છ દિવસથી વધતા શૅરબજારમાં ઊંચા મથાળે સાંકડી વધ-ઘટ

02 November, 2019 02:03 PM IST  |  મુંબઈ ડેસ્ક

છ દિવસથી વધતા શૅરબજારમાં ઊંચા મથાળે સાંકડી વધ-ઘટ

પ્રતીકાત્મક તસવીર

સ્ટૉક-ટૉક

મુંબઈ : શુક્રવારે ભારતીય શૅરબજારમાં સાંકડી વધ-ઘટ જોવા મળી હતી. કેટલીક મોટી કંપનીઓમાં પ્રૉફિટ-બુકિંગ હતું અને મોટા ભાગના શૅરમાં વધ-ઘટ સમાચાર આધારિત જોવા મળી હતી. આમ છતાં સતત છઠ્ઠા દિવસે બજાર મક્કમ અન્ડરટોન સાથે વધીને બંધ આવી હતી. ગુરુવારે અમેરિકન શૅરબજાર થોડા ઘટાડા સાથે બંધ આવ્યાં હતાં, પણ એશિયા અને યુરોપનાં શૅરબજાર આજે વધ્યાં હતાં.
દિવસના અંતે સેન્સેક્સ ૩૫.૯૮ પૉઇન્ટ કે ૦.૦૯ ટકા વધી ૪૦,૧૬૫.૦૩ અને નિફ્ટી ૨૨.૦૫ પૉઇન્ટ કે ૦.૧૯ ટકા વધી ૧૧,૮૯૯.૫૦ની સપાટીએ બંધ આવ્યા હતા. આ સપ્તાહમાં સેન્સેક્સ ૧૧૦૬.૯૭ પૉઇન્ટ કે ૨.૮૩ ટકા અને નિફ્ટી ૩૦૬.૭૦ પૉઇન્ટ કે ૨.૬૪ ટકા વધીને બંધ આવ્યા છે. સમગ્ર સપ્તાહમાં વિદેશી સંસ્થાઓની ખરીદીનો પણ બજારને ટેકો મળી રહ્યો છે. આજે વિદેશી સંસ્થાઓએ ૫૩૩.૩૭ કરોડ રૂપિયાના શૅરની ખરીદી કરી હતી.
આજે બજારમાં ઝી ગ્રુપના શૅરમાં ઉછાળો આવ્યો હોવાથી નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ અને મેટલ્સ શૅરમાં ખરીદીના પગલે નિફ્ટી મેટલ્સ ઇન્ડેક્સમાં વૃદ્ધિ જોવા મળી હતી. ઑક્ટોબરમાં વાહનોનું વેચાણ આગલા મહિના કરતાં વધીને આવ્યું હતું પણ વાર્ષિક ધોરણે ઘટાડો ચાલુ જ રહ્યો હતો. મોટાભાગની ઑટો કંપનીઓના શૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
શૅરબજારમાં સેન્સેક્સ વિક્રમી સપાટીએ પહોંચ્યા પછી જરા સાવચેતી પણ જોવા મળી રહી છે. ગુરુવારે કોર સેક્ટરનો વૃદ્ધિદર ૮૯ મહિનાના તળિયે પટકાયો હતો જ્યારે આજે ઑક્ટોબરમાં ઇન્ડસ્ટ્રીયલ પર્ચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ બે વર્ષના તળિયે જોવા મળ્યો હતો. દેશમાં બેરોજગારીનું પ્રમાણ પણ વધ્યું છે. બીજી તરફ કંપનીઓની બીજા ક્વાર્ટરની કામગીરી ધારણા કરતાં સારી રહી હોવાથી ખરીદી પણ જોવા મળી રહી છે.
આજે એચડીએફસી બૅન્ક અને ઇન્ડસઇન્ડ બૅન્કની તેજી સામે તાતા કન્સલ્ટન્સી અને લાર્સનમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧ સેક્ટરમાંથી ઑટો અને આઇટી સિવાય બધા જ ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળી હતી. એક્સચેન્જ ઉપર ૩૯ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૫૫ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૬૧ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૮૦ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ઉપર ૭૮ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૧૩૧ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૭૮ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૨૨ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૩૨ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૧૮ ટકા વધ્યા હતા.
વાહનોના વેચાણની ઑટો શૅર પર અસર
તહેવારમાં વાહનોનું વેચાણ વધી રહ્યું છે એવા સંકેતના સાથે ઑટો કંપનીઓના શૅર છેલ્લા થોડા દિવસોમાં વધી રહ્યા હોવાથી આજે પ્રોફિટ બુકિંગ થયું હોય એવી શક્યતા પણ નકારી શકાય નહીં. ટીવીએસ મોટર્સના શૅર આજે ૩.૧૧ ટકા ઘટ્યા હતા. કંપનીનું ઑક્ટોબર માસનું વેચાણ ૧૮.૮૩ ટકા ઘટી ૩.૨૩ લાખ યુનિટ આવ્યું હતું, પણ સપ્ટેમ્બર સામે કંપનીનું વેચાણ ૨.૩૬ ટકા વધ્યું હતું. બજાજ ઑટોના શૅર આજે ૦.૪૭ ટકા ઘટીને બંધ આવ્યા હતા. કંપનીએ ગત ઑક્ટોબર કરતાં ૯ ટકા ઓછા વાહનોનું વેચાણ કર્યું હતું પણ સપ્ટેમ્બર સામે વેચાણ ૧૫ ટકા વધ્યું હતું. ટ્રેક્ટરનું વેચાણ ૧.૬ ટકા વધ્યા પછી પણ એસ્કોર્ટના શૅર આજે ૦.૫૯ ટકા ઘટ્યા હતા. ટ્રક અને કર્મશિયલ વ્હીકલમાં દેશની બીજા ક્રમની કંપની અશોક લેલેન્ડનું વેચાણ વાર્ષિક ધોરણે ૩૫ ટકા ઘટી જતાં શૅરના ભાવ ૧.૦૪ ટકા ઘટ્યા હતા. મહિન્દ્રા અૅન્ડ મહિન્દ્રાનું વેચાણ ૧૧ ટકા ઘટી શૅરના ભાવ ૨.૮૧ ટકા ઘટ્યા હતા. એસએમએલ ઇસુઝુના શૅર પણ વાહનોનું વેચાણ ૩૭.૯ ટકા ઘટી જતાં ૧.૯૬ ટકા ઘટીને બંધ આવ્યા હતા.
જોકે, દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીનું વાહનોનું વેચાણ ગત મહિના કરતાં ૨૫.૧૧ ટકા વધ્યું હતું જ્યારે વાર્ષિક ધોરણે ૪.૫ ટકા વધ્યું હતું. આ વેચાણવૃદ્ધિના કારણે શૅરના ભાવ ૦.૭૮ ટકા વધ્યા હતા.
હિસ્સો વેચીને દેવું ઘટાડવાનો પ્રયાસ :
ઝી ગ્રુપના શૅર વધ્યા
બજારમાં આજે એવી ચર્ચા હતી કે પ્રમોટર સુભાષચંદ્ર દ્વારા ગીરવી મૂકવામાં આવેલા શૅર મ્યુચ્યુઅલ ફન્ડ્સને અલગ ખાતામાં ટ્રાન્સફર કરવાની સૂચના આપવામાં આવી છે. મ્યુચ્યુઅલ ફન્ડ પાસે ઝી એન્ટરટેઇનમેન્ટની ૫.૫ ટકા શૅરમૂડી ગીરવી છે. આ શૅર ટ્રાન્સફર થાય તો નવો ખરીદદાર તેને સરળતાથી મેળવી શકે એવી ધારણા છે. શૅરનો હિસ્સો વેચીને દેવું ભરવા માટે સુભાષચંદ્રનો આ બીજો પ્રયાસ છે, અગાઉ પણ તેમણે પોતાનો એક હિસ્સો વેચ્યો હતો. આ જાહેરાતના પગલે આજે ડીશ ટીવી અને ઝી એન્ટરટેઈનમેન્ટના શૅર વધ્યા હતા. દિવસના અંતે ડીશ ટીવીનો શૅર ૨૯.૨૦ ટકા વધી રૂ. ૧૬.૧૫ અને ઝી એન્ટરટેઈનમેન્ટનો શૅર ૧૮.૬૭ ટકા વધી રૂ. ૩૦૯.૫૦ની સપાટીએ બંધ આવ્યો હતો. જૂથ ઉપર કુલ રૂ. ૧૧,૦૦૦ કરોડનું દેવું છે અને સપ્ટેમ્બરમાં તેમણે રૂ. ૪૪૫૦ કરોડની પરત ચુકવણી કરી હતી.
પરિણામની અસરે શૅરમાં વધ-ઘટ
ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનના શૅર આજે ૨.૮૩ ટકા ઘટીને બંધ આવ્યા હતા. કંપનીના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ બજારની ધારણા કરતાં ઘણા નબળા હતા. કંપનીનો નફો ૮૨.૬૪ ટકા ઘટી ૫૬૩.૪૨ કરોડ રૂપિયા અને આવક ૧૨.૬૬ ટકા ઘટી ૧,૩૨,૩૭૫ કરોડ રૂપિયા જોવા મળી હતી. કંપનીના ગ્રોસ રિફાઇનિંગ માર્જિન પણ ગત વર્ષના ૮.૪૫ ડૉલર પ્રતિ બેરલ સામે ઘટી ૨.૯૬ ડૉલર પ્રતિ બેરલ જ રહ્યા હતા.
ડૉ. રેડ્ડીઝના શૅર ધારણા કરતાં વધારે સારા પરિણામ છતાં ઉપલા મથાળે જોવા મળેલા પ્રોફિટ બુકિંગમાં ૧.૦૨ ટકા ઘટીને બંધ આવ્યા હતા. કંપનીની આવક ૨૬ ટકા અને નફો ૧૧૭ ટકા વધ્યો હતો.
પેઇન્ટ બનાવતી કંપની કાન્સાઈ નેરોલૅકના શૅર ધારણા કરતાં નબળા પરિણામના કારણે ૩.૦૬ ટકા ઘટ્યા હતા. કંપનીનો નફો ૬૦ ટકા વધી ૧૯૦.૭૭ કરોડ રૂપિયા અને વેચાણ ૨.૭૯ ટકા ઘટી ૧૩૧૯.૫૭ કરોડ રૂપિયા આવ્યો હતો. કંપનીએ કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડાની રાહતનો લાભ લેતા નફો વધ્યો હતો.
બૅન્ક ઑફ ઇન્ડિયાના શૅર આજે ૦.૪૨ ટકા ઘટ્યા હતા. કંપનીનો નફો ૨૬૬.૩૭ કરોડ અને આવક ૧૦.૯૭ ટકા વધી ૧૧,૯૮૫ કરોડ રૂપિયા જોવા મળી હતી.

business news