ઑનલાઇન ડિસ્કાઉન્ટ્સ પર ન મૂકો પ્રતિબંધ : ૭૨ ટકા ગ્રાહકોનો મત

22 July, 2021 01:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશના ૪૯ ટકા ગ્રાહકોએ છેલ્લા ૧૨ મહિનામાં ઑનલાઇન ખરીદીનો વિકલ્પ અપનાવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

ઑનલાઇન ખરીદી કરનારા ગ્રાહકોએ ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ કરાવાતા ભારે ડિસ્કાઉન્ટ પર પ્રતિબંધ મુકાવો જોઈએ નહીં, એવો મત વ્યક્ત કર્યો છે.

સોશ્યલ મીડિયા વેબસાઇટ લોકલ સર્કલે કરાવેલા સર્વેક્ષણનું તારણ કહે છે કે આશરે ૭૨ ટકા ઑનલાઇન ગ્રાહકોએ ઈ-કૉમર્સ કંપનીઓના સેલ્સમાં સરકારની દખલગીરી હોવી જોઈએ નહીં એવું કહ્યું છે.

સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે દેશના ૪૯ ટકા ગ્રાહકોએ છેલ્લા ૧૨ મહિનામાં ઑનલાઇન ખરીદીનો વિકલ્પ અપનાવ્યો છે. સર્વેક્ષણમાં દેશના ૩૯૪ જિલ્લાઓના ૮૨,૦૦૦ કરતાં વધુ ગ્રાહકોએ ભાગ લીધો હતો, એમાં ૬૨ ટકા પુરુષો હતા.

સહભાગીઓમાંથી આશરે ૪૭ ટકા લોકોએ કહ્યું હતું કે કોરોના રોગચાળાને લીધે હજી ૬થી ૧૨ મહિના સુધી અનિશ્ચિતતા રહેશે અને એને લીધે ઘરના બજેટમાં તકલીફ થશે. આવામાં એક-એક પૈસાની બચત મહત્ત્વપૂર્ણ બની જાય છે.

નોંધનીય છે કે છેલ્લા છ મહિનામાં આશરે ૪૩ ટકા ગ્રાહકોએ ઑનલાઇન શૉપિંગ કરતી વખતે વસ્તુ ક્યાં બનેલી છે એની ચકાસણી કરી હતી.

business news