અરામ્કો માટે વધુ 1 વિક્રમ:વિશ્વની સૌથી વધુ માર્કેટ કૅપ ધરાવતી કંપની બની

12 December, 2019 10:49 AM IST  |  Mumbai

અરામ્કો માટે વધુ 1 વિક્રમ:વિશ્વની સૌથી વધુ માર્કેટ કૅપ ધરાવતી કંપની બની

સાઉદી અરામ્કોના પ્રમુખ અને સીઇઓ અમીન નાસરે રિયાધ શૅરબજારમાં બેલ રિંગ કરીને કંપનીના શૅરનું ટ્રેડિંગ શરૂ કર્યું હતું. (તસવીર ઃ પી.ટી.આઇ.ર)

સાઉદી સરકારની માલિકીની સાઉદી ઑઇલ કંપની એટલે કે અરામ્કોના નામે આજે વધુ એક વિક્રમ જોડાયો છે. આ કંપની અત્યારે વિશ્વમાં સૌથી વધુ નફો રળતી કંપની છે. વિશ્વમાં સૌથી વધુ ક્રૂડ ઑઇલનું ઉત્પાદન અને વેચાણ ધરાવતી કંપની છે. ગયા સપ્તાહે જ કંપનીએ વિશ્વના મૂડીબજારમાં ૨૫.૬ અબજ ડૉલર એકત્ર કરી સૌથી મોટા પબ્લિક ઇશ્યુનો વિક્રમ પણ બનાવ્યો હતો. આજે કંપનીના શૅરમાં લિસ્ટિંગ અને ટ્રેડિંગ રિયાધ સ્ટૉક એક્સચેન્જ પર ચાલુ થયું હતું. કંપનીના શૅરનો ભાવ ૧૦ ટકા વધી ૩૫.૨૦ રિયાલ હતો અને એની સાથે એ વિશ્વમાં સૌથી વધુ માર્કેટ કૅપ ધરાવતી કંપની પણ બની છે. 

શૅરધારકોને ૩૨ ‌રિયાલના ભાવે શૅર આપનાર આ કંપનીના શૅરનો ભાવ ૩૫.૨૦ રિયાલ થતાંની સાથે જ કંપનીનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧.૮૮ લાખ કરોડ ડૉલર થયું હતું અને એ વિશ્વની સૌથી વધુ માર્કેટ કૅપ બનાવતી કંપની બની હતી. અરામ્કોનો ઇશ્યુ ૩૨ (લગભગ ૮.૫૩ ડૉલર) રિયાલના ભાવે નક્કી થયો છે જે રોકાણકારોને ૩૦થી ૩૨ રિયાલના ભાવે આપવામાં આવેલી ઑફરમાં ઊંચો ભાવ છે. આ સાથે કંપનીએ કુલ ૨૫.૬ અબજ ડૉલર એકત્ર કર્યા હતા.
અહીં જાણવું જરૂરી છે કે અરામ્કોનું મૂલ્ય વધવાથી સાઉદી સરકારની મિલકતમાં વૃદ્ધિ થશે, કારણ કે કંપનીમાં જાહેર કે પબ્લિક હોલ્ડિંગ બિલકુલ નહીંવત્ છે, જ્યારે અન્ય એક લાખ કરોડ ડૉલરથી વધારે માર્કેટ કૅપ ધરાવતી કંપનીમાં પબ્લિક હોલ્ડિંગ ઘણું વધારે છે. અત્રે નોંધવું જોઈએ કે આ પબ્લિક ઇશ્યુમાં વિદેશી બજારના દિગ્ગજ રોકાણકારએ રોકાણ કર્યું નથી. સાઉદી અરબના નાગરિકો અને ગલ્ફના દેશોના નાગરિકો તથા સંસ્થાકીય રોકાણકારો માટે જ આ ભરણું ખુલ્લું હતું.
અરામ્કો અત્યારે વિશ્વના ૧૦ ટકા જેટલા ક્રૂડ ઑઇલનું ઉત્પાદન અને એનું પ્રોસેસિંગ કરી દુનિયાભરમાં વેચે છે. કંપની વિશ્વમાં સૌથી ઓછા ખર્ચે ક્રૂડ ઑઇલનું ઉત્પાદન કરી રહી છે. ક્રૂડ ઑઇલ અત્યારે વિશ્વનું સૌથી મહત્ત્વનું ઈંધણ છે, પણ માગ અને પુરવઠાની સમતુલામાં અત્યારે પુરવઠો વધી રહ્યો છે. માગ અત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા નબળી હોવાથી ઘટી રહી હોવા ઉપરાંત ક્રૂડ ઑઇલ સામેના વિકલ્પ વધી રહ્યા છે.
અરામ્કોએ કૅલેન્ડર વર્ષ ૨૦૧૮માં ૧૧૧.૧ અબજ ડૉલરનો નફો રળ્યો હતો, પણ વર્ષ ૨૦૧૯ના પ્રથમ નવ મહિનામાં નફો ૧૮ ટકા ઘટી ૬૮.૨ અબજ ડૉલર રહ્યો છે. અત્યારે વિશ્વની સૌથી મોટી લિસ્ટેડ ક્રૂડ ઑઇલ કંપની ઍમેઝૉન મોબિલનો નફો ૪૯ ટકા ઘટ્યો છે, કારણ કે ક્રૂડ ઑઇલના ભાવ ઘટી રહ્યા છે. ભાવ ટકી રહે એના માટે ઓપેક રાષ્ટ્રસમૂહ છેલ્લા એક વર્ષથી ઉત્પાદન ઘટાડી રહ્યું છે જેમાં સાઉદી અરબ પણ સામેલ છે. બીજી તરફ ઓપેક સિવાયનાં રાષ્ટ્રો – અમેરિકા, ઘાનામાં ઉત્પાદન વધી રહ્યું છે. આ સ્થિતિમાં વધુ ઉત્પાદન બજારમાં આવી રહ્યું છે અને એ પણ એવા સમયે કે જ્યારે વૈશ્વિક આર્થિક વિકાસનો દર ઘટી રહ્યો છે, હજી ઘટશે એવો અંદાજ છે.

business news