Pak જતી ફ્લાઈટ્સ બંધ થવાથી ઍર ઇન્ડિયાને રોજનું ત્રણ કરોડનું નુકસાન

09 March, 2019 10:04 AM IST  | 

Pak જતી ફ્લાઈટ્સ બંધ થવાથી ઍર ઇન્ડિયાને રોજનું ત્રણ કરોડનું નુકસાન

ઍર ઇન્ડિયા

ઍરલાઇનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યા મુજબ પાકિસ્તાને ગયા સપ્તાહના બુધવારથી ભારત તથા અન્ય દેશોનાં ઉડ્ડયનો માટે પોતાની હવાઈ સીમા બંધ કરી દીધી છે. એને લીધે વિમાનોને તેની બહારથી લઈ જવાં પડે છે અને તેથી ઉડ્ડયનનો સમય વધી ગયો છે અને મુંબઈના ઍર ટ્રાફિક કન્ટ્રોલર પર બોજ વધી ગયો છે.

પાકિસ્તાની સત્તાવાળાઓએ હવાઈ સીમાના ઉપયોગ પરનો પ્રતિબંધ ગઈ કાલની એટલે કે શુક્રવારની બપોર સુધી લંબાવ્યો હતો.

ઍર ઇન્ડિયા ન્યુ યૉર્ક, નેવાર્ક, શિકાગો, વૉશિંગ્ટન અને સૅન ફ્રાન્સિસ્કોનાં ૧૪-૧૬ કલાકનાં નૉન-સ્ટૉપ ઉડ્ડયનો ચલાવે છે. દિલ્હી અને મુંબઈથી કુલ ૩૬ ઉડ્ડયનો પડે છે. આ ઉડ્ડયનો પાકિસ્તાની હવાઈ સીમાનો ઉપયોગ કરે છે, પરંતુ હવે એ બંધ હોવાથી તેમણે મોટું ચક્કર મારવું પડે છે. દિલ્હીથી ઊપડતાં વિમાનો દક્ષિણ તરફ જઈને ઓમાન અને ઈરાનની હવાઈ સીમામાં પ્રવેશે છે. તેને લીધે ઉડ્ડયનનો સમય બે કલાક જેટલો વધી ગયો છે. ઉપરાંત, ઍરલાઇને આવતાં-જતાં શારજાહમાં ઈંધણ પુરાવવા ઊતરવું પડે છે.

ઍર ઇન્ડિયા યુરોપનાં ૧૦ શહેરોમાં ઉડ્ડયનો લઈ જાય છે. તેમાં સાડાસાતથી નવ કલાકનો સમય લાગે છે. હવે પાકિસ્તાની હવાઈ સીમા બંધ હોવાથી ઉડ્ડયનનો સમય દોઢ કલાક જેટલો વધી ગયો છે.

રોજનો ત્રણ કરોડનો ખર્ચ વધી ગયો હોવા છતાં ઍર ઇન્ડિયાએ એક પણ ઉડ્ડયન રદ કર્યું નથી. જો પાકિસ્તાની હવાઈ સીમા હજી પણ બંધ રહેશે તો અમેરિકા સુધીનાં ઉડ્ડયન વિમાનો શારજાહથી જવાને બદલે બર્મિંગહૅમ કે વિયેના થઈને લઈ જવાશે.

air india pakistan