ગ્રાહક ભાવાંક વધીને 16 મહિનામાં સૌથી વધુ

14 November, 2019 10:00 AM IST  |  Mumbai

ગ્રાહક ભાવાંક વધીને 16 મહિનામાં સૌથી વધુ

પ્રતીકાત્મક તસવીર

કમોસમી વરસાદના કારણે શાકભાજીના પુરવઠાને અસર પહોંચતાં ભારતમાં ગ્રાહકોને અસર કરતી મોંઘવારીનો દર એટલે કે ગ્રાહક ભાવાંક છેલ્લા ૧૬ મહિનામાં સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો હતો. જોકે, મુખ્ય ફુગાવો ઘટી ગયો હતો જે દર્શાવે છે કે ભારતમાં આર્થિક પ્રવૃત્તિ મંદ પડી રહી છે અને માગ ઘટી ગઈ છે.

ઑક્ટોબરમાં ગ્રાહક ભાવાંક વધીને ૪.૬૨ ટકા નોંધાયો છે જે સપ્ટેમ્બરમાં ૩.૯૯ ટકા હતો. અર્શશાસ્ત્રીઓની ધારણા મોંઘવારી ૪.૩૫ ટકા આસપાસ રહે એવી હતી.

ખાદ્ય અને પીણાંની કૅટેગરીમાં ફુગાવો ઑક્ટોબરમાં ૬.૯૩ રહ્યો હતો. શાકભાજી અને કઠોળમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી. બીજી તરફ, કોર ઇન્ફલેશન ઘટીને ૩.૪૪ ટકા રહ્યું હતું જે ગયા મહિને ૪.૦૨ ટકા હતું.

રિઝર્વ બૅન્કનું ગ્રાહક ભાવાંક ચાર ટકા આસપાસ રહે એવું લક્ષ્યાંક છે ત્યારે ૪.૬૨નો દર ચિંતાજનક છે. એક તરફ આર્થિક વિકાસ ઘટી રહ્યો છે, ઔદ્યોગિક ઉત્પાદન ઘટી રહ્યું છે ત્યારે વધારે તીવ્ર વ્યાજદરના ઘટાડાની વાત ચાલી રહી છે. રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટીની બેઠક ડિસેમ્બર મહિનામાં યોજાશે ત્યારે ચર્ચા એ વાતની હશે કે ઑક્ટોબરમાં મોંઘવારીમાં વૃદ્ધિ કામચલાઉ છે કે એ હજી પણ વધી શકે છે.

મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ગુજરાતમાં ભારે વરસાદ અને કમોસમી વરસાદના કારણે ખરીફ પાકને નુકસાન થયું છે અને રવી વાવેતર મોડું છે એટલે થોડો સમય ખાદ્ય ચીજોના ભાવ ઊંચા રહી શકે છે.

business news