મુંબઈ: ATM ચાર્જિસની લૂંટ બંધ થઈ શકે છે

07 June, 2019 08:09 AM IST  |  મુંબઈ

મુંબઈ: ATM ચાર્જિસની લૂંટ બંધ થઈ શકે છે

ATM

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આજે ધિરાણનીતિની સમીક્ષા કરતા એક સમિતિની જાહેરાત કરી છે. આ સમિતિ એટીએમના ચાર્જિસ વિશે સમીક્ષા કરી એમાં ફેરફાર અંગેની દરખાસ્ત રિઝર્વ બૅન્કને કરશે. ધિરાણ નીતિની જાહેરાત અંગેના નિવેદનમાં એ સ્પક્ટ નથી કે ચાર્જિસ ઘટાડવામાં આવશે કે નહીં. રિઝર્વ બૅન્કે નોંધ્યું છે કે ઑટોમેટેડ ટેલર મશીન (એટીએમ)નો ઉપયોગ જાહેર જનતા દ્વારા વધી રહ્યો છે અને એટીએમ ચાર્જિસ અને તેની ફીમાં ફેરફાર કરવા અંગેની માગણી થઈ રહી છે. આ સ્થિતિનો અભ્યાસ કરવા માટે ઇન્ડિયન બૅન્ક્સ અસોસિએશનના સીઈઓના અધ્યક્ષસ્થાને એક સમિતિની રચના થશે જે લાગતાંવળગતાં બધાં સાથે જ મસલત કરી બે મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરશે, સમિતિ કઈ-કઈ બાબતોનો અભ્યાસ કરશે એની જાહેરાત એક સપ્તાહમાં કરવામાં આવશે.

છેલ્લાં ચાર વર્ષમાં એટીએમનો ઉપયોગ અનેકગણો વધ્યો છે. એવી પણ વાત બહાર આવી છે કે બૅન્કો પોતાનાં એટીએમની સંખ્યા ઘટાડી રહી છે જેથી વધુ ને વધુ લોકો રોકડ ઉપાડ કરવાના બદલે ડિજિટલ પૅમેન્ટનો ઉપયોગ કરે.

દરેક બૅન્કો એટીએમ કાર્ડ ઈશ્યુ કરવા માટે, એટીએમના વ્યવહારના મેસેજ માટે અને એક મહિનામાં કેટલી વખત એટીએમ ઉપયોગ કરી શકે એના માટે સ્વતંત્ર રીતે નિયમો બનાવે છે. આ નિયમો કરતાં અલગ અને એક મહિનામાં મફત સિવાય વધારે વખત એટીએમનો ઉપાડ કરવામાં આવે, પોતાની બૅન્ક કરતા ગ્રાહક અન્ય બૅન્કના એટીએમ ઉપરથી વ્યવહાર કરે તો તેના માટે ચાર્જ વસૂલવામાં આવે છે.

આ પણ વાંચો : 53 વર્ષ બાદ અઝીમ પ્રેમજીએ વિપ્રોને કહ્યું અલવિદા, પુત્રને બનાવ્યો ચૅરમેન

લોકસભામાં નાણાપ્રધાને આપેલી વિગત અનુસાર એપ્રિલ ૨૦૧૫થી સપ્ટેમ્બર ૨૦૧૮ના સાડાત્રણ વર્ષમાં ભારતની જાહેર ક્ષેત્રની બેંકોએ ગ્રાહક પાસેથી એટીએમ સંબંધિત ૪૧૧૭.૯૨ કરોડ રૂપિયાની રકમ ચાર્જ તરીકે વસૂલ કરી છે. સૌથી વધુ રકમ સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાએ આ સમયગાળામાં૧૫૫૪ કરોડ અને બૅન્ક ઑફ ઇન્ડિયાએ ૪૬૪ કરોડ ગ્રાહકો પાસેથી વસૂલ્યા છે. આ રકમમાં ખાનગી બૅન્કોએ કેટલી રકમ વસૂલી એની વિગતો આપી નથી.

આરટીજીએસ અને નેફ્ટ માટે રિઝર્વ બૅન્ક ચાર્જ નહીં વસૂલે

દેશમાં ડિજિટલ નાણાવ્યવહારને પ્રોત્સાહન આપવા માટે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) અને નૅશનલ ઇલેક્ટ્રોનિક ફન્ડ ટ્રાન્સફર (નેફ્ટ) ઉપર મધ્યસ્થ બૅન્ક દ્વારા વસૂલવામાં આવતા ચાર્જ નાબૂદ કરવાનો નિર્ણય ધિરાણનીતિમાં લેવામાં આવ્યો છે. જોકે બૅન્કો દ્વારા લેવામાં આવતો ચાર્જ હજી પણ ભરવો પડશે. આ પ્રકારના વ્યવહાર ઉપર લાગતો ચાર્જ લગભગ અડધો થઈ જશે.

નેફ્ટ વ્યવહાર ઉપર રિઝર્વ બેંક રૂ.૧૦,૦૦૦ સુધી રૂ.૨.૫૦ પ્રતિ વ્યવહાર, રૂ. ૧૦,૦૦૧થી રૂ.૧,૦૦,૦૦૦ સુધી રૂ.પાંચ અને રૂ.૧,૦૦,૦૦૦થી રૂ.૨,૦૦,૦૦૦ સુધી રૂ..૧૫નો ચાર્જ વસુલતી હતી. આરટીજીએસ માટે રૂ.૨લાખ થી રૂ. ૫ લાખ સુધી સુધી રૂ.૨૫ અને પાંચ લાખ રૂપિયાથી વધારા ઉપર રૂ.૫૦નો ચાર્જ વસુલ કરતી હતી. હવેથી આ ચાર્જ બંધ થઇ જશે.

reserve bank of india business news