આરબીઆઇની મોટી કાર્યવાહી : નવ બૅન્કોને 13 કરોડનો દંડ ફટકાર્યો

04 August, 2019 09:33 AM IST  |  નવી દિલ્હી

આરબીઆઇની મોટી કાર્યવાહી : નવ બૅન્કોને 13 કરોડનો દંડ ફટકાર્યો

આરબીઆઈ

સૂચનાઓ જાહેર કરવામાં અનિયમિતતા અને બેદરકારી દાખવવા માટે આરબીઆઇએ એક વાર ફરી બૅન્કોને દંડ ફટકાર્યો છે. જાહેર ક્ષેત્રની પંજાબ નૅશનલ બૅન્ક પર ૫૦ લાખ રૂપિયાનો દંડ લાગ્યો છે. પીએનબીએ શનિવારે શૅર માર્કેટમાં મોકલેલી સૂચનામાં જણાવવામાં આવ્યું હતું કે કિંગફિશર ઍરલાઇન્સના એક ખાતામાં ગડબડીની માહિતી સમયસર ન આપતાં આ દંડ ફટકારવામાં આવ્યો હતો. બૅન્ક ઑફ બરોડાને પણ આરબીઆઇએ ૫૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ સિવાય અલાહાબાદ બૅન્ક અને બૅન્ક ઑફ મહારાષ્ટ્રને બે-બે કરોડ રૂપિયાનો દંડ લગાડવામાં આવ્યો છે. આ યાદીમાં બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક અને યુનાઇટેડ બૅન્ક ઑફ ઇન્ડિયા પર દોઢ-દોઢ કરોડ રૂપિયાનો દંડ તેમ જ ઓરિયેન્ટલ બૅન્ક ઑફ કૉમર્સને એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પહેલાં આરબીઆઇએ જાહેરાત કરતાં જણાવ્યું કે ૩૧ જુલાઈ ૨૦૧૯ના આદેશ હેઠળ સાત બૅન્કો પર નાણાકીય દંડ લગાડવામાં આવ્યો હતો. આ દંડ ચાલુ ખાતાં ખોલવા અને તેમના સંચાલન માટે આચારસંહિતાની કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા મામલે આ દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ITRમાં જો આ આવકનો નહીં કરો ખુલાસો, તો થશે દંડ

આરબીઆઇએ જણાવ્યું હતું કે તેણે કૉર્પોરેશન બૅન્ક પર સાઇબર સુરક્ષા મામલે નિયમોનું પાલન ન થતાં એક કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. આરબીઆઇએ વ્યક્તિગત લેણદારો દ્વારા સમય પહેલાં દેવુ ચૂકવવા પર નૉન-બૅન્કિંગ નાણાકીય કંપનીઓ દ્વારા વસૂલવામાં આવતા દંડ પર રોક લગાવી દીધી હતી. જોકે નવો નિયમ ક્યારે લાગુ થશે એની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

reserve bank of india business news