રિલાયન્સનું બજારમૂલ્ય 10 લાખ કરોડ, મુકેશ અંબાણીની સંપત્તિ 4.30 લાખ કરોડ

29 November, 2019 12:06 PM IST  |  Mumbai

રિલાયન્સનું બજારમૂલ્ય 10 લાખ કરોડ, મુકેશ અંબાણીની સંપત્તિ 4.30 લાખ કરોડ

મુકેશ અંબાણી

દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નામે આજે વધુ એક સીમાચિહ્‍ન નોંધાયું છે. ૧૦ લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કૅપિટલાઇઝેશન પાર કરનાર એ દેશની સૌથી પ્રથમ કંપની બની છે. ૧૯૭૭માં કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણીએ કંપનીનો પબ્લિક ઇશ્યુ બહાર પાડ્યો ત્યારથી આજે ૪૨ વર્ષ પછી કંપની આ સ્થાને પહોંચી છે.

રિલાયન્સના શૅરના ભાવ આજે વિક્રમી ૧૫૮૪ની સપાટીએ પહોંચી દિવસના અંતે ૦.૬૫ ટકા વધીને ૧૫૭૯.૯૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા અને એનું માર્કેટ કૅપ ૧૦.૦૧ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

આની સાથે કંપનીના વર્તમાન પ્રમોટર અને એશિયામાં સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિ ૬૦.૭ અબજ ડૉલર પર પહોંચી છે એમ બ્લુમબર્ગ બિ‍લ્યનેર ઇન્ડેક્સ પરથી જાણવા મળ્યું છે. મુકેશ અંબાણી અત્યારે વિશ્વની સૌથી ધનવાન વ્યક્તિઓમાં ૧૨મા ક્રમે પહોંચી ગયા છે. આ વર્ષે મુકેશ અંબાણીની સંપત્તિમાં ૧૬.૪ અબજ ડૉલરનો વધારો જોવા મળ્યો છે. આ ઇન્ડેક્સના અબજોપતિમાં બીજા ભારતીય વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજી છે જેમનો ક્રમ વિશ્વમાં ૫૯મો છે અને તેમની કુલ સંપત્તિ ૧૮.૮ અબજ ડૉલર છે. ડૉલરના મૂલ્યમાં રિલાયન્સનું બજારમૂલ્ય ૧૪૦ અબજ ડૉલર જેટલું થાય છે.

વિશ્વમાં માર્કેટ કૅપની દૃષ્ટિએ ટોચની ૧૦૦ કંપનીઓમાં માત્ર બે જ ભારતીય કંપનીઓ છે. એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બીજી તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ. રિલાયન્સના ૧૪૦ અબજ ડૉલરના આજના બજારમૂલ્ય સામે ઍપલ ૧૧૬૩ અબજ ડૉલર સાથે પ્રથમ ક્રમે, ૧૧૪૧ અબજ ડૉલર સાથે માઇક્રોસૉફ્ટ, ૮૯૩ અબજ ડૉલર સાથે આલ્ફાબેટ જેવી કંપનીઓ આવે છે.

mukesh ambani reliance business news