ચાર દિવસના ઘટાડા બાદ ફન્ડ્સના વૅલ્યુ બાઇંગથી શૅરબજારમાં ઉછાળો

20 February, 2020 10:39 AM IST  |  Mumbai Desk

ચાર દિવસના ઘટાડા બાદ ફન્ડ્સના વૅલ્યુ બાઇંગથી શૅરબજારમાં ઉછાળો

કોરોના વાઇરસને કારણે આર્થિક મંદી આવી પડે તો એને પહોંચી વળવા ચીનની સરકારે લીધેલાં પગલાં, ભારતમાં પણ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જરૂરી પગલાં માટે બાંયધરી આપી હોવાથી તેમ જ એશિયા અને યુરોપિયન શૅરની તેજીના પગલે ભારતીય શૅરબજારમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી. ચાર દિવસથી સતત ઘટી રહેલા ભારતીય બજારમાં નીચા મથાળે વૅલ્યુ બાઇંગ જોવા મળ્યું હતું અને માત્ર સેન્સેક્સ જ નહીં, પણ સ્મૉલકૅપ અને મિડકૅપ કંપનીઓમાં પણ ખરીદી જોવા મળી હતી. જોકે સેન્સેક્સનો ઉછાળો મુખ્યત્વે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૬૦ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર ૨.૭૪ ટકા, એચડીએફસી ૨.૩૨ ટકા અને એચડીએફસી બૅન્ક ૧.૧૧ ટકા વધ્યા હોવાને આધારિત હતો.
આગળ ચાર દિવસમાં સેન્સેક્સ ૧.૬૨ ટકા અને નિફ્ટી ૧.૭૧ ટકા ઘટીને બંધ આવ્યા હતા અને એની સાથે નાની અને મધ્યમ કદની કંપનીઓમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. સતત ઘટી રહેલા બજારને કારણે શૅરબજારમાં રોકાણકારોએ ૩,૦૦,૦૭૭ કરોડ રૂપિયાની સંપત્તિ ગુમાવી હતી. જોકે આજે આવેલા ઉછાળાને કારણે એમાં થોડી રાહત મળી છે. બુધવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૨,૦૫,૧૨૪ કરોડ વધીને ૧૫૮.૭૧ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. સ્થાનિક ફન્ડ્સની ખરીદી અને વિદેશી સંસ્થાઓના આંશિક વેચાણને કારણે બજારમાં તેજી જળવાઈ રહી હતી.
સત્રના અંતે સેન્સેક્સ ૪૨૮.૬૨ પૉઇન્ટ કે ૧.૦૫ ટકા વધી ૪૧,૩૨૩ અને નિફ્ટી ૧૩૩.૪૦ પૉઇન્ટ કે ૧.૧૧ ટકા વધી ૧૨,૧૨૫.૯૦ બંધ રહ્યો હતો. સેન્સેક્સની તેજીમાં બજાજ ફાઇનૅન્સ, હિન્દુસ્તાન યુનિલીવર, એચડીએફસી અને ઓએનજીસીનો મુખ્ય ફાળો હતો. આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં ૧૧ ક્ષેત્રોમાંથી માત્ર આઇટી અને મીડિયામાં વૃદ્ધિ જોવા મળી હતી. એ સિવાય મેટલ્સ, ઑટોની આગેવાની હેઠળ આઠ ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જ પર ૬૦ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૧૦૪ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૯૯ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી,જ્યારે ૧૧૯ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ પર ૧૦૧ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૧૭૧ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૦૫ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૨૪૨માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૧.૪૧ ટકા અને મિડકૅપ ઇન્ડેક્સ ૧.૩૪ ટકા વધ્યા હતા.
ફાર્મા કંપનીઓમાં વ્યાપક ખરીદી
કોરોના વાઇરસને કારણે ભારતીય ફાર્મા ઉત્પાદકોને કાચા માલની તીવ્ર અછત જોવા મળશે એવી ધારણાએ ઘટી રહેલા શૅરોમાં આજે ખરીદી જોવા મળી હતી. મુખ્ય કારણ હતું કે નાણાપ્રધાને ખાતરી આપી છે કે વિવિધ મંત્રાલયો સાથે ચર્ચા કરી અને વડા પ્રધાન સાથે મંત્રણા બાદ નક્કર પગલાં લેવામાં આવશે જેથી ભારત પર કોરોના વાઇરસની આર્થિક અસરો ખાળી શકાય. આજે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૨.૩૨ ટકા વધ્યો હતો.
ફાર્મા કંપનીઓમાં વૉકહાર્ટ ૯.૬૩ ટકા, ઇપ્કા લૅબ ૭.૧૯ ટકા, સ્ટ્રાઇડ ફાર્મા ૩.૫૮ ટકા, કૅડિલા હેલ્થ ૩.૦૮ ટકા, પિરામલ એન્ટરપ્રાઇઝ ૨.૯૯ ટકા, સિપ્લા ૨.૭૧ ટકા, ગ્લેનમાર્ક ફાર્મા ૧.૯૧ ટકા, ડૉ. રેડ્ડીઝ ૧.૦૭ ટકા, ડિવીઝ લૅબ ૦.૮૫ ટકા, લુપિન ૦.૪૩ ટકા અને આલ્કેમ લૅબ ૦.૧ ટકા વધ્યા હતા. સામે સન ફાર્મા ૧.૩૩ ટકા અને ગ્લેક્સો ૦.૧૯ ટકા ઘટ્યા હતા.
ઓરોબિંદો ફાર્માના શૅર આજે ૨૦.૪ ટકા વધ્યા હતા. કંપનીના ઇન્જેક્શન બનાવતા એક પ્લાન્ટને અમેરિકન ડ્રગ રેગ્યુલેટરના ઇન્સ્પેક્શનમાં કોઈ વાંધો નહીં મળી આવતાં શૅરના ભાવ વધ્યા હતા.
બીએસઈ ૫૦૦ની બાવીસ કંપનીઓ નવી ઐતિહાસિક સપાટીએ
હિન્દુસ્તાન યુનિલીવર, બજાજ ફાઇનૅન્સ, નેસ્લે, આઇસીઆઇસીઆઇ સિક્યૉરિટીઝ, નિપ્પોન ઍસેટ મૅનેજમેન્ટ, એયુ સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક, ક્રેડિટ એક્સેસ ગ્રામીણ, જેકે સિમેન્ટ, રત્નમણિ મેટલ્સ, નવી ફ્લોરાઇન જેવી બીએસઈ ૫૦૦ કંપનીઓમાંથી બાવીસ કંપનીઓના શૅરના ભાવ તેમના લિસ્ટિંગ ઇતિહાસની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. આ ઉપરાંત અપોલો હૉસ્પિટલ્સ, ગ્રૅન્યુઅલ્સ ઇન્ડિયા, ટોરેન્ટ ફાર્મા અને ડિવીઝ લૅબ પણ એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
વોડાફોન ૩૮ ટકા ઊછળ્યો
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જે ટેલિકૉમ કંપની પર સૌથી મોટી આફત આવી પડી છે એવી વોડાફોનના શૅર આજે એક તબક્કે ૪૮ ટકા ઊછળી ગયા હતા. ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમનાં સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યારે કોઈ પણ કંપનીએ આપેલી બૅન્ક ગૅરન્ટી જપ્ત કરવામાં નહીં આવે. સોમવારે વોડાફોને સુપ્રીમ કોર્ટમાં પોતે આપેલી બૅન્ક ગૅરન્ટી જપ્ત નહીં કરવાની અરજ કરી હતી પણ કોઈ દાદ મળી નહોતી. બૅન્ક ગૅરન્ટી જપ્ત થાય તો તીવ્ર નાણાભીડ અને ભારે ખોટ કરી રહેલી આ કંપનીને રોજિંદા ઑપરેશનમાં તકલીફ આવી શકે છે અને કંપનીએ નાદારી નોંધાવવી પડે એવી ચર્ચા ચાલી રહી છે. આજે આ રાહત મળતાં શૅરના ભાવ ઊછળ્યા હતા. સત્રના અંતે શૅર આગલા બંધ સામે ૩૮.૨૮ ટકા વધી ૪.૧૯ રૂપિયા બંધ આવ્યો હતો.
બંધન બૅન્કના ભાવ એક વર્ષની નીચી સપાટીએ
સતત ત્રીજા દિવસે બંધન બૅન્કના શૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો અને શૅર એક તબક્કે ૪૦૯.૦૫ રૂપિયાની એક વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયા હતા. છેલ્લા ત્રણ મહિનામાં શૅરનો ભાવ ૨૭ ટકા જેટલો ઘટ્યો છે જેની સામે સેન્સેક્સ બે ટકા વધ્યો છે. ઑક્ટોબરની ૬૫૦ની ઊંચી સપાટીથી શૅરનો ભાવ ૩૭ ટકા જેટલો ઘટી ગયો છે. બંધન બૅન્કના ડિસેમ્બર ક્વૉર્ટરનાં પરિણામ નબળાં આવતાં શૅરના ભાવમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. સત્રના અંતે આજે શૅર ૧.૮૬ ટકા ઘટી ૪૧૪.૬૫ બંધ આવ્યો હતો.
આઇઆરસીટીસી લિસ્ટિંગ પછી ૪૪૫ ટકા ઊછળ્યો
ભારત સરકારની માલિકીની અને ઇન્ડિયન રેલવે હેઠળની આઇઆરસીટીસીના શૅરમાં એકતરફી તેજી જોવા મળી રહી છે. રેલવેમાં ટિકિટ, પ્રવાસન અને ભોજન આપતી આ કંપની ધીમે-ધીમે ખાનગી ટ્રેનો પણ શરૂ કરી રહી છે જેમાંથી બે કાર્યરત છે અને ત્રીજી શરૂ થવા જઈ રહી છે. આજે શૅરના ભાવ ૧૮૭૨ રૂપિયા નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા હતા. ઑક્ટોબર ૨૦૧૯માં ૩૨૦ના ભાવે ઑફર થયેલા આ શૅરના ભાવ અત્યાર સુધીમાં ૪૪૫ ટકા વધી ગયા છે. બે દિવસમાં જ શૅરના ભાવ ૧૫ ટકા જેટલા વધ્યા છે. દિવસના અંતે શૅર ૧૧.૭ ટકા વધી ૧૮૩૦.૬૫ રૂપિયા બંધ આવ્યા હતા.
અન્ય શૅરોમાં વધ-ઘટ
યસ બૅન્ક આજે ૦.૭૧ ટકા વધ્યો હતો. યસ બૅન્ક નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાંથી ૨૭ માર્ચે બહાર નીકળી જશે અને એના સ્થાને શ્રી સિમેન્ટ આવશે. આથી સિમેન્ટ કંપનીના ભાવ ૨.૫૫ ટકા વધ્યા હતા. કોલ પ્રધાને એવી જાહેરાત કરી હતી કે ૨૦૨૩-’૨૪ સુધીમાં દેશ કોલસાની આયાત સંપૂર્ણ બંધ કરશે અને દેશમાં કોલ ઇન્ડિયા વર્ષે એક અબજ ટન કોલસાનું ઉત્પાદન કરશે એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ જાહેરાતથી કોલ ઇન્ડિયાના શૅર ૩.૨૫ ટકા વધ્યા હતા. ૨૦૦૦ કરોડ રૂપિયાના બૉન્ડના ઇશ્યુને સારું ક્રેડિટ રેટિંગ મળતાં આઇડીએફસી ફર્સ્ટ બૅન્કના શૅર ૩.૬૪ વધ્યા હતા.
નવી ૨૦ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત સાથે સ્પાઇસ જેટના શૅર ૪.૨૮ ટકા વધ્યા હતા. ૩૦૦ કરોડ રૂપિયાનો નવો નિકાસનો ઑર્ડર મળતાં માન ઇન્ડસ્ટ્રીઝના શૅર ૨.૮૩ ટકા વધ્યા હતા.

business news