અમેરિકામાં ૬૬ લાખ જૉબલેસ ક્લેમ થયા: સોનાના ભાવ ૮ વર્ષની ઊંચી સપાટી તરફ

10 April, 2020 10:20 AM IST  |  Mumbai Desk

અમેરિકામાં ૬૬ લાખ જૉબલેસ ક્લેમ થયા: સોનાના ભાવ ૮ વર્ષની ઊંચી સપાટી તરફ

સોનાના વૈશ્વિક ભાવને બુધવારે મંદી લાંબો સમય ચાલશે એવું અને આજે અમેરિકામાં જૉબલેસ ક્લેમ ધારણા કરતાં વધતાં નવું બળ મળી રહ્યું છે. વૈશ્વિક ભાવની સાથે ભારતમાં પણ સોના-ચાંદીના ભાવમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. આજે લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા જૉબલેસ ક્લેમના આંકડા ૬૬ લાખ આવ્યા છે. બજારની ધારણા હતી કે લગભગ ૫૦ લાખ લોકોએ જૉબલેસ ક્લેમ માટે અરજી કરી હશે. આ અહેવાલ સાથે તેજી તીવ્ર બની છે.
મંદીમાં રોકાણકારો માટે સ્વર્ગ ગણાતાં સોના-ચાંદીના ભાવ એટલી ઝડપથી આગળ વધી રહ્યા છે કે વર્તમાન સપાટીએ બંધ આવે તો એ ૨૦૧૨ પછીના સૌથી ઊંચા ભાવ હશે. બુધવારે ફેડરલ રિઝર્વની માર્ચ ૩ અને ૧૫ની બેઠકની મિનિટ્સ જાહેર થઈ હતી અને એમાં એવું તારણ હતું કે અમેરિકામાં અર્થતંત્ર આગામી એક વર્ષ સુધી સુધરી શકે એવી શક્યતા ઓછી છે. મિનિટ્સની જાહેરાત બાદ ફરી સોનામાં તેજીનો દોરીસંચાર થયો હતો. બીજી તરફ સતત એક પછી એક સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર થઈ રહ્યાં હોવાથી અને ખાસ કરીને અમેરિકામાં ફેડરલ ‌રિઝર્વ સીધી રીતે બજારમાં નાણાપ્રવાહિતા ઠાલવી રહી હોવાથી સોનામાં ખરીદીનું આકર્ષણ વધી રહ્યું છે. બજારમાં ફુગાવા સાથે આર્થિક મંદીની ચર્ચા શરૂ થઈ છે જેમાં સોના-ચાંદી સહિત ચળકતી ધાતુઓમાં રોકાણ વધુ આકર્ષક બની શકે છે.
વૈશ્વિક બજારમાં કૉમેક્સ ખાતે જૂન વાયદો ૨.૧૪ ટકા કે ૩૬.૧૦ ડૉલર વધી ૧૭૨૦.૪૦ ડૉલર અને હાજરમાં ૧.૪૦ ટકા કે ૨૩.૦૨ ડૉલર વધી ૧૬૬૯.૧૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી મે વાયદો ૨.૮૦ ટકા કે ૪૩ સેન્ટ વધી ૧૫.૬૩ ડૉલર અને હાજરમાં ૧.૮૯ ટકા કે ૨૮ સેન્ટ વધી ૧૫.૨૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર જોવા મળી રહ્યા છે. આ સપ્તાહે અત્યાર સુધીમાં સોનાનો ભાવ ૩.૬ ટકા અને ચાંદીના ભાવ ૬. ટકા વધી ગયા છે.
લૉકડાઉનને કારણે ભારતમાં હાજર બજારો બંધ છે. બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના રેફરન્સ રેટમાં સોનું ૩૧૧ વધી ૪૫,૨૦૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી ૨૧૦ વધી ૪૨,૩૨૦ રૂપિયા પ્રતિ કિલો રહી હતી. આ ભાવમાં ટૅક્સનો સમાવેશ થતો નથી. એમસીએક્સ પર સોનાનો જૂન વાયદો ૩૬૨ વધી ૪૫,૩૦૩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદીનો મે વાયદો ૩૦૯ વધી ૪૩,૪૪૮ રૂપિયા પ્રતિ કિલો બંધ આવ્યા હતા.
અમેરિકામાં બેરોજગારીમાં ૬૬ લાખ લોકોનો થયો ઉમેરો
બજારની ધારણા હતી કે ગયા સપ્તાહે ૬૬.૫ લાખ લોકોએ બેરોજગારી માટે ક્લેમ દાખલ કર્યા બાદ શનિવારે પૂર્ણ થયેલા સપ્તાહમાં ૫૦ લાખ લોકો બેરોજગારીનો ક્લેમ કરશે. આજે જાહેર થયેલા લેબર ડિપાર્ટમેન્ટના આંકડા અનુસાર વધુ ૬૬ લાખ લોકોએ બેરોજગારીના ભથ્થા માટે અરજી કરી છે.‍ ૧૯૮૨ પછી સતત ત્રણ સપ્તાહમાં જૉબલેસ ક્લેમ ૩૦ લાખ કરતાં વધારે રહ્યા છે. એ ઉપરાંત ગયા સપ્તાહનો અંદાજ ૬૬.૫ લાખ સામે વધારી ૬૮.૭ લાખ જાહેર કરવામાં આવ્યો છે.

business news united states of america