અમેરિકા બાદ ચીનમાં આર્થિક મજબૂતીથી સોનાના ભાવમાં ફરી નરમ વાતાવરણ

03 December, 2019 11:54 AM IST  |  Mumbai

અમેરિકા બાદ ચીનમાં આર્થિક મજબૂતીથી સોનાના ભાવમાં ફરી નરમ વાતાવરણ

ગોલ્ડ

શૅરબજારમાં વણથંભી તેજી અને ચીનના ઔદ્યોગિક ઉત્પાદનના મજબૂત આંકડાને પરિણામે સોનાના ભાવ ફરી ઘટી રહ્યા છે. બજારને એવી આશા છે કે અમેરિકા અને ચીન ટૂંક સમયમાં વ્યાપાર સંધિના પ્રથમ તબક્કાની જાહેરાત કરશે અને એને કારણે કોઈ નવી તેજી માટે લેણ જોવા મળી રહ્યું નથી.

અમેરિકાના અર્થતંત્રના મજબૂત આંકડા ગયા સપ્તાહે જોયા બાદ ચીનમાં છેલ્લા ૭ મહિનામાં પ્રથમ વખત ફૅક્ટરી ઉત્પાદન વધીને આવ્યું હતું જે ધારણા કરતાં ઘણું વધારે હોવાથી આર્થિક ગતિવિધિઓ ફરી તેજ થઈ રહી છે અને હળવા વ્યાજદરની નીતિમાં મોટો બ્રેક આવશે એવી ધારણાએ પણ બજારમાં ખરીદી જોવા મળી રહી નથી.

વૈશ્વિક બજારમાં શુક્રવારે હાજરમાં સોનું ૧૪૬૩.૮ ડૉલરની સપાટીએ બંધ આવ્યું હતું જે આજે ઘટીને ૧૪૫૪.૮ ડૉલર થઈ અત્યારે ૧૪૫૯.૨ ડૉલર પ્રતિ ઔંસ છે. ન્યુ યૉર્ક ગોલ્ડ વાયદો ૦.૪૪ ટકા ઘટી ૧૪૬૬.૧૫ અને ચાંદી ૦.૪૯ ટકા ઘટી ૧૭.૦૨૩ ડૉલર પ્રતિ ઔંસ છે.

વૈશ્વિક બજારમાં ભાવઘટાડાની સાથે ભારતમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈમાં હાજરમાં સોનું ૧૭૦ ઘટીને ૩૯,૧૩૦ રૂપિયા ૧૦ ગ્રામના અને અમદાવાદમાં ૨૩૦ ઘટી ૧૦ ગ્રામના ૩૯,૦૪૦ રૂપિયા રહ્યું હતું. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭૭૧૭ ખૂલી, ઉપરમાં ૩૭૯૭૦ અને નીચામાં ૩૭૧૦૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૩૫ ઘટીને ૩૭૭૯૬ રૂપિયા બંધ રહ્યો હતો. મુંબઈમાં હાજર ચાંદી ૨૪૦ ઘટી ૪૫,૭૫૦ અને અમદાવાદમાં ૧૭૦ ઘટી ૪૫,૭૮૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૪૨૯૦ ખૂલી, ઉપરમાં ૪૪૪૧૬ અને નીચામાં ૪૪૦૭૭ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૭૧ ઘટીને ૪૪૧૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૪૪૧ ઘટીને ૪૪૬૩૭ અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૪૪૪ ઘટીને ૪૪૬૪૨ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર સામે રૂપિયો વધ્યો

દેશના અર્થતંત્રની ચિંતાઓ એક બાજુ મૂકી ડૉલર સામે સોમવારે રૂપિયો વધીને બંધ આવ્યો હતો. એક તબક્કે રૂપિયો ડૉલર સામે નબળો પડી ૭૧.૭૮ થયો હતો, પણ પછી નવી ખરીદીએ વધી ૭૧.૬૨ થઈ દિવસના અંતે ૭૧.૬૬ની સપાટીએ બંધ આવ્યો હતો. શુક્રવારે ૭૧.૭૪ની બંધ સપાટી સામે રૂપિયો આજે ૮ પૈસા વધ્યો હતો.

business news