એક Tweet બાદ આનંદ મહિન્દ્રાએ લીધો આ મહત્વનો નિર્ણય

18 July, 2019 03:26 PM IST  |  મુંબઈ

એક Tweet બાદ આનંદ મહિન્દ્રાએ લીધો આ મહત્વનો નિર્ણય

દેશની જાણીતી વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. રસપ્રદ વાત એ છે કે આનંદ મહિન્દ્રાએ આ નિર્ણય એક ટ્વિટ બાદ લીધો છે. આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરીને કહ્યું કે હવે કંપનીની બોર્ડ મીટિંગ્સમાં પ્લાસ્ટિકની બોટલ્સનો ઉપયોગ કરવામાં નહીં આવે. દેશભરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાની ઝુંબેશ ચાલી રહી છે. જેને પગલે સરકારે પોલિથીન પર પ્રતિબધ મૂક્યો છે. જો કોઈ વ્યક્તિ પોલીથિનનો ઉપયોગ કરતો પકડાય તો તેના પર દંડની પણ જોગવાઈ છે. ત્યારે લોકો આનંદ મહિન્દ્રાના આ નિર્ણયને આવકારી રહ્યા છે.

ઘટના કંઈક એવી છે કે આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર બોર્ડ રૂમનો ફોટો શૅર કર્યો હતો. જેમાં દેખાઈ રહ્યું હતું કે બોર્ડ મેમ્બરોની સામે પ્લાસ્ટિકની બોટલ્સમાં પાણી રાખેલું છે. આ બોટલ્સ પર એક ટ્વિટર યુઝરે આનંદ મહિન્દ્રાને સલાહ આપી. ટ્વિટર યુઝરે લખ્યું કે,'મને લાગે છે કે બોર્ડ રૂમના ટેબલ પર પ્લાસ્ટિકની બોટલ્સની જગ્યાએ સ્ટીલની બોટલ્સ હોવી જોઈએ.'

યુઝરના આ ટ્વિટ પર આનંદ મહિન્દ્રાએ જવાબ પણ આપ્યો. તેમણે લખ્યું કે,'પ્લાસ્ટિકની બોટલ્સને બેન કરવામાં આવશે. આ બોટલ્સ જોઈને અમને શરમ આવે છે. આ ઉપરાંત મહિન્દ્રાએ પ્લાસ્ટિકની બોટલ્સને રિ સાઈકલિંગને સમર્થન આપ્યું છે.' ઉલ્લેખનીય છે કે આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અને તે કેટલાક મુદ્દાઓ પર ખુલીને પોતાનો મત રજૂ કરવા માટે જાણીતા છે. કેટલાક દિવસ પહેલા તેમણે ખેડૂતો ઝાડ પર ચડવા માટે બનાવેલા બાઈકના વખાણ કર્યા હતા. અને તેને બનાવવામાં રસ પણ દાખવ્યો હતો.

anand mahindra news business news