ડીએચએફએલ કેસમાં ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝને એનક્લેટમાં પિરામલ સામે મળી જીત

28 January, 2022 04:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડીએચએફએલ દ્વારા ગેરરીતિપૂર્વક સગેવગે કરાયેલી ૪૦,૦૦૦ કરોડ રૂપિયા મૂલ્યની ઍસેટ્સનું મૂલ્ય પિરામલે ફક્ત ૧ રૂપિયો ગણાવ્યું હતું.

મિડ-ડે લોગો

નાદારી નોંધાવી ચૂકેલી દીવાન હાઉસિંગ ફાઇનૅન્સ લિમિટેડ (ડીએચએફએલ)ના કેસમાં ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીઝ લિમિટેડની અરજી સંબંધે વિચારણા કરવાનો એનક્લેટે કમિટી ઑફ ક્રેડિટર્સને ગુરુવારે આદેશ આપ્યો છે. 
ડીએચએફએલે ગેરરીતિપૂર્વક સગેવગે કરેલી ૪૦,૦૦૦ કરોડ રૂપિયા મૂલ્યની ઍસેટ્સની રિકવરીનું મૂલ્ય પિરામલે ફક્ત ૧ રૂપિયો ગણાવ્યું હતું અને તેને કારણે ક્રેડિટર્સને મોટું નુકસાન થઈ રહ્યું હોવાથી ૬૩ મૂન્સે એનક્લેટ (નૅશનલ કંપની લૉ ઍપેલેટ ટ્રિબ્યુનલ)માં અરજી કરી હતી. 
૬૩ મૂન્સ પોતે ડીએચએફએલની ક્રેડિટર છે. તેણે ડીએચએફએલના ૨૦૦ કરોડ રૂપિયાની મૂળ કિંમતના નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સમાં રોકાણ કર્યું હતું.
પિરામલ ગ્રુપે ડીએચએફએલના રિઝૉલ્યુશન પ્લાનમાં ભાગ લીધો હતો અને એનસીએલટી (નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ)એ તેના પ્લાનનો સ્વીકાર કર્યો હતો. ૬૩ મૂન્સે એનસીએલટીના આદેશને પડકારતાં કહ્યું હતું કે પિરામલે ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની ઍસેટ્સનું મૂલ્ય ફક્ત ૧ રૂપિયો ગણાવ્યું હોવાથી ક્રેડિટર્સને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ અરજી સંબંધે એનક્લેટે ઉક્ત આદેશ આપ્યો છે. તેને પગલે હવે કમિટી ઑફ ક્રેડિટર્સે ઇનસોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ (આઇબીસી)ની કલમ ૬૬ની જોગવાઈ વિશે પુનઃ વિચાર કરવો પડશે. 
ડીએચએફએલના રિઝૉલ્યુશન પ્લાનમાં કમિટીએ આ જોગવાઈ તરફ દુર્લક્ષ કર્યું હતું અને તેને લીધે પિરામલ ગ્રુપ લાભ ખાટી ગયું હતું.
૬૩ મૂન્સે કહ્યું છે કે જો કમિટી કલમ ૬૬ની જોગવાઈને ધ્યાનમાં રાખીને પુનઃ વિચાર કરશે તો ડીએચએફએલના લાખો ક્રેડિટર્સ પ્રચંડ મોટા નુકસાનથી બચી જશે, કારણ કે આ કલમમાં કહેવામાં આવ્યું છે કે તમામ ક્રેડિટર્સને લાભ મળવો જોઈએ. નોંધનીય છે કે કમિટી ઑફ ક્રેડિટર્સના નિર્ણયને પડકારનાર ૬૩ મૂન્સ એકમાત્ર કંપની હતી. ૬૩ મૂન્સે એમ પણ કહ્યું છે કે કંપનીને ભારતના ન્યાયતંત્રમાં પૂર્ણ વિશ્વાસ છે. આખરે સત્યની જ જીત થશે. 

business news