોર જળવાઈ રહ્યો છે. ભારતનો આર્થિક વિકાસ દર નેગેટિવ ૯.૫ ટકા રહેશે એવા રિઝર્વ બૅન્કના પ્રથમ અનુમાન પછી બજાર ઉપર તેની અસર થઈ નહોતી, કારણ કે અગાઉ કેટલીયે એજન્સીઓએ આવા અંદાજ જાહેર કરેલા છે.
ગઈ કાલે સેન્સેક્સ ૩૨૬.૮૨ પૉઇન્ટ કે ૦.૮૧ ટકા વધી ૪૦૫૦૯.૪૯ અને નિફ્ટી ૭૯.૬૦ પૉઇન્ટ કે ૦.૬૭ ટકા વધી ૧૧૯૧૪.૨૦ની સપાટીએ બંધ આવ્યા હતા. ઇન્ડેકસ હેવીવેઇટમાં એચડીએફસી બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ઇન્ફોસિસ અને એક્સીસ બૅન્ક વધ્યા હતા. સામે હિન્દુસ્તાન યુનીલીવર, એશિયન પેઇન્ટ અને રિલાયન્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફરી એક વખત ગઈ કાલની તેજી માત્ર ઇન્ડેકસ હેવીવેઈટ કે લાર્જ કૅપ પૂરતી સીમિત હતી, કારણ કે બજારમાં વધેલા કરતાં ઘટેલા શૅરોની સંખ્યા વધારે હતી અને સ્મૉલ કૅપ અને મિડ કૅપમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સપ્ટેમ્બરમાં વેચવાલ રહ્યા બાદ વિદેશી સંસ્થાઓ ફરી ભારતીય બજારમાં ખરીદી કરી રહી છે. છેલ્લા ત્રણ સત્રમાં ૫૦૬૧ કરોડની ખરીદી બાદ ગઈ કાલે વિદેશી સંસ્થાઓએ ૩૯ કરોડ રૂપિયાના શૅર વેચ્યા હતા. એની સામે સ્થાનિક સંસ્થાઓએ ૨૫૧૫ કરોડની ખરીદી બાદ ગઈ કાલે ૧૨૭ કરોડ રૂપિયાના શૅરનું વેચાણ કર્યું હતું.
ગઈ કાલે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના બધા ૧૧ ક્ષેત્રોમાંથી બૅન્કિંગ, ફાઇનૅન્સ અને આઇટીની આગેવાની હેઠળ પાંચ ક્ષેત્રોમાં સુધારો જોવા મળ્યો હતો. સામે ફાર્મા, રીઅલ એસ્ટેટ અને મેટલ્સ સહિત છમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જ  ઉપર ૪૩ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને આઠ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૦૩ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૯૧ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ઉપર ૧૧૨ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૬૪ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૩૬ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૯૨માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૨૯ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૪૨ ટકા ઘટ્યા હતા. શુક્રવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન ૨૬,૬૫૪ કરોડ વધી ૧૬૦.૬૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
સાતમા દિવસે પણ બૅન્કિંગમાં તેજી
બૅન્કિંગ ક્ષેત્રોમાં તેજીના કારણે સેન્સેક્સ અને નિફ્ટી સતત નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યા છે. બજારમાં લિક્વિડિટી જાળવી રાખવા અને બૉન્ડના યીલ્ડમાં માર્ક તો માર્કેટમાં ફેરફાર કરતાં ગઈ કાલે નિફ્ટી બૅન્ક ૨.૮૩ ટકા વધ્યો હતો. નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ છેલ્લા સાત સત્રમાં ૧૧.૩૭ ટકા ઉછળ્યો છે.
ગઈ કાલે સરકારી બૅન્કોનો નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૩.૧૦ ટકા ઊછળ્યો હતો. ગઈ કાલે પંજાબ નૅશનલ બૅન્ક ૪.૧૪ ટકા, બૅન્ક ઑફ બરોડા ૪.૧૧ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૩.૬૮ ટકા, કૅનરા બૅન્ક ૩.૦૭ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૨.૨૨ ટકા, ઇન્ડિયન બૅન્ક ૨.૧૩ ટકા, યુકો બૅન્ક ૨.૧ ટકા, યુનિયન બૅન્ક ૨.૦૧ ટકા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક ૧.૦૯ ટકા વધ્યા હતા સામે સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૫૯ ટકા ઘટ્યો હતો.
અન્ય શૅરોમાં વધઘટ
૫પૈસા કેપિટલનું બીજા ક્વૉર્ટરમાં પરિણામ ધારણા કરતાં સારું આવ્યું હોવાથી ગઈ કાલે શૅર ૧.૪૪ ટકા વધ્યા હતા. ક્રેડિટ એક્સેસ ગ્રામીણ દ્વારા ૮૦૦ કરોડનું ફંડ સફળતાપૂર્વક ઊભું કરવામાં આવ્યું હોવાથી શૅરના ભાવ ૦.૮૩ ટકા વધ્યા હતા. બીજા ક્વૉર્ટરમાં સ્ટીલનું ઉત્પાદન ૩૦ ટકા વધ્યું હતું અને કંપનીના પ્લાન્ટની ક્ષમતા ૮૬ ટકા પહોંચી હોવા છતાં પ્રોફિટ બુકિંગના કારણે ગઈ કાલે જેએસડબ્લ્યુ સ્ટીલના શૅર ૦.૫૮ ટકા ઘટ્યા હતા. ભારતમાં ૫૦ લાખ ટન સ્ટીલની ડિલિવરી આપી હોવા છતાં તાતા સ્ટીલના શૅર ૧.૦૨ ટકા ઘટ્યા હતા. બીજા ક્વૉર્ટરમાં કાર્ગો વૉલ્યુમ ૮.૬૧ ટકા ઘટ્યું હોવા છતાં કન્ટેનર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાના શૅર ૦.૮૬ ટકા વધ્યા હતા. 

business news