ઍર ઇન્ડિયા વેચાશે નહીં તો બંધ કરવી પડશે : હરદીપ પુરીનું નિવેદન

28 November, 2019 12:15 PM IST  |  Mumbai

ઍર ઇન્ડિયા વેચાશે નહીં તો બંધ કરવી પડશે : હરદીપ પુરીનું નિવેદન

હરદીપ પુરી

કેન્દ્ર સરકારે દેશની સત્તાવાર ઍરલાઇન્સ ઍર ઇન્ડિયામાંથી સરકારનો હિસ્સો સંપૂર્ણ રીતે વેચી દેવાની જાહેરાત કરી છે. ૨૦૧૮માં કેન્દ્ર સરકારે ઍર ઇન્ડિયામાં ૭૪ ટકા હિસ્સો વેચી દેવાની જાહેરાત કરી હતી. ઑફર પણ મગાવી હતી, પરંતુ કોઈ પણ લેવાલ તૈયાર થયું નથી. હવે, સરકારે પોતાનો ૧૦૦ ટકા હિસ્સો વેચી દેવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારને સલાહ આપતા લોકોનું માનવું છે કે કોઈ ખાનગી રોકાણકાર ચોક્કસ રીતે ‘મહારાજા’ ખરીદવા તૈયાર થશે.

દરમ્યાન, આજે રાજ્યસભામાં પ્રશ્નકાળમાં કેન્દ્રના નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ પુરીએ જણાવ્યું હતું કે ‘જો વેચાણ શક્ય નહીં હોય તો સરકારે એનાથી પણ મોટો નિર્યણ લઈ એને બંધ કરી દેવી પડશે. મારે એમ કહેવું જ પડશે કે જો ઍરલાઇન્સનું ખાનગીકરણ નહીં કરવામાં આવે તો એને બંધ કરવી પડશે.’
દરમ્યાન, ઍર ઇન્ડિયાના વાર્ષિક ખર્ચમાં વધારો થયો હોવાનું પણ સરકારે જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૬-’૧૭માં આ વિમાની કંપનીનો ખર્ચ ૨૨,૦૪૮.૬૮ કરોડ રૂપિયા હતો જે ૨૦૧૮-’૧૯માં વધી ૩૦,૧૯૪.૦૬ કરોડ રૂપિયા થયો છે. આ વધારો ૩૭ ટકા જેટલો છે. સરકારે જણાવ્યું હતું કે ઍરપોર્ટ ચાર્જમાં વૃદ્ધિ, ઇંધણ ખર્ચમાં વૃદ્ધિ અને સ્પર્ધાના કારણે વિમાની કંપનીના ખર્ચમાં વધારો થયો છે.

દરમ્યાન, ઍર ઇન્ડિયા માટે ડિસેમ્બરના મધ્ય ભાગ સુધીમાં બોલીઓ મગાવશે એવી માહિતી આપતાં સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આ બોલી રોકાણકાર માટે આકર્ષક બનાવવા માટે ૧૧ અબજ ડૉલર જેટલું ઍર ઇન્ડિયાનું દેવું સરકાર અલગ કંપનીમાં ટ્રાન્સફર કરી દેશે. આ દેવામાંથી એક હિસ્સો સરકાર ભરપાઈ કરી આપે અને બાકીની રકમ ઍર ઇન્ડિયાની મિલકતો વેચી ભરપાઈ કરી આપવામાં આવશે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કોઈ નિર્યણ લેવામાં આવ્યો નથી એમ પણ સૂત્રોએ જણાવ્યું હતું

air india business news