શું સસ્તા ડેટા અને ફ્રી વૉઇસ કૉલના દિવસો પૂરા થયા?

20 November, 2019 09:59 AM IST  |  Mumbai

શું સસ્તા ડેટા અને ફ્રી વૉઇસ કૉલના દિવસો પૂરા થયા?

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં હવે મોબાઇલ ફોનધારકો માટે ફ્રી વૉઇસ કૉલ્સ અને સસ્તા ડેટાના દિવસો પૂરા થઈ ગયા હોય એવા સ્પષ્ટ સંકેત મળી ગયા છે. ભાવવધારો કેટલો આવશે એ વિશે દેશના ત્રણ મોટા ઑપરેટર હજી ફોડ નથી પાડી રહ્યા, પણ આગામી દિવસોમાં ભાવ વધારશે એવી જાહેરાત તેમણે કરી દીધી છે.

ભારતી ઍરટેલ અને વોડાફોન આઇડિયાએ સોમવારે મોડી સાંજે અલગ-અલગ રીતે ભાવ વધારવાની જાહેરાત કરી દીધી હતી. આજે રિલાયન્સ જિયોએ પણ આવી જાહેરાત કરી છે. ઍરટેલ અને વોડાફોન આઇડિયાએ પોતે ૧ ડિસેમ્બરથી ભાવ વધારવામાં આવશે એવી જાહેરાત કરી છે, જ્યારે જિયોએ આગામી થોડાં સપ્તાહમાં વધારો થશે એવું એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિલાયન્સ જિયોએ ૨૦૧૬ની પાંચમી સપ્ટેમ્બરે પોતાની સર્વિસનું કમર્શિયલ લૉન્ચ કર્યું હતું અને એની સાથે દેશમાં કોઈ પણ ફોન પર વૉઇસ કૉલ કરવા માટે કોઈ પણ ચાર્જ ચૂકવવો નહીં પડે એવી જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે એના પછીના સમયમાં વોડાફોન, આઇડિયા (એ સમયે બન્ને કંપનીઓ અલગ હતી) અને ઍરટેલે પણ વૉઇસ કૉલ્સ સંપૂર્ણપણે ફ્રી કરી દેવાની ફરજ પડી હતી. આજે એવી સ્થિતિ છે કે દેશની સૌથી નવી મોબાઇલ સર્વિસ આપતી કંપની નફો કરતી થઈ ગઈ છે, જ્યારે વોડાફોન આઇડિયા અને ઍરટેલ ખોટ કરતી બની ગઈ છે. બન્ને કંપનીઓએ 4G સર્વિસ માટે જંગી રોકાણ કરવું પડ્યું છે અને એનો બોજ ગ્રાહકો પર લાદી શક્યા નથી.

બીજી તરફ સુપ્રીમ કોર્ટે ૧૪ વર્ષ જૂના એક કેસમાં મોબાઇલ સર્વિસ ચલાવતી કંપની વિરુદ્ધ ચુકાદો આપ્યો હોવાથી વોડાફોન અને ઍરટેલે ભારતીય કૉર્પોરેટ ઇતિહાસમાં સૌથી વધુ ખોટ પણ નોંધાવી છે. સ્થિતિ એટલી નાજુક છે કે બન્ને કંપનીઓએ સરકાર સમક્ષ મદદ માગી છે કે સ્પેક્ટ્રમ ફી ભરવામાં થોડી રાહત આપો, સમયમર્યાદા વધારી આપો. આ સંદર્ભે સરકારે જણાવ્યું છે કે દેશમાં મોબાઇલ કંપનીઓની મુશ્કેલી વિશે વિચારણા ચાલી રહી છે અને કોઈ પણ કંપનીને બંધ થવા દેવાશે નહીં.

એવું લાગી રહ્યું છે કે વોડાફોન અને ઍરટેલે પોતાની મુશ્કેલીઓ દૂર કરવા અને વધી રહેલી ખોટ હળવી કરવા માટે ગ્રાહકો પર બોજ લાદવાનો નિર્ણય લીધો છે. આ નિર્યણને કારણે કંપનીઓની ખોટ ઘટશે. હવે જિયોએ પણ ભાવવધારો કરવાની જાહેરાત કરતાં દેશમાં ફ્રી વૉઇસ કૉલ્સનો યુગ સમાપ્ત થઈ રહ્યો છે અને સાથોસાથ વિશ્વમાં સૌથી ઓછા ડેટા ચાર્જિસમાં પણ આંશિક વધારો ચોક્કસ આવશે. હવે જોવાનું એ રહ્યું કે કઈ કંપની કેટલો ભાવવધારો જાહેર કરે છે.

દરમ્યાન બિલ્ડિંગ અને ઑફિસમાં કૉલ ડ્રૉપ્સની ભારે સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. ટેલિકૉમ વિભાગે આવાં જાહેર સ્થળોએ કંપનીઓને એકમેક સાથે નેટવર્કને શૅર કરવાની પરવાનગી આપી છે. ટ્રાઇના અભ્યાસ અનુસાર અપૂરતા માળખાના અભાવે કેટલીક કંપનીઓના કૉલ-ડ્રૉપ્સ અને ડેટાની સ્પીડ આવાં જાહેર સ્થળો અને બિલ્ડિંગમાં વધારે જોવા મળે છે. દેશમાં ૮૦ ટકા મોબાઇલનો ઉપયોગ આવાં સ્થળોએ થાય છે. ટ્રાઇએ એવી ભલામણ કરી હતી કે ઑપ્ટિકલ ફાઇબર, બૂસ્ટર અને અન્ય નેટવર્ક કંપનીઓ એકમેકનું નેટવર્ક વાપરે એ ફરજિયાત કરવું જોઈએ. જોકે અત્યારે ટેલિકૉમ વિભાગે એને ફજિયાત નહીં કરતાં માત્ર સલાહ જ આપી છે. 

business news airtel vodafone idea reliance