2017-18માં બેંકોને 41,000 કરોડ રૂપિયાનો ચૂનો, વસૂલ્યા 40,400 કરોડ

31 December, 2018 06:53 PM IST  |  નવી દિલ્હી

2017-18માં બેંકોને 41,000 કરોડ રૂપિયાનો ચૂનો, વસૂલ્યા 40,400 કરોડ

ફાઇલ ફોટો

આજે વર્ષ 2018નો છેલ્લો દિવસ છે અને આ વર્ષ બેંકો અને ખાસ કરીને સાર્વજનિક ક્ષેત્રઓની બેંકો માટે અતિશય ખરાબ રહ્યું. ચાલુ નાણાકીય વર્ષ (2017-18) દરમિયાન કૌભાંડકારીઓએ બેંકોને આશરે 41,167 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ 72 ટકા વધારે છે. 2016-17માં બેંકોને 23,933 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો હતો.

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) તરફથી જાહેર થયેલા એક રિપોર્ટ પ્રમાણે વર્ષ દરમિયાન બેંકિંગ છેતરપિંડીના કુલ 5917 મામલાઓ નોંધવામાં આવ્યા. રિપોર્ટ પ્રમાણે, લોન લઈને બેંકોને ચૂનો લગાવવાના મામલાઓની સંખ્યા 2526 રહી જ્યારે સાયબર ફ્રોડના 2059 મામલા સામે આવ્યા.

2016-17માં જ્યાં બેંકિંગ છેતરપિંડીના 5076 મામલા સામે આવ્યા, જે 2017-18માં વધીને 5917 થઈ ગયા. ગયા વર્ષની સરખામણીએ આ વધારો 16.5 ટકા છે. ઓગસ્ટમાં જાહેર થયેલા આરબીઆઇના રિપોર્ટ પ્રમાણે છેલ્લા 10 વર્ષોમાં બેંકિંગ ફ્રોડની સંખ્યા 4500 રહી, જ્યારે 2017-18માં વધીને 5835 થઈ ગઈ.

કેન્દ્રીય બેંકના રિપોર્ટ પ્રમાણે છેતરપિંડીની રકમમાં થયેલા આટલા જબરદસ્ત વધારાનું કારણ રત્ન-આભૂષણના કારોબારમાં થયેલું મોટું કૌભાંડ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષનું સૌથી મોટું બેંકિંગ કૌભાંડ પંજાન નેશનલ બેંકમાં થયું છે, જેની અંદાજિત રકમ 14,000 કરોડ રૂપિયા છે. કૌભાંડના કારણે બેંકને નાણાકીય વર્ષ 2017-18માં કુલ 12, 282.82 કરોડ રૂપિયાના નુકસાનનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા નાણાકીય વર્ષ એટલે કે 2016-17માં પીએનબીને ચોખ્ખો 1324.8 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો.

આ માત્ર એક સંજોગ જ નથી કે આ વર્ષે થયેલા છેતરપિંડીના સર્વાધિક મામલાઓ 50 કરોડ રૂપિયા કે તેથી વઘુ રકમના છે. આવા મામલાઓની સંખ્યા આશરે 90 ટકા છે. એક લાખ રૂપિયાથી વધુની છેતરપિંડીના 93 ટકા મામલાઓ સરકારી બેંકો સાથે સંકળાયેલા છે, જ્યારે ખાનગી બેંકો માટે આવા મામલાઓની સંખ્યા માત્ર 6 ટકા છે.

બેંકો સાથે થયેલી બનાવટના કારણે દેશની બેંકિંગ વ્યવસ્થાને અતિશય ભારે એનપીએનો સામનો કરવો પડ્યો છે. માર્ચ સુધી દેશની કુલ એનપીએ 10.3 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, જેમાં હવે ઘટાડો થયો છે.

બેંકોએ કરી જબરદસ્ત રિકવરી

બેંકો સાથે થયેલી છેતરપિંડી છતાંપણ લોનની ફસાયેલા દેવાંની રિકવરી મામલે તેમને શાનદાર સફળતા મળી છે. નવા કાયદાના કારણે બેંકોને લોન વસૂલવામાં મદદ મળી છે. આરબીઆઇની રિપોર્ટ પ્રમાણે બેંકોએ નાણાકીય વર્ષ 40,400 કરોડ રૂપિયાની લોનની રિકવરી કરી છે.

ગયા નાણાકીય વર્ષમાં બેંકોએ 38, 500 કરોડ રૂપિયાની રિકવરી કરી હતી. લોનની વસૂલી માટે બનેલા નવા કાયદા ઇન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ (IBC) અને સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઑફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઑફ સિક્યોરિટી ઇંટરેસ્ટ (SARFAESI) ઍક્ટમાં સંશોધનના કારણે બેંકોને મદદ મળી છે.

reserve bank of india