૧૫ વર્ષ જૂનાં ૯ લાખ સરકારી વાહન, બસ એપ્રિલથી સ્ક્રૅપ કરાશે : ગડકરી

31 January, 2023 01:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૈકલ્પિક ઈંધણવાળાં જૂનાં વાહનોનું સ્થાન લેશે

નિતિન ગડકરી

૧૫ વર્ષ જૂનાં વાહનો હવે સ્ક્રૅપ થવાની તૈયારીમાં છે, જેમાં પહેલા તબક્કે સરકારી વાહનોનો સમાવેશ થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો, પરિવહન નિગમો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોની માલિકીનાં ૯ લાખથી વધુ વાહનો, જે ૧૫ વર્ષથી વધુ જૂનાં છે, એ પહેલી એપ્રિલથી રસ્તા પરથી દૂર થઈ જશે અને નવાં વાહનો તેમની જગ્યા લેશે, એમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સોમવારે જણાવ્યું હતું.

ઉદ્યોગ મંડળ ફિક્કી દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતાં ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર ઇથેનૉલ, મિથેનૉલ, બાયો-સીએનજી, બાયો-એલએનજી અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને સરળ બનાવવા માટે ઘણાં પગલાં લઈ રહી છે.

અમે હવે ૯ લાખથી વધુ સરકારી વાહનોને સ્ક્રૅપ કરવાની મંજૂરી આપી છે, જે ૧૫ વર્ષથી વધુ જૂનાં છે અને પ્રદૂષિત બસો અને કાર રસ્તા પરથી ઊતરી જશે અને વૈકલ્પિક ઈંધણવાલાં નવાં વાહનો એમનું સ્થાન લેશે. આનાથી વાયુ પ્રદૂષણમાં ઘણી હદ સુધી ઘટાડો થશે, એમ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાને જણાવ્યું હતું.

business news indian government nitin gadkari